જામનગરમાં કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો

  • September 05, 2024 04:07 PM 

જામનગરમાં કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો

જામનગર તા.05 સપ્ટેમ્બર, દર વર્ષે તારીખ 5 મી સપ્ટેમ્બરના રોજ દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન શિક્ષક શ્રી ડો.સર્વપલ્લી રાધાક્રિશ્નનની યાદમાં શિક્ષક દિવસ મનાવવામાં આવે છે. આજના દિવસે દરેક ગામ શહેરમાં શિક્ષકોનું ઋણ સ્વીકાર કરવા અને તેમના પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરવા માટે શાળા કોલેજોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. 

જામનગરમાં નેશનલ હાઈસ્કૂલ ખાતે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત અને જિલ્લા શિક્ષણધિકારીશ્રીની કચેરી, જામનગર દ્વારા આયોજિત જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં રાજ્યના પ્રવાસન, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકો અને વિવિધ ક્ષેત્રમાં સિદ્ધિ મેળવેલા 15 વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. 

કાર્યક્રમમાં કેબિનેટ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં નવી શિક્ષણ નીતિનો પાયો નાખ્યો હતો. બાળકોને માત્ર વર્ગખડમાં જ શિક્ષણ આપવું પ્રર્યાપ્ત નથી. પરંતુ તેમને વર્ગખંડની બહાર પ્રત્યક્ષ અને પરોક્ષ શિક્ષણ મળે તે પણ આવશ્યક છે. શિક્ષકો સમાજના ઉત્થાન માટે કામ કરે છે તેથી તેઓ વ્યક્તિ વિશેષ છે. રાજ્યમાં આજે 5 મી સપ્ટેમ્બરના દિવસે શિક્ષકોનું ઋણ સ્વીકાર કરવા માટે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા વહીવટી તંત્રના કોઈપણ કામમાં હંમેશા શિક્ષકોએ સાથ સહકાર આપ્યો છે. તાજેતરમાં જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિની દુર્ઘટના પછી બચાવ કાર્ય સહિતની કામગીરીમાં શિક્ષક મિત્રોનો ફાળો મહત્વપૂર્ણ રહ્યો છે. સમાજના મહાન વ્યક્તિઓના ઘડતર પાછળ શિક્ષકોનું અમૂલ્ય યોગદાન રહેલું છે. 

કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, જેમ એક કુંભાર માટીને ટીપી ટીપીને તેને ઘડો બનાવે છે. તેમ એક શિક્ષક કોરી પાટી સમાન બાળકમાં સંસ્કારનું સિંચન કરે છે. તેને સામાન્યથી અસામાન્ય સુધીની યાત્રાનો રાહ એક શિક્ષક જ ચીંધી શકે છે. તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં રાજ્યમાં કન્યા કેળવણી મહોત્સવ, ગુણોત્સવ, વાંચે ગુજરાત અને શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. આજે તેના સુખદ પરિણામો રાજ્યના અનેક બાળકોને મળ્યા છે અને તેઓ સમાજમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે. 

કાર્યક્રમમાં જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક શ્રી ભાવેશભાઈ પનારા, તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક શ્રી દીપકભાઈ ધારવીયા અને શ્રી રાજેન્દ્રસિંહ ઝાલાનું શાલ ઓઢાડી અને પ્રમાણપત્ર, સન્માન રાશિ અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પ્રથમ ક્રમાંક મેળવેલ શ્રી ભાવેશભાઈ પનારાએ તેમને મળેલ રૂ.15,000/- સન્માન રાશિ તેમની કર્મભૂમિ નેસડા પ્રાથમિક શાળા- લાલપુરના વિકાસ માટે અર્પણ કરી હતી. તેમજ ભાવેશભાઈએ પોતાની કામગીરી અને તેમના અનુભવો મંચસ્થ મહેમાનો સમક્ષ વ્યક્ત કર્યા હતા. 

કાર્યક્રમની શરૂઆત મંચસ્થ મહેમાનોના હસ્તે દીપપ્રાગટ્ય કરીને કરાઈ હતી. ત્યારબાદ પ્રાર્થના ગીત અને સ્વાગત ગીત રજૂ કરાયું હતું. વર્તમાન પોષણ માસની ઉજવણીના ભાગરૂપે મહેમાનોનું કઠોળ બાસ્કેટ આપીને ભાવભીનું સ્વાગત કરાયું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી હરિદેવ ગઢવીએ કર્યું હતું. 

ઉક્ત સમારોહમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મેયબેન ગરસર, મેયર શ્રી વિનોદભાઈ ખીમસુરીયા, ડેપ્યુટી મેયર શ્રીમતી ક્રિષ્નાબેન સોઢા, જામનગર મહાનગરપાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી મનીષભાઈ કનખરા, જિલ્લા કલેકટર શ્રી બી.કે.પંડયા, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી વીડજા, અગ્રણી શ્રી રમેશભાઈ મુંગરા, શ્રી ડો.વિમલભાઈ કગથરા, શિક્ષક સંઘના પ્રમુખશ્રીઓ, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ, સંસ્થાના કર્મચારીગણ અને બહોળી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application