આરટીઓમાં ગાડી ટ્રેક પર ચડતી જ નથી વધુ ત્રણ દિવસ માટે ડ્રાઇવિંગ ટેસ્ટ બંધ

  • July 27, 2024 03:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોત આરટીઓ કચેરીમાં ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનો ટ્રેક આરટીઓ તંત્રને ટ્રેક ઉપર ચડવા જ ન દેતો હોઈ તેમ વધુ ત્રણ દિવસ માટે ફોરવીલ વાહન માટેનો ટ્રેક બંધ પડી જતા હજારો વાહન ચાલકોની એપોર્ટમેન્ટ રી-શેડ્યુલ કરવામાં આવી છે. તા.29 થી તા.31 સુધી આમ ત્રણ દિવસ સુધી ટેક્નિકલ ખામીના કારણે ટ્રેક બંધ રહેવાનું રાજકોટ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીએ જણાવ્યું છે.
રાજકોટ સહીત રાજ્યમાં વાહન વ્યવહાર વિભાગ હેઠળની આરટીઓ કચેરીઓમાં છેલ્લા કેટલાક વર્ષથી ડ્રાઇવિંગ ટેસ્ટ માટેના ટ્રેક અવાર નવાર બંધ રહેવાથી અરજદારોને મહા મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે. એમ છતાં રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા આ મુદ્દે આટલા વર્ષે પણ કોઈ નિરાકરણ ન લાવતા લોકો દિવસેને દિવસે હાલાકીનો સામનો કરી રહ્યા છે. રાજકોટ આરટીઓ કચેરીમાં ચાલુ મહિનામાં જ આ બીજી વખત અને 72 દિવસમાં 19 મી વખત ટ્રેક બંધ પડ્યો છે. કેટલીક વખત બહારગામથી આવતા અરજદારો સવારે ટેસ્ટ માટે આરટીઓ કચેરીએ પહોંચે ત્યારે ટ્રેક બંધ હોવાની જાણ થતા લોકોના પૈસા અને સમયનો વેડફાટ થતા રોષ ઠાલવતા હોવાનું પણ જોવા મળ્યું છે. સરકારી કચેરીઓમાં અજરદારોને કોઈ હાલાકી ન પડે એ માટે સરકાર દ્વારા સુવિધાલક્ષી પગલાંઓ લેવામાં આવી રહ્યા છે પરંતુ વાહન વ્યવહાર વિભાગમાં આ પ્રશ્ન છેલ્લા કેટલાક વર્ષથી છે પરંતુ આ મામલે સરકારને ઉકેલ જડતો નથી તેમ લાગી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આરટીઓમાં જે ડ્રાયવીંગ ટ્રેક બનાવવામાં આવ્યા છે તે 2013 વખતની ટેક્નોલોજી મુજબના બનાવવામાં આવ્યા છે. અને તેની સાથેની લીકઅપ થયેલી સિસ્ટમ પણ એટલી જ જૂની હોવાનું મનાઈ રહ્યું છે. એટલે કે દાયકા પહેલાની આ સિસ્ટમ ચાલી રહી છે. ઉપર જતા વાહન વ્યવહાર વિભાગ દ્વારા કોઈ ટેક્નિકલ ટિમ પણ નિયુક્ત કરવામાં આવી નથી જેથી જે-તે આરટીઓમાં ફોલ્ટ સર્જાય ત્યારે સ્થાનિક ઈલેક્ટ્રીશિયનને બોલાવી આ રીપેર માટેની કામગીરી કરી થીગડું મારી દેવામાં આવે છે.
સૂત્રોનું માનીએ તો ટ્રેક અને સિસ્ટમને અપડેટ કરવા માટે ટેન્ડરની કામગીરી પણ કરવામાં આવી છે પણ આ કામગીરીએ વર્ષોથી જે તે સ્થિતિમાં જ છે. એવી પણ વાત આવી રહી છે કે, નવી સિસ્ટમ સાથેનો ટ્રેક ગાંધીનગર ખાતે બનાવવામાં આવી રહ્યો છે જેનું કામ પૂર્ણતાને આરે છે એ ટ્રેકનો ટેસ્ટ થયા બાદ રાજ્યમાં આ સિસ્ટમ મુજબ ટ્રેક બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. જો કે આ બધું થવા પાછળ કદાચ વધુ એક સરકાર બદલી જાય તો નવાઈ નહીં. પરંતુ અરજદારો માટે હાલ તો મુશ્કેલી સિવાય કોઈ વિકલ્પ રહ્યો નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application