શહેરના સુપ્રસિઘ્ધ બાલા હનુમાનજી મંદિરે મહાઆરતી સહિતના કાર્યક્રમો: દાંડીયા હનુમાન, ખીરી હનુમાન, પંચમુખી હનુમાન, રોકડીયા હનુમાન સહિતના મંદિરોમાં વિશિષ્ટ આરતી, બટુક ભોજન, ઘ્વજારોહણ સહિતના કાર્યક્રમો યોજાશે
જામનગર સહિત સમગ્ર હાલારમાં આવતીકાલે માતિનંદનનો જન્મદિવસ હરખભેર ઉજવવામાં આવશે, ઘણા વર્ષો બાદ શનિવારે હનુમાન જયંતિ હોય હાલારના સુપ્રસિઘ્ધ હનુમાન મંદિરોમાં મહાઆરતી, દિપમાળા, નૂતન ઘ્વજારોહણ, બટુક ભોજન, સંતવાણી, વિશિષ્ટ આરતી સહિતના કાર્યક્રમો યોજાશે.
જે મંદિરનું ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન છે તેવા બાલા હનુમાન મંદિરમાં ઘ્વજારોહણ અને મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજવામાં આવશે, બેટદ્વારકાના દાંડી હનુમાન તેમજ જામનગર શહેર અને જિલ્લાના ફુલીયા હનુમાન, ખીરી હનુમાન, કુન્નડ હનુમાન, જામજોધપુરમાં રોકડીયા હનુમાન, જુના રેલ્વે સ્ટેશન પાસે મોજીલા હનુમાન, પંચમુખી હનુમાન, ખંભાળીયા નાકા બહાર ચૈતન્ય હનુમાન, સૂર્યમુખી હનુમાન, બળીયા હનુમાન, ચાંદીબજારમાં પુરાતન હનુમાન, ગોરડીયા હનુમાન, હઠીલા હનુમાન, ગાંધીનગરમાં કષ્ટભંજન દેવ સહિતના મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત ગાંધીનગરમાં શાસ્ત્રીનગરમાં બળીયા હનુમાન મીત્ર મંડળ દ્વારા હનુમાન જયંતિ મહોત્સવનો કાર્યક્રમ યોજાયો છે જેમાં તા.૧૧ના રોજ લોકડાયરો, તા.૧૨ના રોજ સવારે ૬ વાગ્યે આરતી, મહા અન્નકોટ, સાંજે ૫ વાગ્યે બટુક ભોજન, ૭:૩૦ વાગ્યે મહાઆરતી અને સાંજે ૮ વાગ્યે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ રણજીતનગરમાં રોકડીયા હનુમાન, લીમડાલાઇનમાં લીંબડીયા હનુમાન, બેડીગેઇટ પાસે લીંબડીયા હનુમાન, મીલન સોસાયટીમાં રોકડીયા હનુમાન, બેડેશ્ર્વરમાં ધીરજધર હનુમાન, ખોજાબેરાજામાં ફુલીયા હનુમાન સહિતના હનુમાન મંદિરોમાં વિવિધ કાર્યક્રમો યોજાશે.
કાલે માતિ નંદનના બર્થ-ડેની ઉજવણી કરવા માટે હનુમાન ભકતો ઉપવાસ પણ કરશે અને અનુષ્ઠાન કરીને હનુમાનજીને રિઝવવા પ્રયત્ન કરશે, ઠેર-ઠેર સંતવાણી, ઘ્વજારોહણ, મહાઆરતી, દિપમાળા સહિતનાા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ગઇકાલે માતિનંદનનો જય જયકાર કરવામાં આવશે, શહેરમાં બાલા હનુમાન, દાંડીયા હનુમાન સહિતના મંદિરોને વિવિધ રોશનીથી શણગારવામાં આવ્યા છે અને આ તમામ મંદિરોમાં ભકતોને પ્રસાદનું વિતરણ પણ કરવામાં આવશે. હનુમાન મંદિરોમાં તેલ, અડદ, આંકડાની માળા ચડાવવામાં આવશે તેમજ કેળા, લાડુ, પેંડા સહિતનો પ્રસાદ પણ ધરવામાં આવશે.