‘નવા નેતા’ ના ઇસ્યુને સોલ્વ કરવા ગૃહમંત્રી અમિત શાહ જામનગર રોકાયા

  • May 20, 2023 01:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નગરસેવિકા રચના નંદાણીયાની વિડીયો ક્લીપ બહાર પડી: તેમાં જણાવાયું કે જો અમિત શાહને આરામ કરવો હોત તો તેઓ દ્વારકાના સર્કીટ હાઉસ રોકાઇ શકત, પરંતુ ભાજપમાં અંદરોઅંદર ડખ્ખા છે ત્યારે મેયર, ચેરમેન બનવા માટે પણ કજીયા છે

જામનગરમાં ગૃહમંત્રી અમિત શાહ એ ગઇકાલે રાત્રે રોકાણ કર્યું છે, ત્યારે વોર્ડ નં. ૪ ની ફાયર બ્રાંડ નગરસેવિકાએ એક વિડીયો બહાર પાડીને જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી આવે કે સીએમ આવે મને હંમેશા નજરકેદ કરી દેવામાં આવે છે, ભાજપમાં અંદરોઅંદર કજીયા ચાલે છે, એટલું જ નહીં ભાજપના ‘નવા નેતા’ ના ઇસ્યુ સોલ્વ કરવા અને મેયર, ચેરમેન પદમાં જે પ્રોબ્લેમ છે તે ઉકેલવા માટે ગૃહમંત્રી અમિત શાહ જામનગર રોકાયા છે તેવું નિવેદન આપતા ભારે ચર્ચા જાગી છે.
રચના નંદાણીયાએ એક વિડીયો જાહેર કરીને કહ્યું હતું કે ભાજપના અગ્રણી અને ગૃહમંત્રી અમિત શાહ જામનગરમાં રોકાયા હતા, જો તેમને આરામ જ કરવો હોત તો તેઓ દ્વારકાના સર્કીટ હાઉસમાં પણ આરામ કરી શકત, પરંતુ શહેરમાં મેયર અને ચેરમેન બનવા માટે ભાજપમાં અંદરોઅંદર ખેંચતાણ છે, એટલું જ નહીં ભાજપમાં આવેલા ‘નવા નેતા’ નો ઇસ્યુ હાલ ચાલે છે, તેને સોલ્વ કરવા માટે જ ગૃહમંત્રી જામનગરમાં રોકાયા છે.
આ વિડીયોમાં તેણીએ વધુમાં કહ્યું હતું કે, દર વખતે કોઇ નેતા આવે ત્યારે મને નજરકેદ કરી દેવામાં આવે છે, ગઇકાલે રાત્રે સીટી એ અને બી ડીવીઝનમાંથી પોલીસ અધિકારીના ફોન આવ્યા હતા અને એમણે પૂછ્યું હતું કે તમે કંઇ કરવાના છો ? તેના જવાબમાં મેં કહ્યું કે, મારી તબિયત સારી નથી અને મારે કંઇ કરવાનું નથી, અમો લોકો ગ્રુપમાં બહાર જવાના છીએ, પરંતુ આજે સવારના મને નજરકેદ કરી દેવામાં આવી છે, ભાજપના અંદરોઅંદરના કજીયાના કારણે મને નજરકેદ કરી દેવામાં આવે છે અને કહ્યું કે, તમારા હાથે દોરડા બાંધી નેતાઓને સમજાવો અને પછી મને હેરાન ના કરો.
આમ જામનગરમાં નવા નેતાની નારાજગી સામે પણ ઠેર ઠેરથી અનેક પડકારો આવ્યા છે, ‘નવા નેતા’ કોઇનું માનતા નથી, કોઇના ફોન ઉપાડતા નથી, કોઇને મળતા પણ નથી, આવી થોકબંધ ફરિયાદો સામે આવી છે અને આજે એક નગરસેવિકાએ પણ એક વિડીયો જાહેર કરીને ભાજપમાં અંદરોઅંદર જગ્યા ચાલે છે તે વાત જાહેર કરી દેતા અનેક ચર્ચા જાગી છે.
ગૃહમંત્રી જામનગરના આગમનને પગલે અનેક તર્ક-વિતર્કો થઇ રહ્યા છે, ભાજપમાં અંદરોઅંદર જે કંઇ ચાલી રહ્યું છે તે અંગે પણ ધીરે ધીરે વાતો ખુલ્લી રહી છે, ‘નવા નેતા’ સામે અનેક લોકો બળવાના મૂડમાં છે, પરંતુ કોઇ આગળ આવતું નથી, ત્યારે હવે આગામી દિવસોમાં આ પ્રકરણના કેવા ઘેરા પ્રત્યાઘાત પડશે તે તો સમય જ કહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application