એવું આયોજન ઘડો કે પોરબંદરમાં ભારે વરસાદ થાય તો પણ પાણીનો તાત્કાલિક નિકાલ થાય:મુખ્યમંત્રી

  • August 09, 2024 03:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભુપેન્દ્ર પટેલે પોરબંદર જીલ્લામાં ભારે વરસાદ બાદ રાહત બચાવ કામગીરીની કરી સમીક્ષા:પોરબંદર જિલ્લા પ્રશાસનને વરસાદી પાણીના નિકાલના કાયમી આયોજન અંગે માર્ગદર્શન આપ્યુ

હર્ષદ ખાતે હરસિધ્ધિ વનનું લોકાર્પણ કર્યા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પોરબંદર ખાતે આવીને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી તથા વરસાદ અને બચાવ રાહત કામગીરી અંગેની સમીક્ષા કરી હતી.
મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલે  પોરબંદર  કલેકટર કચેરી ખાતે  ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી. તાજેતરમાં પોરબંદર જિલ્લામાં પડેલ અતિભારે વરસાદના કારણે લોકોના પાક, જમીનને પ્રતિકુળતા  અને લોકોના રહેણાંક મકાનોમાં પાણી ઘુસી જવાથી થયેલી અસર બાબતે જિલ્લા પ્રશાસન દ્વારા લેવાયેલા પગલાની સમીક્ષા કરી હતી.મુખ્યમંત્રીએ પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે બેઠક કરી વરસાદી પાણીના નિકાલ અને હાલ તત્કાલ લેવાઈ રહેલા પગલા અંગે જિલ્લા પ્રશાસનને માર્ગદર્શન આપ્યું છે.મુખ્યમંત્રીએ કહ્યું કે અતિવૃષ્ટિની સ્થિતિમાં સરકાર લોકોની સાથે છે.સરકારની જોગવાઈ મુજબ જરૂરી રાહતો અને જ્યાં જરૂર પડે ત્યાં વિશેષ મદદ કરવાની પણ મુખ્યમંત્રીએ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.જિલ્લા પ્રશાસન દ્વારા અન્ય જિલ્લાઓમાંથી પાણી નિકાલ માટે મશીનરી પંપ મંગાવી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી હતી, અને રાજકોટ જિલ્લામાંથી સફાઈની ટીમ બોલાવી સફાઈ કરી દવાનો છંટકાવ કરવા સહિતની થયેલી કામગીરી અંગેની માહિતી કલેક્ટર  કે.ડી લાખાણીએ મુખ્યમંત્રીને આપી હતી.પોરબંદરમાં ભરાતા પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા થાય તેવું આયોજન કરવા પણ સુચનાઓ આપી હતી. આ બેઠકમાં  કેબિનેટ મંત્રી  કુંવરજીભાઈ બાવળીયા, ધારાસભ્ય  અર્જુનભાઈ મોઢવાડિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઈ પરમાર,પુર્વ કેબિનેટ મંત્રી  બાબુભાઈ બોખીરીયા, નગરપાલિકાના પ્રમુખ ડો.ચેતનાબેન તિવારી, અશોકભાઈ મોઢા, જિલ્લા વિકાસ અધિકારી  કેતન ઠક્કર સહિતના અધિકારીઓ અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ  ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application