2025 સુધીમાં ભારતને ટીબી મુક્ત કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લક્ષ્યને સાકાર કરવાની દિશામાં ગુજરાતે 2024માં નોંધનીય પ્રગતિ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે ટીબી નોંધણી અને સફળ સારવાર મામલે નીતિ આયોગ દ્વારા નિર્ધારિત લક્ષ્યના 95% હાંસલ કર્યા છે, જ્યારે સારવાર પૂર્ણ થવાનો દર 91% નોંધાયો છે. ગુજરાતને 2024માં 1,45,000 ટીબી દર્દીઓની ઓળખ અને નોંધણીનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો, જેની સાપેક્ષમાં 1,37,929 ટીબી દર્દીઓની સફળતાપૂર્વક ઓળખ અને નોંધણી કરવામાં આવી હતી. આ સાથે જ, 1,24,581 દર્દીઓની સફળતાપૂર્વક સારવાર થઈ હતી, જેથી સારવાર પૂર્ણ થવાનો દર 90.52% નોંધાયો હતો. આ ઉપરાંત, નોંધાયેલા ટીબી દર્દીઓમાંથી 1,31,501 દર્દીઓને પણ સારવારની સુવિધા પૂરી પાડવામાં આવી છે.
2024માં ટીબીના દર્દીઓની સારવાર માટે આપવામાં આવી ₹43.9 કરોડની આર્થિક સહાય
ટીબીના દર્દીઓ તેમની નિયમિત સારવાર કરાવવા માટે પ્રેરાય અને પૈસાના અભાવે તેમની સારવારમાં કોઈ મુશ્કેલી ન આવે તે માટે ગુજરાત સરકાર દ્વારા નિક્ષય પોષણ યોજના હેઠળ દવાના ખર્ચ માટે ટીબીના દર્દી દીઠ ₹500ની નાણાંકીય સહાય પૂરી પાડવામાં આવી રહી છે. વર્ષ 2024માં 1,18,984 ટીબીના દર્દીઓને ₹43.9 કરોડની સહાય આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ટીબીના દર્દીઓને આપવામાં આવતી આ આર્થિક સહાયને કેન્દ્ર સરકારે 1 નવેમ્બર, 2024થી વધારીને ₹1000 કરી છે.
10,682 નિક્ષય મિત્રોનો સહયોગ, 3.49 લાખ પોષણ કિટનું વિતરણ
પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ, ગુજરાતે નિક્ષય પોર્ટલ પર 10,682 નિક્ષય મિત્રોની નોંધણી કરી અને તેમના માધ્યમથી 3,49,534 પોષણ કિટનું વિતરણ કર્યું. રાજ્ય સરકારની આ પહેલ ટીબીના દર્દીઓને માત્ર દવાઓ જ નહીં, યોગ્ય પોષણ પણ મળે તે સુનિશ્ચિત કરે છે. આ ક્ષેત્રમાં ગુજરાત સમગ્ર દેશમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારું રાજ્ય બન્યું છે.
100 દિવસીય સઘન ટીબી નાબૂદી અભિયાનના અમલીકરણમાં ગુજરાત અગ્રેસર
ટીબીના કેસોની વહેલી તકે તપાસ અને સારવાર માટે ભારત સરકારે 7 ડિસેમ્બર 2024ના રોજ "100-દિવસીય સઘન ટીબી નાબૂદી અભિયાન" શરૂ કર્યું છે. ગુજરાતે આ અભિયાન હેઠળ અત્યારસુધીમાં 16 જિલ્લાઓ અને 4 મ્યુનિસિપલ કોર્પોરેશનનો સમાવેશ કર્યો છે. 20 માર્ચ 2025 સુધીમાં આ અભિયાન હેઠળ 35.75 લાખ લોકોનું ટીબી પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ વ્યાપક પરીક્ષણના પરિણામે, 16,758 નવા ટીબી દર્દીઓની ઓળખ કરવામાં આવી છે અને તેમની સારવાર પણ શરૂ કરવામાં આવી છે.
ટીબીના દર્દીઓની વધુ સારી સુવિધા માટે લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલ સાથે એમઓયુ
રાજ્યના તમામ ટીબી દર્દીઓને સારવાર દરમિયાન દર મહિને પોષણ કિટ ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશથી ગુજરાત સરકારે તાજેતરમાં 6 માર્ચ 2025ના રોજ લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલ સાથે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. આ અંતર્ગત, ટીબીના દર્દીઓને દત્તક લઈને તેમને ન્યુટ્રિશન સપોર્ટ પ્રદાન કરવામાં આવશે. રાજ્યભરમાં દર્દીઓને પોષણ સહાય પૂરી પાડવામાં લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ સક્રિય ભૂમિકા ભજવશે. રાજ્ય સરકારને આશા છે કે આ પ્રકારના પ્રયાસોથી ટીબીના દર્દીઓના રિકવરી રેટમાં વધુ ઝડપી સુધારો થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆ રેસીપીની મદદથી બનાવો સ્વાદમાં ચટાકેદાર અને તીખું તમતમતું ભરેલા લાલ મરચાનું અથાણું
March 25, 2025 04:45 PM112 ઇમરજન્સી હેલ્પલાઇનને સમગ્ર ગુજરાતમાં શરૂ કરવાની તૈયારી પૂરજોશમાં
March 25, 2025 04:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech