પાંચમા માળની અગાસી ઉપર બિલ્ડરને બાંધકામ કરવા સામે વચગાળાનો સ્ટે

  • April 01, 2025 02:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં ચાર માળના એપાર્ટમેન્ટ બિલ્ડિંગ પૈકીની પાંચમા માળની અગાસીમાં બિલ્ડર દ્વારા વધારાના ફ્લેટ બાંધવાની પેરવી સામે ફ્લેટ હોલ્ડરો દ્વારા બિલ્ડરને અગાસીમાં બાંધકામ કરવા સામે સિવિલ કોર્ટમાં મનાઇ હુકમની અરજી સાથે વચગાળાના મનાઈ હુકમની અરજી કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી છે.

શહેરમાં યુનિવર્સિટી રોડ ઉપર આવેલ સ્નેહા એપાર્ટમેન્ટ ચાર માળના બિલ્ડિંગમાં બિલ્ડર મોતીલાલ જાદવજીભાઈ મેંદપરાએ ફલેટોના વેચાણ દસ્તાવેજ વર્ષ ૨૦૧૨માં કરતી વખતે "પાંચમાં માળે આવેલ અગાસી ભવિષ્યમાં મળવાપાત્ર એફ. એસ. આઈ.ના કારણે વધારાનું બાંધકામ મંજુર કરવામાં આવશે તો તેવું બાંધકામ બિલ્ડર્સ કરી શકશે અને અગાસીની માલીકી બિલ્ડર્સની રહેશે" તેવું લખાવી લીધું હતું. ત્યાર બાદ વર્ષ:૨૦૧૯માં પાંચમા માળે ત્રણ બેડરૂમ, હોલ, કિચન, ત્રણ ટોયલેટ, વોશ એરીયા પોર્ચ એવા બે ફલેટનો બાંધકામનો પ્લાન બિલ્ડર્સ દ્વારા રજુ કરવામાં આવેલો અને તે પ્લાન તા. ૧૮/ ૦૯/ ૨૦૧૯ના રોજ આસિ. ટાઉન પ્લાનર, રાજકોટ મહાનગરપાલીકા દ્રારા મંજુર કરવામાં આવેલ અને આ બિલ્ડર દ્વારા અગાસીમાં જવા માટે આવેલ ડોરનું તાળું તોડી બાંધકામ કરવા માટેનો સામાન લઈ આવવાનું શરૂ કરેલું, જેથી ફલેટધારકોને આ બાબતની જાણ થતાં

કોઇપણ બિલ્ડિંગમાં અગાસી ક્યારેય બિલ્ડરની માલિકીની ગણી શકાય નહિ, આવું બાંધકામ કરવા બિલ્ડરને કોઈ અધિકાર નથી અને અગાસી કોમન સુવિધાનો ભાગ છે. તેમજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મંજુર કરવામાં આવેલ બાંધકામનો પ્લાન અને આપવામાં આવેલી બાંધકામ પરવાનગી ગેરકાયદેસર ઠરાવવા વાસ્તે રાજકોટની સિવિલ કોર્ટમાં દાવો કરવામાં આવેલ અને સાથે સાથે વચગાળાના મનાઈ હુકમની માંગણી કરવામાં આવી હતી. જેમાં રાજકોટના પ્રિન્સીપલ સિનિયર સિવિલ જજ સી.વી. રાણાએ વચગાળાના મનાઈ હુકમની અરજી મંજુર કરતાં ઠરાવેલ છે કે, પાંચમા માળની અગાસીનો ઉપયોગ અને ઉપભોગ દરેક ફલેટ ઓનર્સ કરે છે અને અગાસીમાં જવા માટેના દરવાજામાં તાળું મારવામાં આવેલું છે અને ચાવી દરેક ફલેટ ઓનર્સ પાસે રહેલી છે. જેથી જયારે તેઓ અગાસીમાં કપડાં સુકવવા કે અન્ય કોઈ કામ માટે અગાસીનો ઉપયોગ કરવા જવાનું થાય ત્યારે જતાં હોય છે અને સદર અગાસી સહીયારી માલિકીની હોય તેનો કબજો ભોગવટો સહિયારી સુવિધાના ભાગ રૂપે તમામ ફલેટ ઓનર્સનો આવેલ હોય બિલ્ડર્સને તેમાં અડચણ કે અટકાયત કરવાનો કોઈ અધિકાર નથી. આ કામમાં અદાલતમાં દાવો લાવનાર ફલેટ ધારકો વતી એડવોકેટ તરીકે રાજકોટના ધારાશાસ્ત્રી અર્જુન એસ. પટેલ, મહેન એમ. ગોંડલીયા, રવિન એન. સોલંકી, ભાર્ગવ એ.પાનસુરીયા અને આકાંક્ષા એચ. રાજદેવ રોકાયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application