જાડાના જમીન પ્રકરણમાં ક્ધટેમ્પ્ટની અરજી પર હાઇકોર્ટમાં ૨૩મીએ સુનાવણી

  • August 03, 2023 11:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડી અદાલતના બે જસ્ટીસની બેચ સમક્ષ મામલો ચાલ્યો: તમામ પક્ષકારોને ૨૩મીએ હાજર રહેવા અદાલતનું ફરમાન: ફરી એક વખત ચર્ચામાં આવ્યું કનસુમરા જમીન પ્રકરણ

જાડાના જમીન હેતુફેરના પ્રકરણ છેલ્લા એકાદ વર્ષથી ભારે ચર્ચાસ્પદ બન્યા છે અને અમુક મામલાઓમાં અદાલતોમાં પણ કાનુની જંગ થયો છે ત્યારે કનસુમરાની ખેતીની જમીન ઔદ્યોગિક ઝોનમાં ફેરવવાના મુદે હાઇકોર્ટમાં લડત ચાલી રહી છે અને અગાઉ વડી અદાલતે આ પ્રકરણમાં આપેલા ડાયરેકશન વિરુઘ્ધ હીલચાલ થઇ હોવાનું સામે આવતાં અદાલતના હુકમના અનાદર અંગેની કરવામાં આવેલી પીટીશન પર વડી અદાલતમાં સુનાવણી થઇ છે અને હાઇકોર્ટના બે જસ્ટીસની બેંચે ક્ધટેમ્પ્ટની આ અરજી પર આગામી તા.૨૩ ઓગષ્ટના રોજ સુનાવણી માટે તમામ પક્ષકારોને હાજર રહેવાનું ફરમાન આપ્યું છે.
સંબંધીત જમીન પ્રકરણ અંગે જુસબ મામદ ખીરા દ્વારા ગુજરાત સરકાર અને ચીફ સેક્રેટરી રાજકુમાર સામે સિવીલ એપ્લીકેશન એમના હાઇકોર્ટના એડવોકેટ રાજેશ કે.સવજાણી મારફત દાખલ કરવામાં આવી હતી.
તા.૧-૮-૨૩ના રોજ સિવીલ એપ્લીકેશન નં.૧૧૦૩ પર હાઇકોર્ટના જસ્ટીસ એ.એસ.સુપેયા અને જસ્ટીસ એમ.આર.મેગેડી દ્વારા ઓરલ ઓર્ડર કરવામાં આવ્યો છે અને તેમાં વધુ સુનાવણી તા.૨૩મીએ મુકરર કરીને સંબંધીત તમામને હાજર રહેવા હાઇકોર્ટ દ્વારા ફરમાન આપવામાં આવ્યું છે.
આ સિવીલ એપ્લીકેશનમાં હાઇકોર્ટ સમક્ષ એવી વાત મુકવામાં આવી છે કે, જાડાના સંબંધીત જમીન પ્રકરણમાં હાઇકોર્ટ દ્વારા જ આપવામાં આવેલા રુલીંગ અંગે કાનુની પ્રક્રિયા અનુસરવાના બદલે કામગીરી કરવામાં આવી છે અને આ રીતે ક્ધટેમ્પ્ટ કરવામાં આવેલ છે, અગાઉ અદાલતે આ જમીન પ્રકરણ સંબંધે જે ચુકાદો આપ્યો હતો એ અનુસાર પ્રક્રિયા નહીં થઇ રહી હોવાનું સામે આવ્યા બાદ જે તે ખેડુત દ્વારા આ સિવીલ એપ્લીકેશન દાખલ કરવામાં આવી છે.
જાડા દ્વારા કનસુમરાના ૧૫ સર્વે નંબરોની જમીનોના ખેતીમાંથી ઔદ્યોગિક ઝોનને ફેરવવાના નિર્ણય સામે હાઇકોર્ટમાં થયેલી અરજીની તા.૧ના રોજ થયેલી સુનાવણીમાં અરજદારના વકીલે હાઇકોર્ટમાં એવી રજૂઆત કરી હતી કે, કોર્પોરેશન અને જાડા દ્વારા આગળના ડેવલપમેન્ટ પ્લાનની પ્રક્રિયા થઇ છે અને ડેવલપમેન્ટની મંજુરીઓ પેન્ડીંગ છે.
અગાઉ કનસુમરાના ૧૫ સર્વે નંબરોની જમીનોના ખેતીમાંથી ઔદ્યોગિક ઝોનમાં ફેરવવાના પ્રશ્ર્ને ભારે વિવાદ થયો હતો, ત્યારબાદ સમગ્ર મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો, જાડાના ઠરાવના આધારે તા.૨ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ રાજયના શહેરી વિકાસ વિભાગે એક જાહેરનામુ બહાર પાડીને કનસુમરા ગામના જુના રેવન્યુ સર્વે નંબરોની ખેતીની ૧૫ જમીનો એગ્રીકલ્ચર ઝોનમાંથી મુકત કરીને ઔદ્યોગિક ઝોનમાં તબદીલ કરવા કરેલા નિર્ણય સામે કનસુમરાના એક ખેડુતે હાઇકોર્ટમાં અરજી કરી હતી.
આ અરજીમાં જણાવાયું હતું કે, બંધારણમાં પ્રસ્થાપીત કાયદા મુજબ દરેક જિલ્લામાં કરવાના થતાં વિકાસ માટે પ્લાન બનાવવાના અને આનુસાંગીક કાર્યવાહી કરવા માટે ડિસ્ટ્રીકટ પ્લાનીંગ કમિટીની જોગવાઇ છે જે મુજબ દરેક જિલ્લામાં આવી ડિસ્ટ્રીકટ પ્લાનીંગ કમિટીની રચના કરવાનો હાઇકોર્ટે ૨૦૧૯માં હુકમ કર્યો હતો, વિકાસ પ્લાન કરવાની સતા ન હોવા છતાં હાઇકોર્ટના અગાઉના હુકમ વિરુઘ્ધ જાડામાં ઠરાવ થયા બાદ સરકારે ઝોન ફેર અંગે જાહેરનામું બહાર પાડયું હતું.
આ ચકચારી પ્રકરણમાં હાઇકોર્ટ દ્વારા ક્ધટેમ્પ્ટ સંબંધે ૨૩મીએ શું ચુકાદો આપવામાં આવે છે તેના પર સૌની નજર મંડાયેલી છે અને વધુ એક વખત જાડાના જમીન હેતુફેરનું પ્રકરણ ચર્ચામાં આવ્યું છે, અત્રે નોંધનીય છે કે, થોડા અરસા પહેલા જાડાના ૧૦૦ કરોડની જમીનનું હેતુફેરનું પ્રકરણ ભારે ચર્ચાસ્પદ બન્યું હતું, જામનગરથી લઇને રાજયના પાટનગર સુધી પ્રકરણના રેલા આવ્યા હતાં, શહેરી વિકાસ મંત્રાલયને ટાંકીને પણ ફાઇલો પરત મોકલવા ફરી મંગાવવા સંબંધેની પ્રક્રિયાને લઇને ભારે સવાલો ઉઠયા હતાં.
અત્રે નોંધનીય છે કે, કદાચ જાડાના જ હેતુફેર જમીન પ્રકરણ સંબંધે જામનગરના મ્યુ.કમિશ્નરની સિંગલ ઓર્ડરથી બદલી કરવામાં આવી હોવાની ચર્ચા પણ જે તે સમયે ઉઠી હતી, અર્થાત જાડાના જમીન પ્રકરણે એક અધિકારીનું માથુ લીધુ હોવાની વાત ઉપસી હતી, આમ હેતુફેરનું પ્રકરણ કોઇને કોઇ વાતને લઇને સતત ચર્ચામાં રહ્યું છે, આગામી દિવસોમાં પણ આ જમીન પ્રકરણ તુર પકડે એવા સંકેતો મળી રહ્યા છે.
એક એવી પણ સ્ફોટક બાબત જાણવા મળી છે કે, જુના બધા પ્રકરણોને ભુલાવી દે અંદાજે ૩૦૦-૪૦૦ કરોડની જમીનના હેતુફેરનો પણ છુપો પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે અને આ વખતે દરેડ તરફના વિસ્તારમાં હેતુફેર કરવાની હીલચાલ શરુ થઇ છે જેના પર આગામી દિવસોમાં પ્રકાશ પાડવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application