સરકાર સામે આરોગ્યકર્મીઓએ બાંયો ચડાવી, CM સુધી પહોંચે એ પહેલા 1000થી વધુની અટકાયત, ઋષિકેશ પટેલે કડક શબ્દોમાં ચેતવણી આપી

  • March 20, 2025 01:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓએ પડતર માંગણીઓને લઇને સરકાર સામે બાયો ચડાવી છે. 17 માર્ચથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરેલા આરોગ્ય કર્મચારીઓ આજે ગાંધીનગરમાં સીએમને મળવા પહોંચ્યા હતા. જેને લઈને ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. કર્મચારીઓ વિધાનસભાનો ઘેરાવો કરી આંદોલન કરે તે પહેલાં ડામી દેવા માટે પોલીસે 1000થી વધુની અટકાયત કરી લીધી હતી. બીજી તરફ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આરોગ્યકર્મીઓને ચેતવણી આપતા જણાવ્યું હતું કે, હડતાળ ગેરવ્યાજબી છે, વહેલી તકે સમેટી લો નહીંતર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના કર્મચારીઓની માંગો છેલ્લા ત્રણ વર્ષોથી સંતોષવામાં ન આવતાં આજે તેઓએ ગાંધીનગરમાં ધામા નાખ્યા છે. ત્યારે બીજી તરફ સરકાર દ્વારા આંદોલનને અટકાવવા માટે આરોગ્ય કર્મીઓની અટકાયતનો દોર શરુ કરી 1000થી વધુ આરોગ્યકર્મીની ધરપકડ કરી હતી. આરોગ્યકર્મીઓની હડતાળના મામલે આરોગ્યમંત્રી ઋષિકેષ પટેલે નિવેદન આપતાં કહ્યું છે કે, આરોગ્યકર્મીઓની આ હડતાળ ગેરવ્યાજબી છે. હું તેમને અપીલ કરું છું કે આ હડતાલ વહેલી તકે સમેટી લેવામાં આવે, નહીંતર સરકારને પણ યોગ્ય પગલાં લેવાની ફરજ પડશે. 

ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે આ બાબતે સરકાર કંઈક કરી શકતી હોય તો ચોક્કસ આગળ વધતી હોય છે. આ વખતે પણ તેમને જે મુદ્દા મૂક્યા છે તેમાં એકાદ બે બાબતો એવી છે જેમાં સહમતિ બની છે. સરકાર આ બાબતે પોઝિટિવ છે. પરંતુ જે મુદ્દાઓ ચર્ચા વિચારણા અથવા તે વાતને ડીપમાં જઈ જોવાનો જ્યાં અવકાશ બાકી હોય તે મુદ્દો પણ સરકાર વગર વિચારે, સરકારના સમગ્ર વહીવટનો વિચાર કર્યા વગર સીધે સીધે માંગણીઓ સ્વીકારી લે એવું ન બને. તેમનો કોઈપણ મુદ્દો હોય તે મુદ્દાની સાથે સુસંગત વાત થાય. છેવટે તો આ ટેક્સનો પૈસો જ્યારે રાજ્યની તિજોરીમાં આવતો હોય ત્યારે લોકોની સુખાકારીમાં અને લોકોની સગવડો માટે એ પૈસો વપરાવવો જોઈએ.' 

વધુમાં જણાવ્યું હતું કે, અત્યારે તેમની જે માંગણી છે તે બાબતે ચર્ચાઓ પણ કરી છે. ભૂતકાળની અંદર જે વાત થઈ હતી તે અનુસાંગિક વાત આજે પણ થઈ હતી. રાજ્યના નાગરિકો જ્યારે મુશ્કેલ સમયમાં આરોગ્ય વિષયક સેવાઓ માટે જતા હોય ત્યારે આ પ્રકારની હડતાળ કરી તંત્રને બાનમાં લઈ ગુજરાતના લોકોને બાનમાં લેવાનું કામ યોગ્ય નથી. હું તેમને અપીલ કરું છું કે આ હડતાલ વહેલી તકે સમેટી લેવામાં આવે, નહીંતર સરકારને પણ યોગ્ય પગલાં લેવાની ફરજ પડશે. 


ગાંધીનગરમાં કિલ્લાબંધી, 3 લેયર સુરક્ષા 
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ આરોગ્ય કર્મીઓની અટકાયત તેમના જિલ્લાઓમાંથી શરુ થઈ ગઈ છે. જેમાં જિલ્લાના પ્રમુખ માર્ગો પર પોલીસ દ્વારા તેમને ગાંધીનગર તરફ જતાં અટકાવી દેવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદનપત્ર આપવાની ચીમકી આપી ગાંધીનગર ગેટ નંબર 1 આગળ પહોંચે એ પહેલાં 3 લેયર ચેકિંગ ગોઠવી દેવામાં આવ્યું છે. ગાંધીનગર પોલીસ સહિત ગાંધીનગર રેન્જની પોલીસ અને અધિકારીઓને ગાંધીનગર ગોઠવી દેવામાં આવ્યા છે. દરેક ચેક પોસ્ટ પર સ્થાનિક લોકોનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં ફરજિયાત ઓળખ પત્ર બતાવીને જ સચિવાલય તરફ જવા દેવામાં આવી રહ્યા છે.


આરોગ્ય કર્મચારીઓની માંગણીઓ
આરોગ્યકર્મીઓની મુખ્ય માંગણીઓમાં એમપીએચડબલ્યું, એફએચડબલ્યુ, એમપીએચએસ, એફએચએસ, ટીએમપીએચ, ટીએચવી અને જિલ્લા કક્ષાના આરોગ્ય સુપરવાઈઝર કેડરનો ટેક્નિકલ કેડરમાં સમાવેશ અને ગ્રેડ-પે સુધારણા સામેલ છે. ઉપરાંત, એમપીએચડબલ્યુ-એફએચડબલ્યુ કેડરને ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિની માંગ પણ કરવામાં આવી છે. સરકાર તરફથી કોઈ હકારાત્મક પ્રતિસાદ ન મળતાં કર્મચારીઓએ અનિશ્ચિત મુદતની હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application