જિલ્લા કલેકટર શ્રી કેતન ઠક્કર તથા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુએ ચૂંટણી સંદર્ભે કરવામાં આવેલ પૂર્વ તૈયારીઓની ઝીણવટભરી વિગતો આપી

  • February 14, 2025 03:27 PM 

જિલ્લા કલેકટર શ્રી કેતન ઠક્કર તથા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુએ ચૂંટણી સંદર્ભે કરવામાં આવેલ પૂર્વ તૈયારીઓની ઝીણવટભરી વિગતો આપી

આગામી તા.૧૬ ફેબ્રુઆરીના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ૭૩,૯૧૫ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે

જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ૨૮ ઝોનલ તથા મદદનીશ ઝોનલ તેમજ ૪૭૮ કર્મીઓને ચૂંટણી ફરજ સોંપાઈ

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી માટે મતદાનનો સમય સવારે ૦૭-૦૦ થી સાંજના ૦૬-૦૦ કલાક સુધીનો રહેશે;૧૮ ફેબ્રુઆરીના રોજ મત ગણતરી યોજાશે

૮૩ મતદાન મથકો માટે ૨૦૭ બેલેટ યુનિટ, ૧૨૨ કંટ્રોલ યુનિટ મળી કુલ ૩૨૯ ઇ.વી.એમ. ફાળવવામાં આવ્યા

સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ૪-એ.એસ.પી-ડી.વાય.એસ.પી, ૮-પોલીસ ઇન્સ્પેકટર તથા સબ ઇન્સ્પેકટર તેમજ ૪૦૦ પોલીસ, હોમગાર્ડ સહિત એસ.આર.પી. જવાનો ફરજ બજાવશે

જિલ્લા કલેકટર શ્રી કેતન ઠક્કર તથા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ દ્વારા કલેકટર કચેરીના સભાખંડ ખાતે આગામી તા.૧૬/૦૨/૨૦૨૫ (રવિવાર) ના રોજ યોજાનાર ધ્રોલ, કાલાવડ અને જામજોધપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તેમજ જામનગર તાલુકા પંચાયત મતદાર મંડળમાં સમાવિષ્ટ ૧૪-જામવંથલી તાલુકા પંચાયત મતદાર વિભાગ અને જોડીયા તાલુકામાં સમાવિષ્ટ ૮-જોડીયા-૩ તાલુકા પંચાયત મતદાર વિભાગની પેટા ચૂંટણીઓ અન્વયે પત્રકાર પરિષદ સંબોધી ચૂંટણી સંદર્ભે કરવામાં આવેલ પૂર્વ તૈયારીઓની ઝીણવટભરી વિગતો આપી હતી. 

નોંધાયેલા મતદારો

નોંધાયેલ મતદારો વિશે વિગતો આપતા કલેક્ટરશ્રીએ જણાવ્યુ હતુ કે, ધ્રોલ નગરપાલિકા વિસ્તાર માટે ૧૧,૧૬૬ પુરુષ, ૧૧,૧૭૫ સ્ત્રી તેમજ અન્ય ૨ મતદાર મળી કુલ ૨૨,૩૪૩, કાલાવડ નગરપાલિકા વિસ્તાર માટે ૧૨,૦૧૪ પુરુષ, ૧૧,૫૨૮ સ્ત્રી તેમજ અન્ય ૧ મતદાર મળી કુલ ૨૩,૫૪૩, જામજોધપુર નગરપાલિકા વિસ્તાર માટે ૧૦,૮૨૦ પુરુષ, ૧૦,૨૫૭ સ્ત્રી મળી કુલ ૨૧,૦૭૭ તેમજ ૧૪-જામવંથલી (તા.જામનગર ગ્રામ્ય) વિસ્તાર માટે ૩૬૦૯ પુરુષ, ૩૩૪૩ સ્ત્રી મળી કુલ ૬,૯૫૨ મતદારો નોંધાયેલા છે.  

મતદાન મથકોની વિગતો

મતદાન મથકોની વિગતો આપતા જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યુ કે, ધ્રોલ નગરપાલિકા માટે કુલ મતદાન મથકોની સંખ્યા ૨૧, સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યા ૧૮ તેમજ ૩ સામાન્ય મતદાન મથકો રહેશે. કાલાવડ નગરપાલિકા માટે કુલ મતદાન મથકોની સંખ્યા ૨૭, સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યા ૨૨ તેમજ ૫ સામાન્ય મતદાન મથકો રહેશે. જામજોધપુર નગરપાલિકા માટે કુલ મતદાન મથકોની સંખ્યા ૨૬, સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યા ૧૮ તેમજ ૮ સામાન્ય મતદાન મથકો રહેશે. જ્યારે ૧૪-જામવંથલી (તા.જામનગર ગ્રામ્ય) માટે કુલ મતદાન મથકોની સંખ્યા ૯, સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યા ૯ મતદાન મથકો રહેશે. 

ઉમેદવારીપત્રોની વિગતો

સામાન્ય ચૂંટણી હેઠળની નગરપાલિકાઓ તેમજ પેટા ચૂંટણી હેઠળના તાલુકા પંચાયત મતદાર મંડળમાં રજુ થયેલ ઉમેદવારીપત્રોની વિગતો જિલ્લા કલેકટરશ્રીએ રજૂ કરી હતી. જે મુજબ ધ્રોલ નગરપાલિકા માટે કુલ ભરાયેલ ફોર્મ ૧૨૨, પરત ખેંચાયેલ ફોર્મ ૨, રદ થયેલ ફોર્મ ૩૫ તેમજ હરીફ ઉમેદવાર ૮૫ છે. કાલાવડ નગરપાલિકા માટે કુલ ભરાયેલ ફોર્મ ૯૯, રદ થયેલ ફોર્મ ૩૧,  બિન હરીફ જાહેર થયેલ ઉમેદવાર ૧ તેમજ હરીફ ઉમેદવાર ૬૭ છે. જામજોધપુર નગરપાલિકા માટે કુલ ભરાયેલ ફોર્મ ૧૧૦, રદ થયેલ ફોર્મ ૩૦ તેમજ હરીફ ઉમેદવાર ૮૦ છે. જ્યારે ૧૪-જામવંથલી માટે કુલ ભરાયેલ ફોર્મ ૪, રદ થયેલ ફોર્મ ૦૨ તેમજ હરીફ ઉમેદવાર ૨ જાહેર થયેલ છે.
   
ફાળવવામાં આવેલ ઈ.વી.એમ.ની વિગતો

સ્થાનિક સ્વરાજયની ચૂ્ંટણી અન્વતયે ફાળવવામાં આવેલ ઈ.વી.એમ.ની વિગતો રજુ કરતા કલેકટરશ્રીએ જણાવ્યુ કે ધ્રોલ નગરપાલિકાના ૨૧ મતદાન મથકો માટે ૫૮ બી.યુ., ૩૩ સી.યુ. મળી ૯૧,  કાલાવડ નગરપાલિકા માટે  ૨૭ મતદાન મથકો માટે ૭૦ બી.યુ., ૩૯ સી.યુ. મળી ૧૦૯, જામજોધપુર નગરપાલિકા માટે ૨૬ મતદાન મથકો માટે ૬૮ બી.યુ., ૩૯ સી.યુ. મળી ૧૦૯ તેમજ ૧૪-જામવંથલીના ૯ મતદાન મથકો માટે ૧૧ બી.યુ., ૧૧ સી.યુ. મળી ૨૨ ઈ.વી.એમ. ફાળવવામાં આવેલ છે. 

ઉપરોક્ત વિસ્તારો માટે કુલ ૧૪ ઝોનલ અને ૧૪-મદદનીશ ઝોનલ ઓફીસરની નિમણૂંક કરવામાં આવેલ છે. ચૂ્ંટણીઓ અનુસંધાને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને ચૂંટણી આચારસંહિતાનું અસરકારક અમલીકરણ થાય તે માટે હથીયારબંધી, જુથબંધી, સાહિત્ય પ્રકાશન, સભા-સરઘસ, લાઉડ સ્પીકર, જાહેરાત પ્રદર્શન, વાહન પરમીટ, પેઇડ ન્યુઝ/કેબલ ટી.વી. પ્રસારણ, ચૂંટણી કાર્યાલય, મતદાનના દિવસે મતદાન મથક ખાતે તથા મતગણતરીના દિવસે મત ગણતરી સ્થળ ખાતે મોબાઇલ લાવવા પર પ્રતિબંધ વિગેરે બાબતો અંગેના કુલ-૨૦ જાહેરનામાઓ બહાર પાડવામાં આવેલ છે. તેમજ કુલ-૪૭૮ જેટલા સ્ટાફને ચૂંટણી ફરજ સોંપવામાં આવેલ છે અને તમામ મતદાન સ્ટાફને કુલ-૩ તબકકામાં ચૂંટણીલક્ષી તાલીમ આપવામાં આવેલ છે. જ્યારે કુલ-૩૫ સેવા મતદારોને ટપાલ મતપત્રો ઇસ્યુ કરવામાં આવેલ છે. 

ચૂંટણી બંદોબસ્ત માટે પોલીસ જવાનો રહેશે ખડેપગે

ચૂંટણી અન્વયે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે જિલ્લા પોલિસ દ્વારા કરવામાં આવેલ તૈયારીની વિગતો આપતા પોલીસ અધિક્ષકશ્રી પ્રેમસુખ ડેલુએ જણાવ્યુ હતુ કે નગરપાલિકા અને તાલુકા પંચાયત મતદાર મંડળમાં સમાવિષ્ટ તમામ મતદાન મથકો ખાતે ૨૦૦-પોલીસ કો. તેમજ ૨૦૦-હોમગાર્ડ જવાનો અને ૮-રાજય અનામત દળ પોલીસ અન્ય ચૂંટણીલક્ષી બંદોબસ્ત માટે ૪-એ.એસ.પી-ડી.વાય.એસ.પી, ૬-પોલીસ ઇન્સ્પેકટર, ૨-પોલીસ સબ ઇન્સ્પેકટર, બુથ બંદોબસ્ત માટે  ૬૦-પોલીસ કો. તેમજ ૧૧૨-હોમગાર્ડ જવાનોની ફાળવણી કરવામાં આવેલ છે.તદુપરાંત ચૂંટણી હેઠળના વિસ્તારોમાં કોન્ફીડન્સ બિલ્ડીંગના ભાગરૂપે પોલીસ દ્વારા ફલેગ માર્ચ યોજવામાં આવેલ છે તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં ફુટ પેટ્રોલીંગ કરવામાં આવેલ છે.  

આગામી તા.૧૬/૦૨/૨૦૨૫ ના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીઓમાં મતદાનનો સમય સવારના ૦૭-૦૦ વાગ્યાથી સાંજના ૦૬-૦૦ વાગ્યા સુધી નકકી કરવામાં આવેલ છે. આ માટે મતદાનના દિવસે તા.૧૬/૦૨/૨૦૨૫ (રવિવાર) ના રોજ જિલ્લા કક્ષાએ તેમજ ચૂંટણી અધિકારીશ્રીઓની કચેરી ખાતે ચૂંટણી અંગેની ફરીયાદો માટે રાઉન્ડ ધ કલોક કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવેલ છે. જે કંટ્રોલરૂમના સંપર્ક નં.(૦૨૮૮) ૨૫૪૧૯૬૦ છે. તેમજ સરકારી કચેરીઓ કે સંસ્થાઓના કર્મચારીઓ/કામદારો પોતાના મતાધિકારથી વંચિત ન રહે તે માટે મતદાનના દિવસે રજા જાહેર કરવા અંગેનો પણ આદેશ કરવામાં આવેલ છે.

આગામી તા.૧૮/૦૨/૨૦૨૫ ના રોજ નીચેના સ્થળોએ યોજાશે મતગણતરી

સામાન્ય ચૂંટણી હેઠળની નગરપાલિકાઓ તેમજ પેટા ચૂંટણી હેઠળના તાલુકા પંચાયત મતદાર મંડળની મતગણતરી આગામી તા.૧૮/૦૨/૨૦૨૫ ના રોજ સવારના ૦૯-૦૦ કલાકથી  ધ્રોલ નગરપાલિકા માટે મિટીંગ હોલ, બીજો માળ, પ્રાંત અધિકારીશ્રીની કચેરી, ધ્રોલ, કાલાવડ નગરપાલિકા માટે રૂમ નં.૩, મ્ચુનિસીપલ હાઇસ્કુલ, કાલાવડ, જામજોધપુર નગરપાલિકા માટે મઘ્યસ્થ ખંડ, શ્રી એવીડીએસ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, જામજોધપુર તેમજ ૧૪-જામવંથલી વિસ્તાર માટે મિટીંગ હોલ, બીજો માળ, મહેસૂલ સેવા સદન, જામનગર ખાતે યોજવામાં આવશે.  
000000



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application