જામજોધપુર-લાલપુર મતવિસ્તારમાં ધારાસભ્ય તરીકેના બે વર્ષના કાર્યકાળની ઝલક રજુ કરતા હેમંત ખવા

  • December 21, 2024 10:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજથી બરાબર બે વર્ષ પહેલા જામજોધપુર-લાલપુર વિસ્તારની જનતા દ્વારા આશીર્વાદ રૂપી મતોથી હેમંત ખવાને ધારાસભ્ય તરીકે ચૂંટ્યા બાદ હેમંત ખવા દ્વારા આ વિસ્તારને સક્ષમ અને સમૃદ્ધ બનાવવા માટે "સક્ષમ ગામ સક્ષમ વિસ્તાર" ના સુત્રને સાર્થક કરવા તેમજ વિસ્તારના લોકોને આધુનિક ખેતી, યોગ્ય શિક્ષણ, કાયમી રોજગાર અને ઉત્તમ સારવાર મળે તે હેતુથી આયોજન હાથ ધર્યું. જેની ફળશ્રુતિ રૂપે જામજોધપુર તાલુકામાં કે જ્યાં એક પણ એમ.ડી. ડોક્ટર હતા નહિ અને સારવાર માટે તાલુકાના લોકોને છેક જામનગર સુધી ધક્કા ખાવા પડતા હતા તેમજ સમયસર સારવાર ના મળવાને કારણે ઈમરજન્સી વખતે લોકોને ખુબજ તકલીફોનો સામનો કરવો પડતો હતો ત્યારે હેમંત ખવા દ્વારા આ બાબતે વારંવાર વિધાનસભામાં રજુઆતો કરી, ૫૫ કરોડના ખર્ચે જામનગર જીલ્લામાં પ્રથમ એવી સબડીસ્ટ્રીકટ હોસ્પિટલ મંજુર કરાવી. જેનાથી જામજોધપુર વિસ્તારના લોકોને ૧૦૦ બેડ ધરાવતી હોસ્પિટલ તદન નવા બિલ્ડીંગ તેમજ ૨૦ જેટલા કાયમી તજજ્ઞ ડોક્ટરોની ટીમનો કાયમી લાભ મળશે.


પોતાના મત વિસ્તારના લોકો સારવાર અર્થે જામનગર જી.જી. હોસ્પિટલમાં આવે ત્યારે તેમને મદદરૂપ થઇ શકવાના હેતુથી હોસ્પિટલ ખાતે એક કાયમી સહાયક રાખીને છેલ્લા બે વર્ષમાં ૬૪૦ થી વધારે દર્દીઓને બ્લડની વ્યવસ્થા અને અન્ય કામગીરીમાં મદદરૂપ થયા છે.


હેમંત ખવા જયારે ધારાસભ્ય તરીકે ચૂંટાયા ત્યારે જામજોધપુર અને લાલપુરની માત્ર ૧૧ સરકારી શાળાઓમાં સ્માર્ટ ક્લાસ હતા પરંતુ માત્ર બે વર્ષના સમય ગાળામાં ૧૧૨ જેટલા સ્માર્ટ ક્લાસ મંજુર કરાવી ૨૧મી સદીના આધુનિક શિક્ષણમાં વિસ્તારના સરકારી શાળામાં ભણતા બાળકો પણ પાછળ ના રહી જાય એવી વ્યવસ્થા ઉભી કરાવી. પોતાને મળતા ધારાસભ્ય તરીકેના પગાર માંથી સરકારી શાળાઓમાં ભણતાં ૨૨૦૦૦ જેટલા બાળકોને સ્કુલબેગ અને નોટબુક વિતરણ કરી વિસ્તારની શાળાઓની રૂબરૂ મુલાકાત લઇ બાળકોના ભવિષ્યની ચિંતા કરી રહ્યા છે.


આજથી બે વર્ષ પહેલા હેમંતભાઈ જયારે ધારાસભ્ય તરીકે ચૂંટાયા ત્યારે વિસ્તારના ૭૫ થી વધારે રસ્તાઓ ખખડધજ હાલતમાં હતા ત્યારે ૩૦૦ કરોડથી વધારે રકમના ૬૭ જેટલા રસ્તાઓ સરકારમાંથી મંજુર કરાવ્યા. જે પૈકી ૧૯ જેટલા રસ્તાઓના કામો હાલ ચાલુ છે તેમજ બાકીના રોડરસ્તા ટેન્ડર પ્રક્રિયા હેઠળ છે જે કામો પણ ટૂંક સમયમાં જ ચાલુ થશે.


જામજોધપુર લાલપુર તાલુકાનો મોટાભાગનો વિસ્તાર આમતો સૂકો વિસ્તાર છે. આ વિસ્તારમાં ખેડૂતોને સિંચાઈના પાણીમાં ફાયદો થાય તે માટેબે વર્ષમાં વિસ્તારમાં પાંચ જેટલા નવા મોટા ચેકડેમો મંજૂર કરાવ્યા, તેની સાથે સાથે ત્રણ રાજાશાહી વખતના મોટા ડેમોમાં રીપેરીંગ મંજૂર કરાવી દરિયામાં વહી જતું પાણી અટકાવી ખેડૂતોને ફાયદો મળે એવી વ્યવસ્થા કરાવી. જ્યારે જ્યારે ખેડૂતો પર આફત આવે ત્યારે વીજળીની વાત હોય કે કમોસમી વરસાદની વાત હોય હેમંત ખવા હમેશા અગ્રેસર રહી તંત્ર પાસે યોગ્ય કાર્યવાહી કરાવતા આવ્યા છે.


આ વિસ્તારમાં વીજળી ગુલ થવાની વ્યાપક સમસ્યાઓ હતી જેમકે વીજવાયર બદલવા, ખેડૂતોની માંગણીઓ મુજબ નવી લાઈનો ઊભી કરાવવી અને અવિરત વિજ પુરવઠો મળે એ દિશામાં ખેડૂતોને સાથે રાખી, અધિકારીઓ સાથે મીટીંગો યોજી સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે પ્રયત્નો હાથ ધર્યાં.


દર સોમવારે જામજોધપુર અને દર ગુરુવારે લાલપુર કાર્યાલય ખાતે પોતે રૂબરૂ હાજર રહે છે જેના લીધે લોકોસિધ્ધા તેમને રૂબરૂ મળી રજૂઆત કરી શકે અને તેમની સમસ્યાઓનું સ્થળ પર જ નિરાકરણ થાય એવી વ્યવસ્થા ઊભી કરી છે.આમ પોતાની કામગીરી દ્વારા હેમંત ખવાએ ના માત્ર પોતાના રાજકીય હરીફોને જવાબ આપ્યો પરંતુ એ સાબિત કરી બતાવ્યું કે જો ઈચ્છા શક્તિ હોય તો વિરોધ પક્ષે રહીને પણ લોક ઉપયોગી કામો થઈ શકે છે.


આગામી સમયમાં સમગ્ર વિસ્તારનો રોડ-મેપ બનાવી, કયા ગામમાં કેટલા પરિવાર ઘર વીહોણા છે? તેમને પોતાનું ઘરનું ઘર મળે,કેટલી મહિલાઓ વિધવા સહાય મેળવવા પાત્ર હોવા છતાં સહાય મળતી ન હોય તેમને સહાય મળે, કેટલા વૃદ્ધો વૃદ્ધ-પેન્શન મેળવવા પાત્ર હોવા છતાં પેન્શન ન મળતું હોય તેમને પેન્શન મળે, સ્કૂલમાં ભણતા દરેક બાળકને સ્કૂલમાં જ જાતિનો દાખલો મળી રહે તથા સરકારી યોજનાઓ અંગેની પાત્રતા ધરાવતા હોય તે ખેડૂતોને સીધો સરકારી લાભ મળે એ આશ્રયથી ગામડે ગામડે જઈ લોકજાગૃતિ ફેલાવી અને સમગ્ર વિસ્તારમાં એ દિશામાં કામગીરી હાથ ધરશે એવું તેમના કાર્યાલયની યાદીમાં જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application