રાજકોટના કોઠારીયા રોડ પર હિટ એન્ડ રન: આધેડનું મોત

  • March 29, 2024 12:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના કોઠારીયા રોડ પર બ્રહ્માણી હોલ પાસે રાત્રિના હીટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં આઇસર ચાલકે બાઈકને હડફેટે લેતા બાઈક પર સવાર પિતરાઈ ભાઈઓને ઈજા પહોંચી હતી જેથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેમાં ગંભીર રીતે ઘવાયેલા આધેડનું મોત થયું હતું. બનાવ અંગે પોલીસે ગુનો નોંધવા અને આઇસર ચાલકને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ,સહકાર રોડ પર ખોડીયાર સોસાયટી શેરી નંબર ૪ માં રહેતા રાજેશભાઈ ઉર્ફે રાજુ ભીખુભાઈ શિશાંગીયા(ઉ.વ ૫૦) અને તેના પિતરાઈ ભાઈ ધનસુખ કિશોરભાઈ ગોંડલીયા(ઉ.વ ૫૪ રહે. આનંદનગર કોલોની ખોડીયાર ચોક,રાજકોટ) બંને એકટીવામાં રાત્રિના કોઠારીયા રોડ પર બ્રહ્માણી હોલ પાસેથી પસાર થતા હતા ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે ધસી આવેલી આઇસરે તેમના એકટીવાને ઠોકરે લેતા બંને રોડ પર પટકાયા હતા જેથી તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અહીં ટૂંકી સારવાર બાદ રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈનું હોસ્પિટલ બીજાને મોત થયું હતું. બનાવવાની જાણ થતા હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરી કાર્યવાહી કરી હતી.

અકસ્માતના આ બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, રાજેશભાઈ રાજુભાઈ એક બહેન અને ત્રણ ભાઈના પરિવારમાં બીજા નંબરના હતા. તેઓને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. રાજેશભાઈ કારખાનામાં મજૂરી કામ કરતા હતા. ગઈકાલે ખોખડદળ ખાતે સગાઈનો પ્રસગં હોય જેથી તે તથા તેમના પિતરાઈ ભાઈ ધનસુખભાઈ બંને અહીં એકિટવા લઈ સગાઈ પ્રસંગમાં ગયા હતા. ત્યાંથી પરત ફરતા સમયે અકસ્માતની આ ઘટના બની હતી. આ મામલે પોલીસે અકસ્માત સર્જનાર આઇસર ચાલક સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application