રાજકોટમાં મહિલાની કાતરથી હત્યા કરી 60 હજારની લૂંટ

  • February 15, 2024 02:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં જામનગર રોડ પર નવા કોર્ટ બિલ્ડિંગ પાસે શિવસાગર સોસાયટીમાં ગઈકાલે રાત્રિના પ્રજાપતિ પરિણીતાની હત્યા કરાયેલી હાલતમાં ઘરમાંથી લાશ મળી આવી હતી. બનાવના પગલે પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. બનાવ અંગે મહિલાના પતિએ નોંધાવેલી ફરિયાદમાં તેની પત્ની અને બે વર્ષની પુત્રી ઘરે હતી ત્યારે કોઈ અજાણ્યા શખસોએ ઘરમાં ઘૂસી લૂંટના ઇરાદે કાતર વડે હત્યા કરી ઘરમાંથી રૂપિયા 60,000 ની મત્તાની લુંટ ચલાવી હોવાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે હત્યા અને લૂંટના આ બનાવને લઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હત્યાના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, જામનગર રોડ પર નવા કોર્ટ બિલ્ડિંગ પાસે ગઈકાલે રાત્રિના અહીં શિવસાગર સોસાયટી શેરી નંબર 1 માં રહેતી પ્રજાપતિ પરિણીતા હેમાલીબેન અલ્પેશભાઈ વરૂ(ઉ.વ 35) ની તેના જ ઘરમાં હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. જેની જાણ તેના પતિ અલ્પેશભાઇએ પોલીસને કરતા યુનિવર્સિટી પોલીસ પથકના પીઆઈ બી.પી. રજયા ડીસીપી ઝોન-2 સુધીરકુમાર દેસાઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

હત્યાના આ બનાવ અંગે મહિલાના પતિ અલ્પેશ પરષોત્તમભાઈ વરૂ(ઉ.વ 35) દ્વારા યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ મૂળ કેશોદના વતની છે અને છેલ્લા સાત એક માસથી અહીં ભાડાના મકાનમાં રહે છે અહીં તે તેની પત્ની તેમની બે વર્ષની દીકરી રૂહી અને તેમના માતા વનિતાબેન સાથે રહે છે. ફરિયાદી ચંદનપાર્કમાં ધવલભાઇ મિસ્ત્રી સાથે બે દિવસથી મિસ્ત્રી કામ માટે જાય છે જ્યારે તેની પત્ની હેમાલી મવડી ચોકડી પાસે પેટ્રોલ પંપ્ની બાજુમાં વિસેક દિવસથી ટુર બુકિંગની ઓફિસમાં નોકરી પર જતી હતી.

ગઈકાલે વહેલી સવારના ત્રણેક વાગ્યે કેશોદમાં ફરિયાદીના મોટાબા દિવાળીબેન ઓઘાભાઈ વરૂનું અવસાન થયું હોય જેથી તેમના માતાને વહેલી સવારે કેશોદ જવાનું હોય ફરિયાદી તેમને મુકવા માટે ગયા હતા. બાદમાં સવારના નવેક વાગ્યે તે તથા તેમની પત્ની વાહન લઇ કામ પર ગયા હતા. પત્નીને રૈયા ચોકડી પાસે ઉતારી દીકરીને લઈ અલ્પેશભાઈ કામ પર ગયા હતા બાદમાં 11:30 વાગ્યે પત્નીની ઓફિસે જઈ તેને લઈ ઘરે ગયા હતા અહીં પતિ પત્ની અને પુત્રીએ જમ્યા બાદ બપોરના બે એક વાગ્યે ફરિયાદી ફરી ચંદનપાર્ક પાસે કામ માટે નીકળી ગયા હતા. બાદમાં તેમણે સમયાંતરે સાંજ સુધીમાં પોતાની પત્નીને ચાર વખત ફોન કયર્િ હોય પરંતુ તે ફોન ઉપાડતી ન હતી, ફોન સાઇલેન્ટ કર્યો હોય તેવું તેમણે માની લીધું હતું.

બાદમાં રાત્રિના આઠેક વાગ્યે તે પોતાના ઘરે જતા ઘરની ડેલી ખુલ્લી હતી. બાદમાં બીજી ડેલીનો આંગળીઓ બહારથી મારેલો હોય તે ખોલી દરવાજો પણ બહારથી બંધ હતો અને લાઈટો પણ બંધ હોય બાદમાં ફરિયાદી પોતાના ઘરમાં અંદર જતા હોલની લાઈટ ચાલુ હતી તેઓ અંદર જતા જ તેમની બે વર્ષની દીકરી દોડીને તેમની પાસે આવી ગઈ હતી અને તે એકદમ ગભરાયેલી હતી. રૂમમાં સેટી પર જોતા ફરિયાદીના પત્ની હેમાલીબેન પલંગ પર લોહી લુહાણ હાલતમાં પડ્યા હોય જેથી તેમણે તુરંત બહાર નીકળી પાડોશીઓને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસ સ્ટેશન અને 108 માં પણ જાણ કરી હતી.108 ના સ્ટાફે અહીં આવી જોઈ તપાસી હેમાલીબેન ને મૃત જાહેર કયર્િ હતા બીજી તરફ આ ઘટનાને પગલે પોલીસ પણ અંગે દોડી આવી હતી.
અલ્પેશભાઈએ પોતાની ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, તેમણે પોતાની પત્નીને જોતા ગળાના ભાગે ઇજાના નિશાન હોય અને તેના ડાબા હાથ પાસે એક કાતર પડી હતી. ઘરમાં સામાન વેરવિખેર હોય તપાસ કરતા બાજુના રૂમમાં કબાટમાં રાખેલ સોનાનો ચેન, સોનાની વીંટી, સોનાની લકી જોવા મળ્યા ન હતા જે તમામ દાગીના મળી રૂ.60,000 ની આસપાસ તેની કિંમત હોય જેથી કોઇ શખસોએ તેઓના ઘરમાં ઘૂસી તેમની પત્નીની કાતર વડે હત્યા કરી કબાટમાં રાખેલ રૂ.60,000 ની કિંમતના ઘરેણાઓની લૂંટ ચલાવી હોવાની તેમણે આ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ ફરિયાદના આધારે હત્યા અને લૂંટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી પરણીતાની હત્યા નીપજાવી લૂંટ ચલાવનાર શખ્સોને ઝડપી લેવા માટે અલગ-અલગ દિશામાં તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News