મોરબી ઝુલતા પુલની ઘટનામાં કલાર્કની અરજી મુદ્દે આજે સુનાવણી

  • June 08, 2023 01:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબીની ગોઝારી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં હાલમાં જેલવાસ ભોગવી રહેલા બે ટિકિટ ક્લાર્ક દ્વારા હાઇકોર્ટમાં જામીન ઉપર છૂટવા અરજી કરતા પીડિતોના વકીલે બન્ને ટિકિટ ક્લાર્ક ટિકિટના કાળા બજારી કરી ભારે ભીડ ઝૂલતા પુલ ઉપર એકત્રિત થવા દીધી હોવાનો આરોપ લગાવી જામીન અરજીનો વિરોધ કર્યો હતો.
એકના અહેવાલ મુજબ મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં હાલમાં જેલમાં રહેલા બુકિંગ ક્લાર્ક મહાદેવ સોલંકી અને મનસુખ ટોપિયાએ ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરતા પીડિતોના વકીલે બુધવારે જામીન અરજી સામે વાંધો ઉઠાવ્યો હતો અને દાવો કર્યો હતો કે આરોપીઓ ટિકિટનું બ્લેક માર્કેટિંગ કરતા હતા અને પુલ ઉપર ભીડ થવા દીધી હતી.
નોંધનીય છે કે, ૩૦ ઓક્ટોબર, ૨૦૨૨ના રોજ ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો તે સમયે, બ્રિજ પર ૩૦૦ થી વધુ લોકો હતા જેમાંથી ૧૩૫ લોકોએ મચ્છુ નદીમાં ડૂબી જવાથી જીવ ગુમાવ્યા હતા. આ કેસમાં પોલીસે બે બુકિંગ ક્લાર્ક  મહાદેવ સોલંકી અને મનસુખ ટોપિયા સહિત ૧૦ લોકોની ધરપકડ કરી હતી.
​​​​​​​
દરમિયાન હાઈકોર્ટે ત્રણ સિક્યોરિટી ગાર્ડને જામીન આપ્યા બાદ બન્ને ક્લાર્ક દ્વારા પોતે નિર્દોષ હોવાનો દાવો કરીને જામીન અરજી કરી હતી જેમાં તેમના વકીલ બીબી નાઈકે રજૂઆત કરી હતી કે કોઈ ચોક્કસ સમયે ઝૂલતા પુલ ઉપર કેટલા લોકોને જવા દેવા મંજૂરી આપી શકાય તે અંગે કોઈ સત્તા તરફથી તેમને કોઈ સૂચના આપવામાં આવી ન હતી.
જસ્ટિસ સમીર દવે સમક્ષ આ કેસ સુનાવણી માટે આવ્યો ત્યારે, એડવોકેટ રાહુલ શર્મા દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના સંબંધીઓ વતી કોર્ટમાં હાજર થયા હતા અને રજૂઆત કરી કે બુકિંગ ક્લાર્ક ટિકિટના કાળા બજાર કરતા હતા, જેના કારણે ઝૂલતા પુલ ઉપર ઓવર ક્રાઉડ થતા આ દુર્ઘટના ઘટી હતી. આ જામીન અરજીની સુનાવણીમાં કોર્ટે રાજ્ય સરકારને નોટિસ જારી કરી અને અરજદારોને તેમની જામીન અરજીઓની નકલો પીડિતાના એડવોકેટ્સ શર્મા અને ઉત્કર્ષ દવેને પહોંચાડવા આદેશ કરી આજે વધુ સુનાવણી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application