રાજકોટમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા યોજાયો "MOU With Association" કાર્યક્રમ, વેપારી-ઔદ્યોગિક સંગઠનોને મહત્તમ મતદાન કરાવવા માટે કરાઈ અપીલ

  • April 09, 2024 07:40 PM 

ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશીના નેતૃત્વમાં, જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા "MOU With Association" કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં રાજકોટના વિવિધ વેપારી સંગઠનો, ઔદ્યોગિક સંગઠનોના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા.

  

રાજકોટ લોકસભા બેઠકના વિસ્તારમાં વેપારી તેમજ ઔદ્યોગિક વિસ્તારોમાં મહત્તમ મતદાન થાય એ માટે, જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશી તથા વિવિધ સંગઠનો વચ્ચે સમજૂતી કરાર કરાયા હતા. 


આ કાર્યક્રમમાં જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશી દ્વારા "૧૦ મિનિટ દેશ માટે, લોકસભા ચૂંટણીના મતદાન માટે" ના સૂત્રને અનુસરીને આગામી ૭મી મે ૨૦૨૪ના રોજ, ૧૦-રાજકોટ સંસદીય મતવિસ્તારમાં અચૂક મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી. આ સાથે વેપારી સંગઠનો તેમજ ઔદ્યોગિક સંગઠનો સાથે સંકળાયેલા કામદાર મતદારોને પણ ૭મી મેના રોજ મતદાન માટે સવેતન રજા આપીને, વોટિંગ માટે પ્રેરિત કરવા જણાવ્યું હતું. 


ચૂંટણીમાં મહિલાઓનું મતદાન વધારવા માટે આ કાર્યક્રમમાં, વિવિધ સ્વયંસેવી સંસ્થાઓના મહિલા પ્રતિનિધિઓ સાથે ખાસ સમજૂતિ કરાર કરવામાં આવ્યા હતા. ઉપરાંત વડીલ મતદારોની સરાહના કરતાં પેન્શનર્સ એસોસિયેશનમાંથી ઉપસ્થિત વડીલ સભ્યોનું ખાસ અભિવાદન કરવામાં આવ્યું હતું. 


રાજકોટ જિલ્લાના વિવિધ વેપારી-ઔદ્યોગિક સંગઠનોને ચૂંટણી સંબંધિત સૂચનાઓ તથા મતદાન જાગૃતિ અંગેની પ્રવૃત્તિઓની માહિતી મળી રહે તે માટે, જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા Sveep Association - Rajkot નામનું whatsapp ગ્રુપ પણ બનાવવામાં આવ્યું છે. 


આ કાર્યક્રમમાં સ્વીપના નોડલ અધિકારી સુશ્રી જિજ્ઞાસા ગઢવી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર શ્રી કિશોર મોરી, સહાયક માહિતી નિયામક સુશ્રી સોનલ જોશીપુરા, આઈ.ટી.સી. અધિકારી સુશ્રી નમ્રતા નથવાણી તેમજ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ, ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ, રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન, રાજકોટ જેમ્સ એન્ડ જવેલરી એસોસીએશન, શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, હડમતાળા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, લઘુઉદ્યોગ ભારતી, સૌરાષ્ટ્ર પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન, લોઠડા - પીપલાણા- પડવલા ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશન, ઈન્ડીયન ઈન્વેસ્ટમેન્ટ કાસ્ટીંગ મેન્યુફેક્ચર એસોસિએશન, કુવાડવા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, ઇમિટેશન જ્વેલરી એસોસિએશન, આજી GIDC ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, લોધિકા GIDC ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, ખીરસરા GIDC ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, હોટેલ એસોસિએશન, રાજકોટ ઇન્ફર્મેશન ટેક્નોલોજી એસોસિએશન, રાજકોટ પેટ્રોલપંપ એસોસિએશન, સ્વસ્તિક મહિલા ગૃહ ઉદ્યોગ, સેલ્ફ ફાઇનાન્સ કોલેજ એસોસિએશન, મહિલા વિકાસ સેવા મંડળ, ટૂર અને ટ્રાવેલ્સ એસોસિએશન, ઈન્ડિયન મેડિકલ એસોસિએશન, દાણાપીઠ વેપારી એસોસિએશન, રાજકોટ સિનેમા એસોસિએશન, જીમ એસોસિએશન વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application