રાજકોટમાં ધોળા દિવસે પાંચ મકાનના તાળાં તૂટયા: રૂ.4.18 લાખની ચોરી

  • July 19, 2024 03:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં મોટામવા પાસે ખેડૂતના બંધ મકાનમાંથી પોણા લાખની મત્તાની ચોરીની ઘટના બન્યા બાદ ગઈકાલે ધોળા દિવસે કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં આવેલી શિવ શક્તિ સોસાયટીમાં એક સાથે પાંચ મકાનના તાળા તોડી તસ્કરો રૂ. 4.18 લાખની મત્તા ચોરી કરી જઈ પોલીસને રીતસર પડકાર ફેંક્યો હતો. અહીં શિવ શક્તિ સોસાયટીમાં રહેતા ભરવાડ પરિવારના મકાનમાંથી તસ્કરો રૂપિયા 3.35 લાખની મત્તા અને તેના પાડોશીના મકાનમાંથી રૂ.1.46 લાખની મત્તા ચોરી કરી ગયા હતા. જ્યારે પાછળની શેરીમાં આવેલા અન્ય ત્રણ મકાનોમાંથી એક મકાનમાં 7000 ની રોકડ ચોરી કરી હતી જ્યારે અન્ય બે મકાનમાં ચોરીની કોશિશ કરી હતી. ચોરીના આ બનાવને લઈ આજીડેમ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં શિવ શક્તિ સોસાયટી શેરી નંબર-1 માં રહેતા મંગુબેન લાખાભાઈ ખાટરીયા(ઉ.વ 45) દ્વારા આજીડેમ પોલીસ સ્ટેશનમાં ચોરીના આ બનાવ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે. મંગુબેને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓને સંતાનમાં ત્રણ દીકરી અને એક પુત્ર છે. ત્રણેય દીકરીઓ સાસરે છે જ્યારે તે તેમના પતિ તેમનો પુત્ર અને પુત્રવધુ બધા કારખાનામાં કામ કરે છે.
ગઈકાલે તેઓ નિત્યક્રમ મુજબ કામ પર ગયા હતા. દરમિયાન બપોરના 4:30 વાગ્યા આસપાસ પાડોશી મયુરભાઈનો ફોન આવ્યો હતો અને તેમણે કહ્યું હતું કે, મારા ઘરમાં ચોરી થઈ છે અને તમારા ઘરના પણ તાળા તૂટેલા છે જેથી ફરિયાદી તુરંત અહીં ઘરે આવી પહોંચ્યા હતા અહીં આવી જોતા ડેલી ખુલી હોય રૂમના દરવાજાનું તાળું તુટેલું હતું અને અંદર સામાન વેરવિખેર હતો બાદમાં ઘરમાં તપાસ કરતા માલુમ પડ્યું હતું કે કબાટમાં રાખેલ સોનાનો હાર, સોનાની અડધા તોલાની બુટ્ટી, સોનાની કાનની નથણી, નાકના દાણા તેમજ ચાંદીના ઘરેણા અને રોકડ રૂપિયા 20,000 સહિત કુલ રૂપિયા 3.5 લાખની મત્તા તસ્કરો ચોરી કરી ગયા હતા. જ્યારે પાડોશમાં રહેતા મયુરભાઈ કનુભાઈ લાખાણીના મકાનમાંથી તસ્કરો સોના-ચાંદીના ઘરેણા અને રોકડ રૂપિયા 20,000 સહિત કુલ રૂપિયા 1.46 લાખની મત્તા ચોરી કરી ગયા હતા. આમ બંને મકાનોમાં મળી તસ્કરોએ રૂપિયા 4.81 લાખની મત્તા ચોરી કરી હતી જે અંગે ફરિયાદી આજીડેમ પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી છે.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, અહીં આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસતા રાત્રિના એક શંકાસ્પદ શખસ અહીં આટાફેરા કરતો હોવાનું માલુમ પડ્યું હતું. તેમજ વિસ્તારવાસીઓમાં થતી ચચર્િ મુજબ આ બે ઘર સિવાય આ જ વિસ્તારમાં પાછળની શેરીમાં આવેલા અન્ય ત્રણ ઘરોને પણ તસ્કરો નિશાન બનાવી મકાનના તાડા તોડ્યા હતા. જોકે તેમાં એક મકાનમાંથી રૂપિયા 7,000 ની રોકડ ચોરી કરી ગયા હતા જ્યારે અન્ય બે મકાનમાં ચોરીની કોશિશ કરી હતી. ચોરીની આ ઘટનાને લઇ આજીડેમ પોલીસે આ વિસ્તાર તેમજ આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે ધોળા દિવસે ચોરીના બનાવને અંજામ આપ્નાર તસ્કરને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application