ગુજરાતને છેલ્લા 3 વર્ષમાં વરસાદી પાણીના સંગ્રહ માટે કેન્દ્ર સરકારે રૂ. 4,369 કરોડ આપ્યા

  • July 31, 2024 09:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જળશક્તિના રાજ્યમંત્રી રાજભૂષણ ચૌધરીનો રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીને પ્રત્યુત્તર


કેન્દ્ર સરકારે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન વરસાદી પાણીના સંગ્રહ માટે જળશક્તિ અભિયાન હેઠળ ગુજરાત રાજ્યને કુલ રૂ. 4,369 કરોડ આપ્યા છે. અટલ મિશન ફોર રિજુવિનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન (અમૃત 2.0) હેઠળ ગુજરાત માટે જળાશયોના નવસર્જન માટે રૂ. 651 કરોડના ખર્ચે 188 પ્રોજેક્ટને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. જ્યારે વોટરશેડ ડેવલપમેન્ટ કમ્પોનેન્ટ ઓફ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળકેન્દ્રે છેલ્લા ત્રણેક વર્ષ ઉપરાંતના ગાળામાં ગુજરાત માટે કુલ રૂ. 218 કરોડ આપ્યા છે. જળશક્તિ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રી રાજભૂષણ ચૌધરીએ ગત 29 જુલાઈ2024ના રોજ રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલ નથવાણીના એક પ્રશ્નના જવાબમાં ગૃહમાં આ માહિતી આપી હતી.


જળશક્તિ રાજ્યમંત્રીએ એ પણ ઉલ્લેખ કર્યો હતો કે, જળશક્તિ અભિયાનઃ કેચ ધ રેઈન પ્રોગ્રામ હેઠળ ગુજરાતમાં 2,855 જળ સંચય અને વરસાદી પાણીના સંગ્રહના કામો પૂર્ણ થઈ ચૂક્યા છે, તેમજ 3,305 પરંપરાગત જળાશયોનું નવસર્જન કરાયું છે તથા 6,009 પુનઃવપરાશ તથા રિચાર્જ માળખાની સ્થાપના કરવા ઉપરાંત વોટરશેડ વિકાસના 15,848 કામો પૂર્ણ કરાયા છે.


શ્રી પરિમલ નથવાણી વરસાદી પાણીના સંગ્રહને પ્રોત્સાહિત કરવા શહેરી તેમજ ગ્રામિણ સ્તરે હાથ ધરાયેલી કામગીરીની વિગતો ઉપરાંત વિવિધ યોજનાઓ હેઠળ કરાયેલી ફંડની ફાળવણી તેમજ વરસાદી પાણીના સંગ્રહને પ્રોત્સાહિત કરવા રાજ્યોને કોઈ ઈન્સેન્ટિવ અપાય છે કે કેમ તેની વિગતો જાણવા માગતા હતા.


મંત્રીના નિવેદન મુજબ, વરસાદી પાણીના સંગ્રહ દ્વારા જળસંચય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતામાં સામેલ છે. પાણી એ રાજ્ય સરકારનો વિષય હોવાથી ટેકનિકલ અને નાણાકીય સહાયતા દ્વારા રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રયાસોને કેન્દ્ર સહાયરૂપ થાય છે. અટલ મિશન ફોર રિજુવિનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન (અમૃત) અને અમૃત 2.0 મિશન માટે રૂ. 77,650 કરોડના મંજૂર કરાયેલા પ્લાનમાંથી રૂ. 39,011 કરોડ જેટલી નોંધપાત્ર રકમ પાણી પૂરવઠા સેક્ટર માટે ફાળવાઈ છે. અત્યારસુધીમાં હાઉસિંગ અને શહેરી બાબતોના મંત્રાલયે (એમઓએચયુએ) આશરે રૂ. 1,13,358.44 કરોડનો ખર્ચ ધરાવતા 3,543 પાણી પૂરવઠા પ્રોજેક્ટ્સને મંજૂરી આપી દીધી છે. તદુપરાંત, અમૃત 2.0 હેઠળ એમઓએચયુએ દ્વારા રૂ. 5432.21 કરોડના મૂલ્યના 2,713 જળાશય નવસર્જન પ્રોજેક્ટ્સને મંજૂરી આપી દેવાઈ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News