જામનગરમાં સાંસદ ખેલ મહોત્સવ: ક્રિકેટમાં ૩૮૪ ટીમોએ ભાગ લીધો

  • January 29, 2024 12:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બહેનો માટે રસ્સા ખેંચ, નારગોલ, લીંબુ-ચમચી, મ્યુઝીકલ ચેર, કોથળા દોડ તેમજ ભાઇઓ માટે કબડ્ડી, ખો-ખો, એથ્લેટીકસ સહિતની અનેક રમતોનું આયોજન: યુવાનોમાં ખેલદીલીની ભાવના જળવાય અને ફીટનેશ જળવાય તે માટે થયું ઉત્કૃષ્ટ આયોજન: સાંસદ પૂનબેન માડમ

જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લાના ભાઇ-બહેનો માટે ફીટનેશમાં જાગૃતિ આવે, તેમનો યોગ્ય પ્લેટફોર્મ મળે તે માટે અને રમતવીરોમાં ખેલદીલીની ભાવના જળવાય તે માટે લોકોને જાગૃત કરવા તા.૨૮મીથી સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરાયું છે જેમાં રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ૩૮૪ ટીમોએ ભાગ લીધો છે, એટલું જ નહીં રસ્સા ખેંચ, નારગોલ, લીંબુ-ચમચી, મ્યુઝીકલ ચેર, કોથળા દોડ, ભાઇઓ માટે કબડ્ડી, ખો-ખો, એથ્લેટીકસ રમાડવામાં આવશે તેમ સાંસદ પૂનમબેન માડમે પત્રકારોને જણાવ્યું હતું અને કહ્યું હતું કે, ક્રિકેટમાં તો રજીસ્ટ્રેશન બંધ કર્યુ છે, કારણ કે ૩ માર્ચ સુધી આ રમતોત્સવ ચાલશે.
સાંસદે વધુમાં જણાવ્યું હતું કે, યુવાનોમાં સ્પોર્ટસમેન સ્પીરીટ જળવાય અને એટલું જ નહીં તેમની ફીટનેશ જળવાય, ખેલાડીઓને યોગ્ય પ્લેટફોર્મ મળે, ખેલો ગુજરાત, ખેલો ભારત કે કોઇ પણ રમતોત્સવ હોય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રમતની ભાવનાને વિકસાવવા દરેક જિલ્લામાં સંસદના વિસ્તારમાં રમતોત્સવ યોજાય તે માટે જણાવવામાં આવતાં આ પ્રકારનો રમતોત્સવ યોજાઇ રહ્યો છે જેમાં જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લાના રમતવીરો ભાગ લેશે.
પ્રધાનમંત્રીના આ આહવાન બાદ દરેક સંસદીય વિસ્તારમાં યુવાનો અને નાગરીકો માટે આ પ્રકારનું રમતગમતનું આયોજન કરવામાં આવ્યું છે, જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લા માટે સાંસદ ખેલ મહોત્સવ યોજાઇ રહ્યો છે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીની દેખરેખ હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, રમતગમત વિભાગમાંથી પણ આકાશભાઇ પણ હાજર છે અને તેઓ સમગ્ર ખેલ મહોત્સવના આયોજનમાં જોડાયો છે, આ કાર્યક્રમ સ્વભાવિક રીતે યુવાનો માટે છે, બહેનો અને ભાઇઓ પણ વિવિધ રમતોમાં ભાગ લઇ શકશે, સાંસદ ખેલ મહોત્સવ સાચા અર્થમાં આપણે સૌ સાથે મળીને ઉજવીએ.
પૂનમબેન માડમે વધુમાં જણાવ્યું હતું કે, તા.૨૮થી ટેનીસ બોલ રાત્રી  ક્રિકેટ ટુર્નામેન્ટ શરુ થઇ છે જેમાં ૩૮૪ ટીમોએ ભાગ લીધો છે, સમયની મર્યાદાની ઘ્યાનમાં લઇને અમોએ રજીસ્ટ્રેશન બંધ કર્યુ છે નહીંતર બંને જિલ્લામાં થઇને ૫૦૦થી વધુ ટીમો ભાગ લેત. કોઇ પણ પ્લેયર બીજી ટીમમાંથી રીપીટ ન થાય તે માટે પણ ઘ્યાન રાખવામાં આવ્યું છે, આ ટુર્નામેન્ટમાં વધુમાં વધુ મેચો રમાડાશે, કેટલીક રમતો ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ રમાડાશે, ફાઇનલ તા.૩ માર્ચના રોજ પ્રદર્શન મેદાનમાં રમાશે.
કબડ્ડી, ખો-ખો, એથ્લેટીકસ, ૧૦૦ મીટર દોડ, ૨૦૦ મીટર દોડ, લોન્ગ જપ્ત પણ રમાડાશે, વોલીબોલ, ફુટબોલ તાલુકા કક્ષાએ રમાડાશે, બહેનો માટે અલગ-અલગ રમત રમાડાશે, આ માટે વેબસાઇટ પણ ખુલી મુકવામાં આવી છે અને રમતોત્સવની માહિતી તમારા સુધી પહોંચાડાશે. જામનગર, દેવભુમિ દ્વારકા જિલ્લા આમરણ જિલ્લા પંચાયતની એક બેઠકના વિસ્તારના લોકોને તમામ રમતોમાં ખેલાડીઓને પ્રોત્સાહન કરવા નાગરીકોને હું આહવાન કરુ છું.
આ પત્રકાર પરીષદમાં સાંસદ ઉપરાંત મેયર વિનોખ ખીમસુરીયા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, ભાજપના શહેર પ્રમુખ ડો.વિમલ કગથરા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઇ સોલંકી, માર્કેટીંગ યાર્ડના ચેરમેન પ્રવિણસિંહ ઝાલા, પ્રવિણભાઇ માડમ, ગોપાલ સોરઠીયા, પ્રકાશ બાંભણીયા, દિલીપભાઇ ભોજાણી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application