ખંભાળિયામાં પહેલા વરસાદે જ મોસમનો 32.5 ટકા વરસાદ પડી ગયો: 10 ઈંચ સુધી વરસાદ વરસતા સર્વત્ર પાણી પાણી: નગરજનો સાથે ધરતીપુત્રો પણ ખુશ ખુશાલ: ભાણવડમાં અઢી, દ્વારકામાં સવા ઈંચ વરસાદ
ખંભાળિયા તેમજ ભાણવડ પંથકમાં રવિવારે ચોમાસાના પ્રારંભે જ મેઘ મહેર વરસી હતી અને ખંભાળિયામાં રવિવારે છ કલાકમાં મુશળધાર નવ ઈંચ સાથે સાંજે છ વાગ્યા સુધીમાં કુલ પોણા 10 ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. આ સાથે ભાણવડ તાલુકામાં પણ અઢી ઈંચ જેટલો તેમજ દ્વારકામાં ગત મધરાત્રે સવા ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગ દ્વારા અગાઉ જારી કરવામાં આવેલી આગાહીમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદની આગાહી ન હતી. તેમ છતાં પણ શનિવારે રાત્રે મેઘાના મંડાણ થયા હતા. શનિવારે રાત્રે આશરે ત્રણેક વાગ્યે શહેરમાં જોરદાર ઝાપટું વરસી જતા માર્ગો પર પાણી ચાલી નીકળ્યા હતા. આ વરસાદ ખંભાળિયા તાલુકામાં 8 મીલીમીટર અને ભાણવડ તાલુકામાં વહેલી સવારનો 4 મીલીમીટર નોંધાયો હતો. આ પછી પણ રવિવારે સવારે છ થી નવેક વાગ્યા દરમ્યાન ભાણવડ તાલુકામાં ધોધમાર 55 મીલીમીટર સાથે આજે સવાર સુધીમાં ભાણવડ તાલુકામાં 60 મીલીમીટર (અઢી ઈંચ) વરસાદ પડી ગયો હતો.
મેઘરાજાએ ખંભાળિયા તાલુકામાં જાણે મુકામ કર્યો હોય તેમ રવિવારે બપોરે એકાદ વાગ્યાથી શરૂ થયેલો ધોધમાર વરસાદ બપોરે પાંચેક વાગ્યા સુધી અવિરત રીતે વરસ્યો હતો. જેમાં સૌથી વધુ બપોરે 2 થી 4 દરમિયાન મુશળધાર 5 ઈંચ વરસાદ એક સાથે વરસતા નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી હતી. આ પછી પણ વધુ 2 ઈંચ જેટલો વરસાદ પડી ગયો હતો. આમ, શનિવારે રાત્રીથી ઓળઘોળ થયેલા મેઘરાજાએ રવિવારે પાંચેક વાગ્યા સુધીમાં ધોધમાર કુલ પોણા 10 ઈંચ (241 મીલીમીટર) પાણી વરસાવી દીધું હતું.
ધોધમાર વરસાદના પગલે અહીંના નગર ગેઈટ, સલાયા ગેઈટ, ગોવિંદ તળાવ, વિગેરે નીચાણવાળા વાળા વિસ્તારોમાં ગોઠણ સમા પાણી વહ્યા હતા. ભારે વરસાદના પગલે નાના જળસ્ત્રોતોમાં જાણે ઘોડાપૂર જેવા પાણી આવ્યા હતા.
ખંભાળિયા - દ્વારકા માર્ગ પરના બારા, વડત્રા વિગેરે ગામોમાં ચાર ઈંચ સુધી વરસાદ વરસતા અનેક નદીઓમાં ઘોડાપૂર જોવા મળ્યા હતા. આ ઉપરાંત વિરમદળ, ઝાકસીયા, સામોર સહિતના ગામોમાં પણ પાંચથી છ ઈંચ સુધી વરસાદ વરસતા નદીઓ વહેતી થઈ ગઈ હતી. આ સાથે ખંભાળિયા - ભાણવડ માર્ગ પરના ગામોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યાના વાવડ છે. ખંભાળિયા બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં આજે સવારે ચઢતા પહોરે 32 મીલીમીટર (સવા ઈંચ) વરસાદ પડી ગયો હતો. જ્યારે કલ્યાણપુર પંથકમાં ગત મધ્ય રાત્રિના છૂટા છવાયા ઝાપટાથી પાંચ મીલીમીટર પાણી વરસ્યાનું પણ નોંધાયું છે. ખંભાળિયા શહેરને પાણી પૂરું પાડતા ઘી ડેમમાં નવા નીરની નોંધપાત્ર આવક થઈ નથી. રવિવારના વરસાદથી ખંભાળિયા પંથકમાં મોસમનો કુલ 32.5 ટકા તેમજ ભાણવડ તાલુકામાં 11.5 ટકા વરસાદ નોંધાયો છે.
ખંભાળિયામાં શનિવારે રાત્રે વરસાદી ઝાપટાના પગલે લાંબો સમય વીજ પુરવઠો ખોરવાઈ જતા કાળઝાળ ગરમીમાં લોકો ત્રાસી ગયા હતા. આવી જ પરિસ્થિતિ શહેરમાં રવિવારે બપોરે તેમજ સાંજે પણ જોવા મળી હતી અને અવારનવાર સતત અડધો-પોણો કલાક વીજ વિક્ષેપ રહેતા વીજ તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરી સામે લોકોમાં પ્રશ્નો ખાડા થયા છે. વરસાદના પગલે થોડો સમય વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. પરંતુ પછી ઉકળાટ અને બફારાનું પ્રમાણ વધ્યું હતું. રવિવારે આખો દિવસ સૂર્યનારાયણના દર્શન થયા ન હતા. જો કે આજરોજ સોમવારે વાતાવરણ ચોખ્ખું બની રહ્યું હતું અને સવારથી જ તડકો નીકળતા લોકોએ રાતનો દમ ખેંચ્યો છે.
રવિવારે માત્ર છ કલાક જેટલા સમયગાળામાં નવ ઈંચ સુધી વરસાદથી લોકોના તન અને મન તરબતર બન્યા હતા. જો કે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. પરંતુ શહેરના અનેક રસ્તાઓ ધોવાઈ ગયા હતા. રવિવારે મુશળધાર અને પ્રથમ વરસાદમાં નાહવાની મોજ માણવા અબાલ-વૃદ્ધ સૌ મોટી સંખ્યામાં રસ્તા પર જોવા મળ્યા હતા. ખંભાળિયા પંથકમાં નોંધપાત્ર તેમજ ભાણવડ તાલુકામાં પણ વાવણી જોગ વરસી ગયેલા આ વરસાદથી ધરતીપુત્રોમાં પણ અનેરી ખુશી જોવા મળી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદરેડ ફેસ-૨માં પિત્તળ અને રોકડ મળી ૩.૫૫ લાખના મુદામાલની ચોરી
January 23, 2025 06:16 PMજામનગરના બર્ધનચોકમા તંત્રની ફરી કાર્યવાહી, ટ્રાફિકને અડચણરૂપ દબાણોને દુર કરાયા
January 23, 2025 06:09 PMધ્રોલ પંથકમા થયેલી વીજતારની ચોરીમાં બે ઝડપાયા
January 23, 2025 05:57 PMટ્રમ્પના બર્થરાઇટ સિટીઝનશિપમાં ફેરફાર કરવાના નિર્ણયથી ભારતીય મહિલાઓ સમય પહેલા બાળકોને જન્મ દેવા આતુર
January 23, 2025 05:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech