ધોરણ 10નું 32 વર્ષમાં સૌથી ઊંચું પરિણામ, 28055 વિદ્યાર્થીને A-1 ગ્રેડ, 45 સ્કૂલમાં તો એક પણ વિદ્યાર્થી પાસ ન થયો

  • May 08, 2025 10:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર કર્યા પછી આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 10 નું પરિણામ જાહેર કર્યું છે. ધોરણ 10નું 83.08% પરિણામ આવ્યું છે. આ પરિણામ 1993 થી માંડી અત્યાર સુધીમાં સૌથી વધુ છે 2024 માં 82.56 ટકા પરિણામ આવ્યું હતું અને આ વર્ષે તે વધીને 83.08% થયું છે.

ધોરણ 10 ની પરીક્ષામાં કુલ 7,46,892 પરીક્ષાર્થીઓ બેઠા હતા અને તેમાંથી 6,20,532 પાસ થયા છે.

સમગ્ર રાજ્યમાં સૌથી વધુ પરિણામ ભાવનગર જિલ્લાના ભોળાદ અને મહેસાણા જિલ્લાના કાંસા કેન્દ્રનું 99.11% આવ્યું છે. ખેડા જિલ્લાના અંબાવ કેન્દ્રનું માત્ર 29.56 ટકા પરિણામ છે જે સમગ્ર રાજ્યમાં સૌથી ઓછું છે. સૌથી વધુ પરિણામ ધરાવતા જિલ્લામાં 89.29% સાથે બનાસકાંઠા જિલ્લો ટોપ ઉપર છે ત્યારે 72.55 ટકા પરિણામ સાથે ખેડા જીલ્લો સૌથી નીચે છે.


રાજ્યમાં 1,574 શાળાઓ એવી છે કે જેનું પરિણામ 100 ટકા આવ્યું છે. 30 ટકા કે તેથી ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 201 છે અને એક પણ વિદ્યાર્થી પાસ ન થયા હોય તેવી 45 શાળા છે. ગયા વર્ષના પરિણામ કરતાં આ વર્ષે એ- વન ગ્રેડમાં 5,000 જેટલા વિદ્યાર્થીઓ વધુ ઊત્તીર્ણ થયા છે. કુલ 28,055 વિદ્યાર્થી ઓને એ- વન ગ્રેડ પ્રાપ્ત થયો છે. એ -ટુ ગ્રેડમાં 80459 વિદ્યાર્થીઓ પાસ થયા છે.


પરિણામમાં વધુ એક વખત વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થીનીઓએ મેદાન માર્યું છે. વિદ્યાર્થીઓનું પરિણામ ૭૯.૫૬ ટકા અને વિદ્યાર્થીનીઓનું પરિણામ 87.24% આવ્યું છે. અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓનું પરિણામ 92.58% , ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓનું પરિણામ 81.79% અને હિન્દી માધ્યમનું પરિણામ 76.47 ટકા જાહેર કરાયું છે. ગેરરીતીના માત્ર 12 કેસ વર્ગખંડમાં નોંધાયા હતા પરંતુ સીસીટીવી ફૂટેજની ચકાસણી કરતા વધુ 138 વિદ્યાર્થીઓ કોપી કેસમાં ઝડપાયા છે


બેસ્ટ ઓફ ટુ સિસ્ટમ મુજબ જૂનમાં પૂરક પરીક્ષા યોજાશે

જે વિદ્યાર્થીઓ નાપાસ થયા છે અથવા તો પરિણામથી સંતોષ નથી તેવા તમામ વિદ્યાર્થીઓ માટે આગામી જૂન માસમાં પૂરક પરીક્ષા બેસ્ટ ઓફ ટુ સિસ્ટમ મુજબ લેવામાં આવશે. આ સિસ્ટમ મુજબ વિદ્યાર્થીને બેમાંથી જે એક પરીક્ષાના માર્ક સ્વીકાર્ય હોય તે મુજબ પરિણામ આપવામાં આવશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application