આવતીકાલે ૩૦૦થી વધુ જાહેર સ્થળોએ હોલીકા દહન થશે: બજારમાં ધાણી, પતાસા, દારીયા, ખજુર, વિવિધ રંગબેરંગી કલરો, પીચકારી સહિતની ચીજવસ્તુઓનું ધોમ વેંચાણ: સોમવારે કેટલાક સ્થળોએ ધુળેટીના તહેવાર અંગે રંગભર્યા માહોલ વચ્ચે લંચનો કાર્યક્રમ યોજાયો: યુવા હૈયાઓ ડીજેના તાલે ઝુમી ઉઠશે
જામનગર સહિત સમગ્ર હાલારમાં હોલીકાના તહેવારની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવા માટે લોકો તલપાપડ બની ગયા છે, ત્યારે કાલે ૩૦૦થી વધુ જાહેર સ્થળોએ હોલીકા દહનનો કાર્યક્રમ યોજાયો છે, ખાસ કરીને શાકમાર્કેટ પાસે ભોય યુવક મંડળ દ્વારા હોલીકા દહનનો કાર્યક્રમ યોજાય છે ત્યારે હોલીકાના દર્શન કરવા હજારો લોકો એકઠાં થાય છે, ગયા વખત કરતા તમામ ચીજવસ્તુઓ એટલે કે ધાણી, દારીયા, ખજુર, પતાસા, હાયડા તેમજ વિવિધ કલરો, પીચકારી, ફુગ્ગાના ભાવમાં ૨૦ થી ૨૫ ટકાનો વધારો જોવા મળ્યો છે છતાં પણ લોકો હર્ષભેર ખરીદી કરી ધૂળેટીના તહેવારને યાદગાર બનાાવશે.
સમગ્ર હાલારમાં રંગમયી વાતાવરણ બની ગયું છે, ભગવાન દ્વારકાધીશને ચાંદીની પીચકારીથી રમાડવા માટે હજારો ભકતો પગપાળા ચાલીને સમગ્ર ભારતમાંથી પહોંચી રહ્યા છે અને સાંજ સુધીમાં બાકી રહેલા ભકતો પહોંચી જશે, લગભગ ત્રણેક લાખ ભકતો ગોમતીમાં સ્નાન કરીને કાળીયા ઠાકોરને શીશ ઝુકાવશે, કેશુડા અને ગુલાલના રંગથી અરસપરસ રંગે રમીને હોળી-ધુળેટીના તહેવારને મનાવવા માટે તથા ભગવાનના દર્શનનો સમય પણ બદલાવવામાં આવ્યો છે. શયન દર્શન, વિશિષ્ટ આરતી અને ભગવાનને સફેદ વસ્ત્રો પણ પહેરાવાશે તેમ જાણવા મળે છે.
સનાતન હિન્દુ ધર્મગ્રંથમાં દર્શાવેલ વાર્તા આધારિત ભક્ત પ્રહલાદ અને હોલિકા ફઈબાની કથા આધારિત પ્રતિકૃતિ સ્વરૂપે શ્રી ભોઇજ્ઞાતિ સમસ્ત જામનગરના વડીલો દ્વારા આજ થી ૬૮ વર્ષે પહેલાં હોલિકાનું વિશાળ પૂતળું બનાવી સમાજ અને દુનિયાને હિન્દુ ધર્મની શકિતનો પરિચય કરાવ્યો હતો.
એક તરફ ભગવન વિષ્ણુનો પરમ ભક્ત પ્રહલાદ જ્યારે બીજી તરફ રાક્ષસી માનસિકતા ધરાવતા ભક્ત પ્રહલાદના પિતા હિરણ્ય કશ્યપ અને પ્રહલાદના ફઈબા એટલે કે હોલિકા ફઈબા ભક્ત પ્રહલાદને ભગવાન વિષ્ણુની ભક્તિ છોડાવવા અનેક પ્રકારના તર્ક વિતર્ક કરવામાં આવ્યા છે. જેમાંનો છેલ્લો તર્ક એટલે કે હોલિકા ફઈબાનું દહન અને પ્રહલાદનો આબાદ બચાવ સાથે જ અસત્ય ઉપર સત્યની જીતનો એક યાદગાર પ્રસંગ કહી શકાય.
સોમવારે ધુળેટીનો તહેવાર છે, ત્યારે અનેક લોકો ત્રણ દિવસની રજા માણવા માટે જામનગરની બહાર નિકળી ગયા છે, આજે શનિવારે સરકારી કચેરીઓ બંધ છે, રવિવારની રજા છે અને સોમવારે પણ ધુળેટીની રજા હોય, અધિકારીઓને પણ આનંદ આવી ગયો છે, ધુળેટીના તહેવાર નિમિતે કેટલાક લોકો દ્વારા ધુળેટી મહોત્સવ અને સાથે લંચના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. જેમાં મસમોટી ફી પણ લેવામાં આવી રહી છે. આમ જામનગરમાં યુવા હૈયાઓ પણ સોમવારે ધુળેટી રમશે.
હવેલીમાં પણ હોળી અને ધુળેટીનો તહેવાર ખુબ જ ઉત્સાહપૂર્વક ઉજવાઇ રહ્યો છે, અઠવાડીયાથી અનેક પ્રકારના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે, હવેલીમાં રસીયાઓ દ્વારા ઘોર મહોત્સવ ઉજવાઇ રહ્યો છે, હજુ ગઇકાલે પણ હવેલી ખાતે પૂ.વલ્લભરાયજી મહોદયના સાનિઘ્યમાં રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
જામનગર પોલીસ દ્વારા અને વહિવટી તંત્ર દ્વારા જાહેરનામુ બહાર પાડીને જણાવાયું છે કે, જાહેરમાં કોઇને પરાણે રંગ ઉડાડાશે તો તેની સામે આકરા પગલા લેવામાં આવશે, જામનગરની કલર બજાર પણ ગરમ થઇ ચૂકી છે, ત્રણેક દિવસથી વિવિધ પીચકારી મોટુ-પતલુ, નરેન્દ્ર મોદી, બેનટેન, સ્પાઇડર મેન, છોટા ભીમ, અમીત શાહના નામની પીચકારી બજારમાં મળી રહી છે પરંતુ ગયા વખત કરતા તમામ આઇટમમાં ૨૦ થી ૪૦ ટકા વધારો થઇ ચૂકયો છે.
ધાણીના ભાવમાં ૩૫ ટકાનો વધારો થયો છે જયારે ખજુર ૧૨૦ થી ૧૩૦નો કીલો, દાળીયા ૧૪૦ થી ૧૬૦ના કિલો લેખે બજારમાં મળી રહ્યા છે. બાળકો માટે નાનો હાયડો રુા.૨૫માં અને મોટો હાયડો રુા.૫૦માં મળી રહ્યો છે જયારે પતાસા રુા.૩૦ થી ૫૦ના પેકેટમાં મળી રહ્યા છે, ગયા વર્ષ કરતા રંગબેરંગી કલરના ભાવમાં પણ ૨૦ ટકાનો ભાવ વધારો થઇ ગયો છે છતાં પણ લોકો હોંશે-હોંશે રંગની ખરીદી કરી રહ્યા છે. હજુ પણ ગામડાઓમાં કેશુડો અને ગુલાલથી હોળી રમવામાં આવે છે, કેટલાક ગામડાઓમાં સંતાકુકડી, હોળી ઠેકદાવ, વિવિધ પઝલ, શ્રીફળ ફેંકવું, સિકકાની રમત આ બધી રમતો જો કે જુનવાડી છે છતાં પણ હોળીના તહેવારને વિવિધ રંગથી ઉજવે છે.
જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લામાં સતત બે દિવસ સુધી રંગોત્સવ મનાવવામાં આવશે, શહેરમાં સંગીતના કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા છે, એટલું જ નહીં યુવા હૈયાઓ અગાસી અને એપાર્ટમેન્ટના મેદાનમાં રંગે રમશે અને સાથે-સાથે સામુહીક ભોજનનો સ્વાદ માણશે, જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ સોમવારે શહેરના મુખ્ય રસ્તા પર મજબુત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાશે, જેમાં હોમગાર્ડઝનો પણ સાથ-સહકાર લેવામાં આવશે ત્યારે યુવા હૈયાઓ સોમવારે રીતસરના ઝુમી ઉઠશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech