બોગસ દસ્તાવેજ કૌભાંડ: હર્ષ ૫ દી'ના રિમાન્ડ પર, દડો વકીલ પર ફેંકયો

  • December 27, 2024 03:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં વાડ જ ચીભડા ગળી જતી હોયની મુજબ સબ રજીસ્ટાર કચેરી (દસ્તાવેજ નોંધણી કચેરી)માં નોકરી કરનાર આઉટ શોર્સના કર્મચારીએ જ સાગરીતો સાથે મળી ૧૭ કિંમતી પ્રોપર્ટીઓના બોગસ દસ્તાવેજો બનાવ્યાના કૌભાંડના પર્દાફાશ બાદ ૨૦ દિવસથી નાસતા ફરતા ભેજાબાજ શખસ હર્ષ ભરતભાઈ સોહેલીયા ઉ.વ.૨૧ રહે. સત્યમ પાર્ક સોસાયટી ૮૦ ફત્પટ રોડને પ્ર.નગર પોલીસે અમદાવાદથી પકડી પાડયો છે. આરોપીના ૧૦ દિવસના રીમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજુ કરતા પાંચ દિવસના રીમાન્ડ પર સોંપવામાં આવ્યો છે. પોલીસ સમક્ષ ભેજાબાજ હર્ષે એવું કથન કર્યુ છે કેે, પોતાને વકીલ કિશન ચાવડા જુની પ્રોપર્ટીઓ શોધીને આપતો હતો અને તેના જુના દસ્તાવેજો સબ રજીસ્ટાર કચેરીમાં નોકરી કરતા જયદીપ પાસેથી મેળવીને કિશનને પહોંચતા કરતો હતો. કિશન દસ્તાવેજો બનાવીને જયદીપ પાસે નોંધણી નકલ મેળવી લેતો હતો. આમ અત્યાર સુધી કૌભાંડમાં સુત્રધાર ગણાતા હર્ષે ગાળીયો વોન્ટેડ વકીલ તરફ નાખ્યો છે. પાંચ દિવસના રીમાન્ડ દરમિયાન પોલીસ શું મેળવી શકે ? તે જોવું રહ્યું.
સમગ્ર કૌભાંડમાં સબ રજીસ્ટાર ઝોન–૧ કચેરી અતુલ દેસાઈએ ગત તા.૧૧૧૨ના રોજ પ્ર.નગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જે તે સમયે જ કચેરીના સ્ટાફે એક કર્મચારી જયદીપ શાંતિલાલ ઝાલાને પકડી પાડી પ્ર.નગર પોલીસ મથકને સોંપ્યો હતો. આરોપી જયદીપ આઉટ સોર્સ પર કોમ્પ્યુટર ઓપરેટર સુપરવાઈઝર તરીકે સબરજીસ્ટાર કચેરીમાં નોકરી કરતો હતો. તેણે દસ્તાવેજ કૌભાંડમાં પોતે કશું જાણતો નથી સમગ્ર કારસ્તાન હર્ષ સોહેલીયાએ કર્યાનો ચાર દિવસના રીમાન્ડ દરમિયાન પોલીસ સામે કકકો કુંટયે રાખ્યો હતો.
પોલીસને પણ ચાર દિવસના રીમાન્ડ દરમિયાન જયદીપ પાસેથી ખાસ કે ઠોંસ કોઈ માહિતી મળી ન હતી અને કૌભાંડમાં સુત્રધાર હર્ષ સોહલીયા સોની તથા વકીલ કિશન ડી. ચાવડાની શોધમાં ઈંતજારમાં પોલીસ હતી. દરમિયાનમાં હર્ષ અમદાવાદ હોવાની માહિતી મળતા પ્ર.નગર પોલીસ અમદાવાદ પહોંચી હતી અને આરોપી હર્ષને પકડી પાડયો હતો. હાલ તો હર્ષે પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાયા બાદ થોડા દિવસ મુંબઈ ચાલ્યો ગયો હતો અને ત્યાં અમદાવાદ આવીને અમદાવાદમાં હોટલ, ગેસ્ટહાઉસમાં રોકાતો હોવાનું કથન કયુંર્ છે.
આરોપી હર્ષ દ્રારા કેવી રીતે દસ્તાવેજ બનાવતા હતા ૧૭ દસ્તાવેજો માટે કોઈ બહારની વ્યકિતઓની ટીપ્સ હતી કે કેમ ? દસ્તાવેજો બનાવવા માટે સબ રજીસ્ટાર ઓફીસમાંથી વિગતો તેમજ નકલો મેળવવામાં કોનો કોનો હાથ હતો ? સબ રજીસ્ટાર કચેરીના કોઈ સ્ટાફની સંડોવણી છે કે કેમ ? વોન્ટેડ આરોપી વકીલ ચાવડા વિશે તેમજ કૌભાંડની અન્ય બાબતો અંગે આરોપીના રીમાન્ડ મેળવવા આજે ૧૦ દિવસની માગણી સાથે કોર્ટમાં રજુ કરાતા હર્ષને પાંચ દિવસના રીમાન્ડ પર સોંપવામાં આવ્યો હતો. આરોપીએ કોઈને દસ્તાવેજો આપ્યા નથી કે આવી મિલકતો હજી કોઈને વેચી નથી તેવું કથન પોલીસ સમક્ષ કરતા હાલ તો પોલીસે હાશકારો અનુભવ્યો છે. ડીસીપી ઝોન–૨ જગદીશ બાંગરવાના માર્ગદર્શન હેઠળ એસીપી રાધીકા ભારાઈની સુચના મુજબ પીઆઈ પી.આર.ડોબરીયા, પીએસઆઈ આઈ.એ.બેલીમ, એએસઆઈ ડી.વી.ખાંભલા, કોન્સ્ટેબલ ચાંપરાજભાઈ ખવડ તથા સ્ટાફે વધુ તપાસ હાથ ધરી છે.

અગાઉના આરોપીએ દોષનો ટોપલો હર્ષ પર ઢોળ્યો હતો હવે પોલીસની પરીક્ષા !!
હાલ તો આરોપી હર્ષ સોનીએ બોગસ દસ્તાવેજોવાળી કોઈ પ્રોપર્ટી કોઈને વેચી નથી તેવું પોલીસ સમક્ષ રટણ કયુ છે. પ્રોપર્ટી વેચી નથી તો કોઈના કહેવાથી કે કોઈ બાહ્ય ચોકકસ વ્યકિતઓ માટે જ બોગસ દસ્તાવેજો નાણા લઈને બનાવી આપ્યા હતા કે કેમ ? તે પણ તપાસનો મુદ્દો છે. અગાઉના આરોપી જયદીપે કૌભાંડનો દોષનો ટોપલો હર્ષ પર ઢોળ્યો હતો. હવે હર્ષ હાથમાં આવતા પોલીસ હર્ષ પાસેથી શું કઢાવી શકે ? તે જાણવું રહ્યું. હર્ષ બધુ પોપટની જેમ બોલશે કે પછી તે પણ ટપ્પો વોન્ટેડ વકીલ કિશન ચાવડા ઉપર પાડશે ? પ્ર.નગર પોલીસ કેટલી વિગતો કઢાવી શકે તેના પર કૌભાંડનો મદાર મંડાયેલો હશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application