આગ ભભુકી તે જે.કે. કોટેજ ફેક્ટરી પાસે ફાયર NOC તો દૂર રૂડાનું બીયુપી પણ નહીં હોવાનો ધડાકો

  • April 02, 2025 03:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટના કુવાડવા રોડ ઉપરના આણંદપર-નવાગામ વિસ્તારમાં આવેલી જે.કે.કોટેજ ઇન્ડસ્ટ્રીમાં ગઇકાલે વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી જે બુજાવ્યા બાદ હવે મહાનગરપાલિકા અને રૂડા દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી નોટિસ આપવા કાર્યવાહી હાથ ધરાઇ છે. દરમિયાન મનપા અને રૂડાના સૂત્રોના જણાવ્યા મુજબ પ્રાથમિક તપાસમાં એવી વિગતો સામે આવી છે કે આ ફેક્ટરીનું ફાયર એનઓસી તો દૂર વિકાસ પરવાનગી કે બીયુપી પણ નથી ! તેથી રૂડા દ્વારા આ ફેક્ટરીને ગેરકાયદે બાંધકામને અપાતી હોય તેવી ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટની કલમ ૩૫ અને ૩૬ હેઠળની નોટિસ આપવા કાર્યવાહી હાથ ધરાઇ છે.


ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ શહેર અને રૂડા વિસ્તારમાં આવેલા પબ્લિક ગેધરિંગ પ્લેસની વ્યાખ્યા હેઠળ સમાવિષ્ટ હોય તેવા સંકુલોમાં ફાયર સેફટીના સાધનો, ફાયર એનઓસ તેમજ બીઓપીના ચેકિંગની મેગા ડ્રાઇવ હાથ ધરવામાં કરવામાં આવી હતી અને હોટેલ, મોટેલ, રિસોર્ટ, રેસ્ટોરન્ટ, સ્કૂલ-કોલેજ, પાર્ટી પ્લોટ્સ સહિત અનેક એકમોને નોટિસ ફટકારીને સીલ કરવામાં આવ્યા હતા પરંતુ તત્કાલીન સમયે પણ કોઇ ઇન્ડસ્ટ્રીયલ યુનિટોમાં ચેકિંગ કરાયું ન હતું. જ્યારે આગ લાગવાની ઘટના ઉપરોક્ત ફેક્ટરીમાં બનતા હવે ઇન્ડસ્ટ્રીયલ યુનિટોમાં પણ રૂડા દ્વારા વ્યાપક ચેકિંગ શરૂ કરવામાં આવશે અને નોટિસ ફટકારાશે.


બીયુપી વિના જ આવી મોટી ફેક્ટરી ધમધમતી થઇ ગઇ
અલબત્ત અહીં સો મણનો સવાલ એ છે કે બીયુપી વિના જ આવી મોટી ફેક્ટરી ધમધમતી થઇ ગઇ છતાં રૂડા તંત્રમાં કોઇને કશો જ ખ્યાલ આવ્યો નહીં ત્યારે રૂડા તંત્રનો સ્ટાફ ખરેખર કયારેય ક્યાંય ચેકીંગમાં જાય છે કે પછી ફક્ત સ્ટાફ નથીનું ગાણુ ગાઇને ઓફિસમાં બેઠા વહીવટમાં જ વ્યસ્ત રહે છે !?


ફાયર બ્રિગેડ નોટિસ મુદ્દે અવઢવમાં: સીએફઓ
રાજકોટ મહાપાલિકાના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અમિત દવેએ જણાવ્યું હતું કે જે.કે.કોટેજ ઇન્ડસ્ટ્રીઝ ફેક્ટરી આણંદપર-નવાગામ વિસ્તારમાં મતલબ કે મ્યુનિસિપલ હદ બહાર રૂડા હેઠળના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલી હોય તેમજ ઇન્ડસ્ટ્રીયલ યુનિટને ફાયર એનઓસીમાં મુક્તિ અપાઇ હોય ફેકટરીમાં આગ લાગ્યા બાદ હવે નોટિસ આપવી કે કેમ ? તે અંગે આજે બપોરે ૩-૩૦ કલાકે મ્યુનિસિપલ કમિશનર કમ રૂડા ચેરમેન સાથે યોજાનારી મિટિંગમાં ચર્ચા વિચારણા બાદ નિર્ણય લેવાશે. તેમણે ઉમેર્યું હતું કે રૂડા વિસ્તારમાં આવેલા હોટેલ, રેસ્ટોરન્ટ, પેટ્રોલ પંપ, શાળા કોલેજ વગેરે એકમોને રાજકોટ મનપાની ફાયર બ્રિગેડ તરફથી નિયમ મુજબ એનઓસી આપવામાં આવતા હોય છે પરંતુ ઇન્ડસ્ટ્રીયલ એકમ માટેની જોગવાઇ અલગ છે.


રૂડા નોટિસ આપશે, વ્યાપક ચેકિંગ થશે: સીઇએ
રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના ચીફ એક્ઝિક્યુટિવ ઓથોરિટી જી.વી.મિયાણીએ આજે બપોરે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આગ ભભૂકી હતી તે ફેક્ટરી જે.કે.કોટેજ ઇન્ડસ્ટ્રીઝ રૂડાના કાર્યક્ષેત્ર હેઠળના આણંદપર નવાગામ વિસ્તારમાં આવેલી છે અને વર્ષ-૨૦૦૭માં તેનો લે-આઉટ મંજુર કરાયો હતો ત્યારબાદ ક્યારેય તેઓ એપ્લાય થયા નથી, વિકાસ પરવાનગી કે બીયુપી માટે પણ કચેરી સુધી આવ્યા નથી ત્યારે તેથી નોટિસ આપવા કાર્યવાહી હાથ ધરાઇ છે. તેમણે ઉમેર્યું હતું કે વર્ષ-૨૦૦૭માં તેમણે લે આઉટ મંજૂર કરાવ્યો હતો ત્યારબાદ તે પૈકીના કોઇ એકાદ પ્લોટમાં ફેક્ટરી બની હતી. ફેક્ટરી દ્વારા કોઇ ડોક્યુમેન્ટસ કે મંજૂરી મેળવવા માટે રૂડા કચેરીનો સંપર્ક કર્યો નથી. વિકાસ પરવાનગી કે બીયુપી મેળવવા માટે જે તે ડેવલપરે કચેરી સુધી આવવાનું હોય છે ! અલબત્ત રૂડાના ચેકિંગ દરમિયાન કેમ ક્યારેય આ બાબત ધ્યાને આવી નહીં ? તેવા સવાલના પ્રત્યુતરમાં તેમણે એવો એકરાર કર્યો હતો કે આ બાબત ચેકિંગનો અભાવ છે!



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application