હાલો...નીકળો હવે! તેમ કહેતા જનરલ બોર્ડમાં થયો હોબાળો

  • January 19, 2024 05:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકામાં આજે સવારે ૧૧ કલાકે મેયર નયનાબેન પેઢડિયાના અધ્યક્ષસ્થાને મળેલી જનરલ બોર્ડ મિટિંગના પ્રારંભે પ્રશ્નકાળમાં પ્રથમક્રમે વોર્ડ નં.૧૦ના ભાજપના કોર્પેારેટર નરેન્દ્રસિંહ વાઘેલાએ અમૃત યોજના હેઠળ સાકાર થયેલા પ્રોજેકટસની વોર્ડ વાઇઝ વિગતો માંગી હતી જેના કમિશનર આનદં પટેલએ વિસ્તૃત જવાબો આપ્યા હતા અને લગભગ ૧૧–૨૭ મિનિટ સુધી આ પ્રશ્નોતરી ચાલુ રહી હતી જેથી પૂર્વ વિપક્ષી નેતા અને હાલ વોર્ડ નં.૧૫ના કોર્પેારેટર ભાનુબેન સોરાણીએ તેમનો પ્રશ્ન ચર્ચામાં લેવા માટે માંગણી કરી હતી જે ધ્યાને નહીં લેવાતા તેઓ વોક આઉટ કરી સભાગૃહની બહાર નીકળવા જઇ રહ્યા ત્યારે સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીનભાઇ ઠાકરએ હાલો...નીકળો હવે ! તેવો શબ્દ પ્રયોગ કરતા ભાનુબેનને આ શબ્દો હાડોહાડ લાગી આવતા સભાગૃહના દરવાજેથી સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેનની બેન્ચ સુધી પરત ફર્યા હતા અને તમારાથી આવા શબ્દો ઉચ્ચારાય જ કેમ ? તેમ કહી ઉગ્ર વિરોધ કરતા ભારે હોબાળો મચી ગયો હતો.

શાસક પક્ષના સભ્યએ પૂછેલા અને પ્રથમ પ્રશ્નની એટલી તલસ્પર્શી ચર્ચા કરવામાં આવી રહી હતી કે ભાનુબેનએ પુછેલો અને લિસ્ટમાં છેલ્લેથી બીજા ૧૯મા ક્રમે મુકાયેલો પ્રશ્ન ચર્ચામાં જ નહીં આવે તેમ જણાતા અડધો કલાક સુધી પ્રશ્નોતરી સાંભળી તેઓ ઉભા થયા હતા અને પોતાનો પ્રશ્ન ચર્ચામાં લેવા મંગણી કરી જણાવ્યું હતું કે લોકશાહીમાં વિપક્ષને બોલવાની તક આપવી પડે.. અલબત્ત તેમની માંગણી સ્વીકારવામાં આવી ન હતી અને મેયર નયનાબેન પેઢડીયાએ તમારા પ્રશ્નનો ક્રમ આવશે ત્યારે તેની ચર્ચા થશે તેમ જણાવ્યું હતું ત્યારબાદ ભાનુબેન સોરાણી વોકઆઉટ કરી સભાગૃહની બહાર જઇ રહ્યા અને ગૃહના દરવાજા સુધી પહોંચવા આવ્યા હતા ત્યારે સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીનભાઇ ઠાકર આક્રમક બન્યા હતા અને હાલો...નીકળો હવે....! તેવો શબ્દ પ્રયોગ કરતા ભાનુબેન દરવાજા પાસેથી પરત ફર્યા હતા અને સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેનની બેન્ચ સુધી પહોંચી તમારાથી હાલો..હવે નીકળો હવે તેમ કહેવાય જ કેમ ? તેમ કહી હોબાળો મચાવ્યો હતો. ભાનુબેનએ આ મામલે સતત વિરોધ ચાલુ રાખતા શાસક પક્ષના એકાદ ડઝનથી વધુ સભ્યો ભાનુબેન પાસે પહોંચ્યા હતા અને તેમનો રોષ ખાળવા દરમિયાનગીરી કરી સમજાવટ કરવા લાગ્યા હતા પરંતુ ભાનુબેન ઉકળાટ ઠાલવ્યા બાદ જ ત્યાંથી રવાના થયા હતા. બીજીબાજુ સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીનભાઈ ઠાકરએ કોંગ્રેસ ઉપર આક્રમક પ્રહારો કરવાનું ચાલુ રાખ્યું હતું અને જણાવ્યું હતું કે આ એ કોંગ્રેસ છે કે જેણે રામ મંદિર પ્રાણ પ્રતિા મહોત્સવના આમંત્રણનો પણ અસ્વીકાર કર્યેા છે ! ત્યારબાદ તેમણે જય જય શ્રીરામના નારા લગાવવાનું શ કરતાં શાસક પક્ષના સર્વે સભ્યોએ જય જય શ્રીરામના નારા લગાવીને સભાગૃહ ગજાવી મૂકયું હતું. આ હોબાળો થયા બાદ ફરી પહેલા ક્રમે રહેલા પ્રશ્નની ચર્ચા શ કરાઇ હતી જે ૧૧–૫૫ કલાક સુધી ચાલી હતી ત્યારબાદ છેલ્લી પાંચ મિનિટમાં એજન્ડામાં રહેલી ૨૦ દરખાસ્તો અને કેકેવી મલ્ટી લેવલ બ્રિજનું શ્રીરામ બ્રિજ નામકરણ કરવાની એક અરજન્ટ બિઝનેસ સહિતની કુલ ૨૧ દરખાસ્તોનું વાંચન કર્યા વિના જ સર્વાનુમતે મંજુર કરાઇ હતી અને સભા સંપન્ન થઇ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application