દૂધની આડમાં શરાબનો વેપલો: 34,200ના દારૂ અને બીયરના જથ્થા સાથે શખસ ઝડપાયો

  • June 22, 2024 03:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોલીસથી બચવા માટે બુટલેગરો અવનવા કીમયા અજમાવતા હોય છે ત્યારે શહેરમાં એક દુધનો ધંધાર્થી દુધના કેનમાં દારૂની હેરફેર કરતો હોવાની બાતમી એલસીબી ઝોન-2 ની ટીમને મળતા પોલીસે આ શખસને ઝડપી લઇ તેની પાસેથી દારૂની 54 બોટલ, બીયરના 72 ટીન અને પાંચ કેન સહિત કુલ રૂ.46,700 નો મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

દારૂના આ દારોડાની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ શહેર એલસીબી ઝોન-2 ના પીએસઆઈ આર.એચ.ઝાલા તથા તેમની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતી. ત્યારે દરમિયાન હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ ઝાલા,અને કોન્સ. જેન્તીગીરી ગોસ્વામી,જયપાલસિંહ સરવૈયા અને ધર્મરાજસિંહ ઝાલાને પરસાણા ચોકથી કણકોટ જવાના રસ્તા પર એક શખસ દુધના કેનમાં દારૂ-બિયરનો જથ્થો ભરી ક્યાંક ડિલિવરી કરવા નીકળવાનો છે તેવી ચોક્કસ બાતમીના આધારે સ્ટાફે તે જગ્યા પર સ્ટાફે વોચ ગોઠવી હતી.

દરમિયાન આ શખસ નીકળતા તેનું નામ પૂછતાં રાહુલ બોદાભાઇ વકાતર (ઉ.વ.23),(રહે. પંચરત્ન પાર્ક, 25 વારીયા બ્લોક નં.354, ગવર્મેન્ટ એન્જીનીયરીંગ કોલેજ પાછળ) હોવાનું જણાવ્યું હતું. તેમની પાસે રહેલ દુધના પાંચ કેનમાં તપાસ કરતાં તેમાંથી દારૂની 54 બોટલ અને બિયરના 72 ટીન મળી આવતાં રાહુલ વકાતરની ધરપકડ કરી રૂ.46,700 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પોલીસે રાહુલ વકાતરની પૂછપરછ કરતા પોતે દૂધનો વેપાર કરતો હોય અને દૂધનો જથ્થો જુનાગઢ લેવા જતો હોય ત્યાં કાળું નામના વ્યક્તિ સાથે પરિચય થયો હતો અને તેમના પાસેથી દારૂ-બિયરનો જથ્થો લઈ આવી અને રાજકોટમાં દૂધના કેનમાં બોટલ અને ટીન રાખી છૂટક વેચાણ કરતો હતો.આરોપી અગાઉ મારામારી અને જુગાર સહિત છ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે.રાહુલે અગાઉ પણ આવી જ રીતે દારૂ વેંચી નાખ્યાની શંકા છે.પોલીસે કાળુને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

આંબેડકરનગરમાં રહેતો શખસ 96 બોટલ સાથે ઝડપાયો

માલવિયાનગર પોલીસ મથકના સ્ટાફે ગોંડલ રોડ પર એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગર શેરી નંબર 10 માં રહેતા ખોડાભાઈ સાગઠીયાના મકાનમાં દરોડો પાડી અહીંથી રૂપિયા 9,600 કિંમતનો 96 બોટલ દારૂ ઝડપી લીધો હતો. પોલીસે દારૂના જથ્થા સાથે આરોપી દિપક સાગઠીયાની ધરપકડ કરી હતી. આ ઉપરાંત યુનિવર્સિટી પોલીસે નવા 150 ફૂટ રીંગ રોડ પર એસઆરપી કેમ્પ સામે વર્ધમાન વિલા મકાનમાં રહેતા યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા નામના શખસને રૂ.12,800 ની કિંમતના 16 બોટલ દારૂ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application