ખંભાળિયા બન્યું રામમય: ઠેર-ઠેર વિવિધ કાર્યક્રમો યોજાયા

  • April 18, 2024 10:31 AM 

પરંપરાગત શોભાયાત્રા મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા: કેબિનેટ મંત્રી બેરાએ રામની આરતી કરી



મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવ પર્વ રામનવમીની ગઈકાલે ખંભાળિયામાં અનેરા ઉમંગ ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સવારથી શહેરમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો.

દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળના સંયુક્ત ઉપક્રમે ગઈકાલે બુધવારે સાંજે ભગવાન શ્રીરામની પરંપરાગત શોભાયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી, રાત્રે શ્રી રામ મંદિર ખાતે પૂર્ણ થઇ હતી. માર્ગમાં વિવિધ મંડળો તેમજ આગેવાનો, હોદ્દેદારો દ્વારા આ શોભાયાત્રાનું સ્વાગત સન્માન કરાયું હતું. શોભાયાત્રાના માર્ગોને સુશોભિત કરાયા હતા અને રામ ભક્તોએ ભગવાન શ્રી રામનો ગગનભેદી જયઘોષ કર્યો હતો.


આ પ્રસંગે અહીંના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ ભગવાન શ્રીરામની આરતી કરી હતી. અહીંના રામ મંદિર ખાતે અયોધ્યાની પ્રતિકૃતિ જેવા રામલલ્લાને બિરાજમાન કરાયા હતા. જેના દર્શનનો લાભ મોટી સંખ્યામાં નગરજનોએ લીધો હતો.


અહીંના નગર ગેઈટ પાસે આવેલા પ્રાચીન એવા શ્રી રામ મંદિર ખાતે અયોધ્યામાં રામ મંદિર ખાતે સ્થાપિત ભગવાન શ્રીરામ જેવી જ આબેહૂબ પ્રતિકૃતિ અહીં સ્થાપિત કરવામાં આવી હતી. રોશની તેમજ સંગીતસભર આ દર્શનનો લાભ ખૂબ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાએ લઈ અને ભાવવિભોર થયા હતા. સાંજે ભવ્ય મહા આરતીમાં અહીંના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા સાથે મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાએ જોડાઈને આસ્થા વ્યક્ત કરી હતી. આ આયોજન માટે સતવારા જ્ઞાતિના આગેવાનો તેમજ કાર્યકરોએ નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી. આ સમગ્ર આયોજનમાં પોલીસ તંત્ર દ્વારા જરૂરી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application