જામનગર મેયર ઇલેવનનો સેમીફાઇનલમાં પરાજય

  • January 31, 2024 12:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરતી ટીમે આપેલા ૧૬૦ રનના ટાર્ગેટ સામે જામનગરની ટીમ નિર્ધારીત ઓવરમાં ૧૩૩ બનાવી શકી: ફાઇનલમાં પહોંચી ન શકયા

ગુજરાત મેયર કપની ટુર્નામેન્ટમાં જામનગરની મેયર ઇલેવનનો સુરત સામે સેમીફાઇનલમાં પરાજય થયો છે અને ફાઇનલમાં પહોંચી શકયા નથી, કવાર્ટર ફાઇનલમાં દમદાર બેટીંગ દેખાડનાર જામનગરની ટીમ સુરત અને બોલીંગ અને ફીલ્ડીંગ સામે નબળી સાબીત થઇ છે.
વડોદરા સામે કવોર્ટર ફાઇનલમાં આક્રમક બેટીંગ સામે જીત મેળવીને સેમીફાઇનલમાં પહોંચેલી જામનગર મેયર ઇલેવનનો મુકાબલો સુરતની મેયર ઇલેવન સામે ગઇકાલે અમદાવાદ ખાતે થયો હતો, સુરતની ટીમે પ્રથમ બેટીંગ કરીને ૧૫૯ રન બનાવી જામનગરની ટીમને ૧૬૦ રનનો ટાર્ગેટ આપ્યો હતો.
જે રીતે કવાર્ટર ફાઇનલમાં બેટીંગ થઇ હતી તેને જોતા એક તબકકે આ ટાર્ગેટ આસાન માનવામાં આવતો હતો પરંતુ જયારે સુરત મેયર ઇલેવનની ટીમની બોલીંગ અને ફીલ્ડીંગ સામે જામનગરની મેયર ઇલેવનના બેટધરો ઉતર્યા ત્યારે રન લેવા લોઢાના ચણા સમાન બની ગયા હતાં.
નિર્ધારીત ઓવરમાં જામનગરની ટીમ ૧૩૩ રન બનાવી શકી હતી જેમાં જામનગર તરફથી કેતન નાખવાના ૨૦ બોલમાં ૩૧ રન, રાહુલભાઇના ૨૫ રન, ધવલ નંદાના ૧૬ રન મુખ્ય રહ્યા હતાં, સ્ટાર બેટધરો દિવ્યેશ અકબરી ૮, અલ્તાફ ખફી ૭ રન, ધર્મરાજસિંહ ૮ રન જ બનાવી શકયા હતાં. જામનગરની ટીમના ૭ ખેલાડીઓ ડબલ ફીગર સુધી પહોંચી શકયા ન હતાં અને બે ખેલાડી ૦ પર આઉટ થયા હતાં. સુરત તરફથી ટાઇટ બોલીંગની સાથેસાથે ચૂસ્ત ફીલ્ડીંગ પણ કરવામાં આવતાં જામનગરની ટીમ છુટ લઇ શકી ન હતી અને ફાઇનલથી એક કદમ દુર ટુર્નામેન્ટમાંથી આઉટ થઇ ગઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application