વિભાપર સીમમાં નવપરિણીતાએ ઝેર પી મોત મીઠું કર્યુ

  • December 06, 2023 12:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પરિવારમાં શોકની લાગણી : કારણ જાણવા મરીન પોલીસની તપાસ

જામનગર તાબેના વિભાપર સીમ વિસ્તારમાં રહેતી એક નવપરિણીતાએ કોઇ અગમ્ય કારણસર ઝેરી દવા પી મોત મીઠું કરી લેતા શોકની લાગણી ફેલાઇ ગઇ છે. આથી મરીન પોલીસ દ્વારા બનાવ પાછળનું કારણ જાણવા તપાસ આગળ વધારી છે.
જામનગર તાબેના વિભાપર સીમ વિસ્તારમાં રહેતા વનીતાબેન જયંતીભાઇ બામણીયા (ઉ.વ.૨૨) નામની યુવતિના એક મહીના પહેલા લગ્ન થયા હતા અને તેમના પતિ સાથે રહીને ખેતમજુરી કરતા હોય, દરમ્યાનમાં ગઇકાલે તેણી ઘરે એકલા હતા ત્યારે કોઇપણ અગમ્ય કારણસર ઝેરી દવા પી લેતા જી.જી. હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ જયાં તેણીનું મૃત્યુ નિપજયુ હતું.
આ બનાવ અંગે વિભાપર સીમ વિસ્તારમાં રહેતા અને ખેતમજુરી કરતા જયંતી બચુભાઇ બામણીયાએ બેડી મરીન પોલીસમાં જાણ કરી હતી, નવપરિણીતાએ કયા કારણસર પગલુ ભર્યુ એ બાબતે પીએસઆઇ ઓડેદરા તપાસ ચલાવી રહયા છે. બનાવના કારણે શોકની લાગણી ફેલાઇ ગઇ છે.
***
પીઠડ ગામમાં શ્રમિક યુવાનનો ઝેરી દવા પીને આપઘાત
જોડિયા તાલુકાના પીઠડ ગામમાં રહેતા એક શ્રમિક યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી છે.
જોડિયા તાલુકાના પીઠડ ગામના ખેડૂત અશોકસિંહ જાડેજાની વાડીમાં રહીને ખેતી કામ કરતા વિજયભાઈ સમ‚ભાઈ કલાસીયા નામના ૨૦ વર્ષના આદિવાસી શ્રમિક યુવાને તા. ૩ના રોજ પોતાના ભાગમાં રાખેલી વાડીમાં ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં બેશુદ્ધ બન્યો હતો.
 તેને સારવાર માટે જોડિયાની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગ મૃતકના મોટાભાઈ રાજુભાઈ સમરુભાઈએ પોલીસને જાણ કરતાં જોડીયા પોલીસે પ્રાથમિક વિગતોના આધારે યુવાને કયા કારણસર પગલુ ભર્યુ એ દિશામાં તપાસ લંબાવી છે.
***
ખીમરાણા ગામમાં અચાનક શ્ર્વાસ ઉપડતા વૃઘ્ધનું હૃદય બંધ પડી ગયું
જામનગર તાલુકાના ખીમરાણા ગામમાં રહેતા વૃઘ્ધ પોતાના ઘેર ખાટલામાં બેઠા હતા, દરમિયાન તેઓને શ્ર્વાસ ઉપડતાં બેશુદ્ધ બન્યા પછી મૃત્યુ નીપજયું છે.
જામનગર તાલુકાના ખીમરાણા ગામમાં રહેતા કાનજીભાઈ હંસરાજભાઈ ફોફરીયા નામના ૬૬ વર્ષના વૃઘ્ધ પોતાના ઘેર ખાટલા પર બેઠા હતા, જે દરમિયાન તેઓને એકાએક શ્વાસ ઉપડ્યો હતો, અને બેશુદ્ધ થઈને ઢળી પડ્યા હતા. જેથી પરિવારજનોએ તેઓ  સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડયા હતા. પરંતુ ત્યાં માત્ર તેઓનો મૃતદેહ જ પહોંચ્યો હતો, અને તબીબે મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર જયસુખભાઈ કાનજીભાઈ પોલીસને જાણ કરતા પંચકોશી એ. ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application