BREAKING NEWS

હું પુનિતનો જયરાજ રાણા છું ફરિયાદ કરવી હોય ત્યાં કરી દેજો કહી યુવાનને માર માર્યો

  • May 22, 2026 03:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વાવડી રોડ મેઇન રોડ પર જય ભારત શાળા પાસે પાણીપુરી લેવા ઉભા રહેલા યુવાન સાથે ત્રણ શખસોએ સામુ જોવા બાબતે માથાકૂટ કરી યુવાન અને તેના ભાઇને મારમાર્યો હતો. બંને ભાઇઓને જ્ઞાતિ અંગે અપમાનિત કર્યા હતાં. જે અંગે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે એટ્રોસિટી એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વાવડી રોડ પાસે આવેલ ફોરેસ્ટ ક્વાર્ટર સામે ન્યૂ જય ભારત સોસાયટી શેરી નંબર ૨માં રહેતા રાહુલ ચંદુભાઈ મકવાણા(ઉં વ ૩૮) એ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જયરાજ રાણા અને અન્ય બે શખસોનું નામ આપ્યું છે.


યુવકે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે લેન્ડમાર્ક ઓટો મોબાઇલમાં મિકેનિકનું કામ કરે છે.ગત તા.૧૭/૦૫ ના સાંજના સાડા પાંચ વાગ્યાના અરસામાં તે,તેનો નાનો ભાઈ ઉમેશ,તેનો દીકરો કાવિત તથા બેનનો દીકરો યશવંત દાફડા એમ બધા કારમાં ઘઉં ભરી તેના બેનના ઘરે ઉતારી પરત ઘરે ફરતા હતા ત્યારે આશરે સાત વાગ્યાની આસપાસ જય ભારત સ્કુલ સામે પાણીપુરી પાર્સલ કરાવવા માટે ઓર્ડર આપી પાર્સલની રાહ જોતા હતા ત્યારે ત્યાં અન્ય ત્રણ શખસો પાણીપુરી ખાતા હતા.એ દરમ્યાન યુવક અને તેનો ભાઈ વાતચીત કરતા હતા એટલામાં પાણીપૂરી ખાતા એક શખસે આવીને તેના ભાઈ ઉમેશને કહેવા લાગ્યો હતો કે ,અમારી સામે કેમ જોવો છો? અમારા મોઢામાં કાંઈ હીરા મોતી ટાંક્યા છે ? એમ કહી ત્રણેય શખસો બોલાચાલી કરવા લાગ્યા હતા.શખસે યુવકના ભાઈને પૂછ્યું હતું કે તમે કેવા છો ? અને ક્યાં રહો છો ? તો યુવકના ભાઈએ અમે અહીં બાજુમાં જ જય ભારત સોસાયટીમાં રહીએ છીએ તેમ કહી જ્ઞાતિ જણાવતા જ શખસો ઉશ્કેરાઇને યુવક અને તેના ભાઈને ગાળો ભાંડી ઢીકાપાટુનો માર માર માર્યો હતો. હુમલો કરવામાં ત્રણેય શખસોએ એકબીજાને મદદગારી કરી પાણીપુરીની લારીમાંથી સ્ટીલનો ગ્લાસ લઇ યુવકના માથાના ભાગે માર મારતા માથું ફૂટી ગયું હતું.શખસે યુવકને કહ્યું હતું કે, તમે મને ઓળખતા નથી હું પુનિતનો જયરાજ રાણા છું જાઓ તમારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી નાખજો તેમ કહી યુવક અને તેના ભાઈને જ્ઞાતિ વિરૂદ્ધ અપશબ્દ બોલી અપમાનિત કર્યા હતા.શખસોએ મારામારી કરતા લોકોનું ટોળું એકઠું થઈ જતા શખસોએ ત્યાંથી નાશી ગયા. આથી યુવકે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ત્રણેય શખસોએ વિરુધ ફરિયાદ નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application