જામનગર જિલ્લા કલેકટર કચેરી ૧૦૦ મીટરના વિસ્તારમાં ધરણાં પર પ્રતિબંધ

  • June 29, 2023 10:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એન. ખેર દ્વારા જાહેરનામું

જામનગર જિલ્લાની કલેકટર કચેરીના પરિસરમાં મામલતદાર કચેરી, પ્રાંત અધિકારીની કચેરી,જિલ્લા પુરવઠા કચેરી, સબ રજીસ્ટ્રાર કચેરી તથા સિટી સર્વે સુપ્રિટેન્ડેન્ટની કચેરી આવેલ છે. કલેકટર કચેરી જામનગર ખાતે લોકો દ્વારા તેમના પ્રશ્નો બાબતે આંદોલન, ઉપવાસ તથા ધરણા પર બેસવામાં આવે છે. જેથી ખુબ જ મોટા સ્વરુપે લોકોના ટોળા, રેલી અથવા સરધસ દ્વારા કલેકટર કચેરીના પરિસરમાં મોટા અવાજે સુત્રોચ્ચાર કરવામાં આવે છે જેના કારણે કલેકટર કચેરી તથા ઉકત કચેરીઓની કામગીરી ખોરવાય છે તેમજ કામગીરી સબબ આવતા નાગરીકોને અગવડતા થાય છે. જેથી કલેકટર કચેરી તથા મહેસુલ સેવા સદનના પરિસરમાં આવેલ કચેરીઓની કામગીરીમાં વિક્ષેપ ઉભા ન થાય, નાગરીકોને અગવડતા ન થાય તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે કલેકટર કચેરી તથા મહેસુલ સેવા સદનના પરિસરમાં ઉપવાસ, આંદોલન તથા ધરણા કરવા પર નિયંત્રણો ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી. એન. ખેર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
જાહેરનામા મુજબ જામનગર જિલ્લામાં આવેલ કલેકટર કચેરી તથા મહેસુલ સેવા સદનના પરિસરના ૧૦૦ મીટરના વિસ્તારમાં આંદોલન, ઉપવાસ, ધરણા પર બેસવા કે આવી કોઈ પ્રવૃતિ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામાંનો ભંગ કરનાર વ્યક્તિ ભારતિય દંડ સંહિતા-૧૮૬૦ (૪૫ માં અધિનિયમ) ની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામું તા.૨૫/૦૮/૨૦૨૩ સુધી અમલમાં રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application