ખ્યાતિ હોસ્પિટલ બોગસ આયુષ્યમાન કાર્ડ મામલે આરોગ્ય વિભાગના મિલાપ પટેલ ની ધરપકડ

  • December 27, 2024 03:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં અત્યાર સુધી સરકારના આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા કોઈ પણ અધિકારી સામે પગલાં લેવાયા નથી પરંતુ પ્રથમ વખત અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઓપરેશન કરીને ગાંધીનગર આરોગ્ય વિભાગના કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે. મિલાપ પટેલ નામના કોમ્પ્યુટર ઓપરેટર ની ધરપકડ થયા બાદ હજુ વધુ બે લોકોની ધરપકડ આજ સાંજ સુધીમાં થાય તેવા સંકેત મળી રહ્યા છે.


આરોગ્ય વિભાગના નિયામક યુ.બી ગાંધીના જણાવ્યા અનુસાર પીએમજેએ વાય યોજના હેઠળ ગઈકાલે મોડી રાત્રે મિલાપ પટેલની ધરપકડ કરવામાં આવે છે.ખ્યાતિ હોસ્પિટલમાંથી ખોટી રીતે અનેક લોકોનાં આયુષ્યમાન કાર્ડ કાઢવામાં આવ્યા હતા. આ કૌભાંડમાં ગાંધીનગર આરોગ્ય વિભાગના કર્મચારીઓ ક્રાઈમ બ્રાન્ચના રડારમાં હતા. અંતે ક્રાઈમ બ્રાન્ચે મોડીરાતે ગાંધીનગરથી આરોગ્ય વિભાગના કર્મચારી મિલાપ પટેલની ધરપકડ કરી લીધી છે. આ પ્રકરણમાં આરોગ્ય વિભાગના બે કર્મચારીઓની પૂછપરછ ચાલુ છે. જેની ધરપકડ થઈ છે. તે હેલ્થ ડિપાર્ટમેન્ટમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતો હતો. મોટો ઘટસ્ફોટ તો એ થયો છે કે, દસ દિવસ પહેલાં ખોટી રીતે આયુષ્માન કાર્ડ કાઢી આપતી ગેંગ પકડાઈ હતી. આ મિલાપ પટેલ તે ગેંગ સાથે પણ સંડોવાયેલો છે, તેવું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.


આ અંગે ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી અજિત રાજીયણે જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગના કેટલાક કર્મચારીઓ અમારા રડારમાં હતા જ. પુરાવા મળતાં જ અમે ગઈરાત્રે મિલાપ પટેલની ગાંધીનગરથી ધરપકડ કરી છે. બીજા બે કર્મચારીની પૂછતાછ ચાલુ છે. સંભવત: સાંજ સુધીમાં તેમની ધરપકડ થઈ શકે છે. ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે, મિલાપ પટેલ કોન્ટ્રાક્ટ આધારે આરોગ્ય વિભાગમાં 2017થી નોકરી કરતો હતો. મિલાપ આયુષ્માન કાર્ડ એપ્રૂવ કરવાનું કામ કરતો હતો. મિલાપ પટેલે લાખોની સંખ્યામાં ખોટા આયુષ્માન કાર્ડ એપ્રૂવ કર્યા હતા. તેને કાર્ડ દીઠ ફિક્સ રકમ પણ મળતી હતી. ગાંધીનગર આરોગ્ય વિભાગમાં આયુષ્માન કાર્ડ ખોટી રીતે કાઢી આપીને સરકારને કરોડો રૂપિયાનું નુકસાન કર્યું છે. પોલીસને શંકા છે કે, મોટાં કૌભાંડો કોન્ટ્રાક્ટવાળા કર્મચારીઓ જ કર્યા છે પણ તેની ગોઠવણ હેલ્થ ડિપાર્ટમેન્ટના કાયમી કર્મચારી સાથે હોય તેવી શંકા છે અને તે બાબતે પણ તપાસ ચાલી રહી છે.


ઉલ્લેખનીય છે કે દસ દિવસ પહેલાં ખ્યાતિકાંડ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં બોગસ આયુષ્માનકાર્ડ બનાવી સરકારને ચૂનો ચોપડવાના કૌભાંડનો પણ પર્દાફાશ થયો હતો. ખ્યાતિકાંડના આરોપી કાર્તિક પટેલ અને ચિરાગ રાજપૂતે અન્ય 8 લોકો સાથે મળી આ કૌભાંડ આચર્યું હતું. કાર્તિક પટેલના કહેવાથી જ ચિરાગ રાજપૂતે અન્ય લોકો સાથે મળી બોગસ પીએમજેએવાય કાર્ડ તૈયાર કરાવતો હતો. લાખો રૂપિયાની સારવારનો ખોટી રીતે લાભ લેવા માત્ર 1500 રૂપિયામાં બોગસ કાર્ડ બનાવવામાં આવતું હતું.


 આરોપીઓ દ્વારા સરકારી પોર્ટલમાં ચેડાં કરી આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવતું હતું. આ કૌભાંડ બાબતે 10 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં કાર્તિક પટેલ (અમદાવાદ), ચિરાગ રાજપૂત (અમદાવાદ), નિમેશ ડોડિયા (અમદાવાદ) મોહમ્મદ ફઝલ શેખ (અમદાવાદ), મોહમ્મદ અશફાક શેખ (અમદાવાદ), નરેન્દ્રસિંહ ગોહિલ (ભાવનગર), ઈમ્તિયાઝ (ભાવનગર) રાશિદ (બિહાર) ઈમરાન જાબીર હુસૈન કારીગર (સુરત) અને નિખિલ પારેખ (અમદાવાદ)નો સમાવેશ થાય છે.ક્રાઈમ બ્રાન્ચનાં સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે,ક્રાઈમ બ્રાન્ચનાં સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, આ ભેજાબાજોએ ખ્યાતિ હોસ્પિટલનાં 150 કાર્ડ કઢાવી આપ્યાં હતાં, જેમાં ખાસ કરીને જ્યાં કેમ્પ થતા હતા અને જે લોકો સારવાર માટે આવતા હતા અને જેમની પાસે કાર્ડની વ્યવસ્થા નથી તેમને આ કાર્ડ બનાવી આપ્યાં હતાં અને તેમની સારવાર પણ આ કાર્ડની લિમિટના આધારે થઈ હોવાનું જાણવા મળ્યું છે.


અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નકલી આયુષ્માન કૌભાંડમાં છ લોકોની ધરપકડ કરી હતી. જે લોકો સામાન્ય લોકોના ડેટામાં એડિટ કરીને બીજાના નામ ઘુસાડી દેતા હતા અને તેમના આયુષ્માન કાર્ડ અને સરકારી યોજનાનાં કાર્ડ બનાવી આપતા હતા. આરોપીઓ મહિને 40થી 50 હજાર રૂપિયા જેટલું કમાતા. અંદાજે 11 જેટલા લોકો આ રેકેટમાં સામેલ હતા. આ જ ગેંગ સાથે ગાંધીનગર હેલ્થ ડિપાર્ટમેન્ટનો કર્મચારી મિલાપ પટેલ સંકળાયેલો હતો. એટલે ખોટી રીતે કાર્ડ એપ્રૂવ કર્યા હોય તેની સંખ્યાનો આંકડો બહુ જ મોટો હશે.


છેલ્લા એક સપ્તાહથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગાંધીનગર આરોગ્ય વિભાગની કચેરી પર આવીને વિવિધ પ્રકારની કામગીરી સમજવાનો પ્રયત્ન કરવામાં આવતો હતો ક્રાઈમ બ્રાન્ચને કાર્ડ જનરેશનના ગ્રુપમાં મિલાપ પટેલનો નંબર આવતા તેની તપાસ શરૂ કરી હતી આખરે એમની ગઈકાલે મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application