મનોજ કુમારના 21 તોપોની સલામી સાથે અંતિમસંસ્કાર કરાયા, અમિતાભ બચ્ચન, પ્રેમ ચોપરા સહિતના દિગ્ગજ એક્ટર હાજર રહ્યા, જુઓ તસવીરો

  • April 05, 2025 01:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે બોલીવૂડના એક્ટર અને દિગ્દર્શક મનોજ કુમારના પાર્થિવદેહના અંતિમસંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા હતા. તેમના પાર્થિવ દેહને તિરંગામાં લપેટીને મુંબઈના જુહુ સ્થિત પવનહંસ સ્મશાનગૃહમાં લાવવામાં આવ્યો હતો. અહીં તેમને 21 તોપોની સલામી આપવામાં આવી હતી. તેમના પુત્ર કુણાલ ગોસ્વામીએ અંતિમસંસ્કાર કર્યા હતા. પ્રેમ ચોપરા, સલીમ ખાન, સુભાષ ઘઈ, અમિતાભ બચ્ચન અને પુત્ર અભિષેક સહિત અનેક સેલેબ્સ મનોજ કુમારના અંતિમસંસ્કારમાં હાજર રહ્યા હતા.


મનોજ કુમારના અંતિસંસ્કારમાં રાજપાલ યાદવ, સલીમ ખાન, અરબાઝ ખાન, સંગીતકાર અનુ મલિક પણ હાજર રહ્યા હતા. આજે સવારે મનોજ કુમારના અંતિમદર્શન કરવા મોટી સંખ્યામાં લોકો તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા.


મનોજ કુમારનું ગઈકાલે નિધન થયું હતું

મનોજ કુમારનું ગઈકાલે નિધન થયું હતું. તેમણે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. દેશભક્તિ પર આધારિત ફિલ્મો બનાવવા બદલ તેમને ભારત કુમાર તરીકે પણ ઓળખવામાં આવે છે.


મનોજ કુમાર લાંબા સમયથી લીવર સિરોસિસથી પીડાતા હતા. તેમની તબિયત બગડતા તેમને 21 ફેબ્રુઆરી 2025ના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને 7 ફિલ્મફેર એવોર્ડ મળ્યા. પહેલો ફિલ્મફેર એવોર્ડ 1968માં ફિલ્મ ઉપકાર માટે મળ્યો હતો. ઉપકાર ફિલ્મે શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ દિગ્દર્શક, શ્રેષ્ઠ વાર્તા અને શ્રેષ્ઠ સંવાદ માટે ચાર ફિલ્મફેર એવોર્ડ જીત્યા. 1992માં તેમને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. 2016માં તેમને દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.


મનોજ કુમારનો જન્મ 24 જુલાઈ 1937 ના રોજ પાકિસ્તાનમાં થયો હતો. તેમનું સાચું નામ હરિકૃષ્ણ ગિરિ ગોસ્વામી હતું. મનોજ કુમારનો જન્મ એબોટાબાદ (હવે પાકિસ્તાન) માં થયો હતો. ભારત અને પાકિસ્તાનના ભાગલા સમયે તેમનો પરિવાર દિલ્હી આવ્યો હતો. બાળપણથી જ તેમને સિનેમાનો ખૂબ શોખ હતો. તેને ફિલ્મો જોવાનો ખૂબ શોખ હતો. તેમણે પોતાનું સ્ટેજ નામ 'શબનમ' ફિલ્મમાં દિલીપ કુમારના પાત્ર મનોજ કુમાર પરથી રાખ્યું. આ અભિનેતાએ ૧૯૫૭માં ફિલ્મ 'ફેશન'થી અભિનય ક્ષેત્રે પ્રવેશ કર્યો હતો.


૧૯૬૫નું વર્ષ તેમની કારકિર્દી માટે એક મોટું પરિવર્તન હતું. આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ 'શહીદ' એ તેમના કરિયરને એક નવી દિશા આપી. આ પછી તેણે ક્યારેય પાછળ વળીને જોયું નહીં. મનોજ કુમારની ફિલ્મો માત્ર હિટ જ નહોતી, પરંતુ તેમના ગીતો પણ લોકોમાં લોકપ્રિય બન્યા હતા. તેમની ફિલ્મ 'ઉપકાર'નું ગીત 'મેરે દેશ કી ધરતી' લોકોને આજે પણ યાદ છે. આ ફિલ્મ માટે તેમને રાષ્ટ્રીય પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. મનોજ કુમારને ભારત કુમાર તરીકે પણ ઓળખવામાં આવતા હતા. તેમણે પોતાના કરિયરમાં ઘણી દેશભક્તિપૂર્ણ ફિલ્મોમાં કામ કર્યું. 'ઉપકાર', 'સહારા', 'ચાંદ', 'હનીમૂન', 'પૂરબ ઔર પશ્ચિમ', 'નસીબ', 'મેરી આવાઝ સુનો', 'નીલ કમલ', 'પત્થર કે સનમ', 'પિયા મિલન કી આસ' જેવી ફિલ્મોમાં તેમના કામની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. રાષ્ટ્રીય પુરસ્કાર ઉપરાંત, તેમને પદ્મશ્રી અને દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application