જામનગર તા.૮ માર્ચ, હોળી-ધૂળેટીના પર્વને લઈને દેવભૂમિ દ્વારકા જગતમંદીરમાં આયોજિત ફૂલડોલ ઉત્સવમાં સહભાગી થવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારો શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રા કરી રહ્યા છે. પદયાત્રીઓની સેવા માટે સેવાભાવીકો દ્વારા કેમ્પ ઉભા કરવામાં આવ્યા છે. જેને લઈને જામનગર જીલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં કલેકટરએ લગત વિભાગના અધીકારીઓને પદયાત્રીઓનું આરોગ્ય જળવાઈ રહે, માર્ગો પર સ્વચ્છતા તેમજ લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને કામગીરી કરવા સૂચનો આપ્યા હતા. તેમજ હાલ થઇ રહેલી કામગીરી અંગે સમીક્ષા કરી હતી.

ઉલ્લેખનીય છે કે પદયાત્રીઓના કેમ્પમાં જે જગ્યાએ પીવાના પાણીની સુવિધા હોય ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા ક્લોરીનેશનની કામગીરી કરવામાં આવી રહી છે. અકસ્માતો ન સર્જાય અને લોકો સલામત રહે તે માટે ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને આરટીઓ દ્વારા રીફ્લેક્ટર અને લાઈફ જેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત રોડની સાઈડમાં સ્ટેન્ડ ઉભા કરવામાં આવ્યા છે. તેમજ તમામ રસ્તાઓની સાફ સફાઈ અને પ્લાસ્ટિક ઉપાડવાની કામગીરી કરાઈ રહી છે. લોકોને ગરમીથી રક્ષણ મળી રહે અને લુ ન લાગે તે માટે કેમ્પમાં બેનરો તમજ માર્ગદર્શિકાઓ પણ લગાવવા માટે કલેકટરશ્રી દ્વારા જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.
આ બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, અધિક નિવાસી કલેકટરશ્રી બી.એન.ખેર તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application