સોમનાથ ખાતે સમાપન થયેલી રાજ્ય સરકારની ૧૧મી ચિંતન શિબિરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિકાસ માટે AI અને કર્મયોગીઓના સહયોગને મહત્વનું ગણાવ્યું છે. તેમણે જણાવ્યું કે, જનહિતલક્ષી યોજનાઓના અસરકારક અમલ અને સ્કીમ સેચ્યુરેશન માટે AIનો ઉપયોગ કરવા માટે એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે.
ચિંતન શિબિરની સફળતા અને ગુજરાત મોડેલ:
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ૨૦૦૩થી શરૂ થયેલી ચિંતન શિબિરની જ્વલંત સફળતાને પગલે ગુજરાત મોડેલ સ્ટેટ બન્યું છે. પદાધિકારીઓ અને અધિકારીઓ એક ટીમ બનીને રાજ્યના વિકાસ માટે, લોકોના ભલા માટે કાર્યરત છે. તેમણે કર્મચારીઓને કર્મયોગી બની કામ કરવા માટે પ્રેરિત કર્યા અને કર્મયોગના છ સિદ્ધાંતોને જીવનમાં ઉતારવા પર ભાર મૂક્યો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારની ૧૧મી ચિંતન શિબિરનું સમાપન કરાવતા રાજ્યમાં ટેકનોલોજીના વ્યાપક ઉપયોગથી વહીવટી સુધારણા અને જનહિતકારી યોજનાઓના અમલમાં વધુ ગતિ તથા પારદર્શિતા લાવવા તથા સેચ્યુરેશન એપ્રોચ સાકાર કરવા AI ટાસ્ક ફોર્સની રચના કરવાની જાહેરાત કરી હતી. આ તકે મુખ્યમંત્રીશ્રીના હસ્તે ચિંતન શિબિરના કાયમી લોગોનું ડિજિટલ અનાવરણ પણ કરવામાં આવ્યું હતું.
સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાયેલી ૧૧મી ચિંતન શિબિરના ત્રીજા અને અંતિમ દિવસે સમાપન સમારોહમાં મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ટેકનોલોજીના ઉપયોગથી લોકકલ્યાણલક્ષી યોજનાઓના વ્યાપ વિસ્તારથી ૧૦૦ ટકા લાભાર્થી આવરી લઈ સેચ્યુરેશનના અભિગમ અપનાવવા કરેલા આહવાનને ગુજરાત AIના ઉપયોગથી સર્વગ્રાહી રીતે સાકાર કરવા પ્રતિબદ્ધ છે.
તેમણે ચિંતન શિબિરના સમાપન સત્રમાં વરિષ્ઠ સચિવો, જિલ્લા કલેકટરો, વિકાસ અધિકારીઓને પ્રેરણા આપતાં કહ્યું કે, કુપોષણ, શિક્ષણ, આરોગ્ય, કૃષિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોજગારી તથા જન ફરિયાદ નિવારણના ક્ષેત્રમાં AIનો ઉપયોગ સઘન બનાવવો છે. આ હેતુસર ઉચ્ચસ્તરીય ટાસ્ક ફોર્સ રચવામાં આવશે અને તેની ભલામણનો અહેવાલ એક મહિનામાં ટાસ્કફોર્સ આપે તેના આધાર પર AI અને ડેટા એનાલિસિસથી સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટની રાજ્ય સરકારની નેમ છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાનશ્રીની પ્રેરણા અને માર્ગદર્શનમાં ૨૦૦૩થી શરૂ થયેલી ચિંતન શિબિરની જ્વલંત સફળતાને પગલે અનેક એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ આવ્યા છે. જેના પગલે ગુજરાત દેશનું મોડેલ સ્ટેટ તથા ગ્રોથ એન્જિન બન્યું છે. એટલું જ નહીં. આ શિબિરો ટેક્નોલોજી ડ્રીવન ગવર્નન્સ માટે એક ટેક ઓફ પ્લેટફોર્મ બની છે. વિકાસ એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે અને ખાસ કરીને સામૂહિક ચિંતન- મંથનથી જે ચર્ચા-વિમર્શ થાય તેના પરિણામે વિકાસને નવી દિશા મળે છે. મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, ચૂંટાયેલા પદાધિકારીઓ અને અધિકારીઓ એક બનીને ટીમ તરીકે કામ કરીને ગુજરાતના વિકાસને આગળ ધપાવી રહ્યાં છે.
સરકારી તંત્રએ એવી અસરકારક ભૂમિકા નિભાવવી જોઈએ કે, ખોટું કરનારાના મનમાં તંત્રની બીક રહે. તેમણે એમ પણ ઉમેર્યું કે, બોનાફાઈડ ઈન્ટેન્શનથી થયેલી ભૂલો ચલાવી શકાય પરંતુ માલાફાઈડ ઈન્ટેન્શનને કોઈ કાળે ચલાવી લેવાશે નહીં.
મુખ્યમંત્રીશ્રીએ કર્મયોગના છ સિદ્ધાંતોને જીવનમાં ઉતારીને કર્મચારીમાંથી કર્મયોગી બનીને કામ કરવાની પ્રેરણા આપતા કહ્યું કે, આ સિદ્ધાંતો એકબીજા સાથે પરસ્પર એવા જોડાયેલા છે કે, કોઈ એક સિદ્ધાંતને જો વ્યક્તિગત જીવનમાં ઉતારીએ તો તેની અસર સમગ્રતયાં વ્યક્તિત્વ અને કતૃત્વ પર પ્રભાવશાળી રીતે પડે જ. શ્રી ભૂપેન્દ્ર પટેલે કોઈપણ પ્રકારની નકારાત્મકતા સામે સકારાત્મક અભિગમ અપનાવવાની પ્રેરણા આપતા કહ્યું કે, સરકાર ખૂબ મહત્વપૂર્ણ ઉપયોગી પ્રજાલક્ષી કામગીરી કરતી જ હોય છે ત્યારે તેની જાણકારી લોકોને સમયસર મળતી રહે અને સોશિયલ મીડિયાના સમયમાં કોઈપણ માહિતી ઝડપથી ફેલાય છે ત્યારે, ખોટી વાતોની સામે સકારાત્મક અને સાચી વાતો લોકો સુધી ત્વરાથી પહોંચે તેવું દાયિત્વ આપણે સૌએ નિભાવવાનું છે.
સમાજમાં અનેક પ્રકારની ઘટનાઓ બનતી હોય છે ત્યારે, કોઈપણ ઘટના બની ગયા પછી તેને તાત્કાલિક સુધારવા અને ભવિષ્યમાં એવી કોઈ ભૂલ ના થાય એ માટેનો અભિગમ કેળવીને કામ કરવા મુખ્યમંત્રીશ્રીએ પ્રેરણા આપી હતી. આ ત્રિ-દિવસીય ચિંતન શિબિરમાં જે જૂથચર્ચા સત્રો યોજાયા હતાં તેમાં રોજગારીની તકો ઊભી કરવા, ગ્રામ્ય વિસ્તારમાં આવકમાં વધારો કરવા, સરકારી સેવાઓમાં સંતૃપ્તિ, પ્રવાસનના વિકાસમાં જિલ્લા અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં યોગદાન જેવા ચાર મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચિંતન થયું છે, તેની ભલામણોને જિલ્લા સ્તરે ઝડપથી અમલમાં મુકવા મુખ્યમંત્રીએ પ્રેરક સૂચન કર્યું હતું.
તેમણે આ સંદર્ભમાં ઉમેર્યું કે, દરેક જિલ્લા કલેક્ટરો, વિકાસ અધિકારીઓ પોતાના જિલ્લામાં આ ભલામણોમાંથી ત્રણ પ્રોજેક્ટ નક્કી કરીને તેના પર ઝડપથી કાર્યવાહી કરે અને સમયાંતરે તેની પ્રગતિની સમિક્ષા પણ કરતા રહે. વિકાસલક્ષી કોઈપણ કામગીરીમાં પર્યાવરણને ધ્યાનમાં રાખીને જ આગળ વધવા મુખ્યમંત્રીશ્રીએ ખાસ આગ્રહ રાખ્યો હતો.
ગ્રામ્ય સ્તરથી લઈને રાજ્ય સરકાર સુધીની કડીમાં જિલ્લા વહીવટી તંત્રની ભૂમિકા ચાવીરૂપ છે ત્યારે, ગ્રામ્યસ્તર અને સરકાર વચ્ચે કોઈપણ પ્રકારનો ગેપ ના રહી જાય તે જોવા પણ મુખ્યમંત્રીશ્રીએ જિલ્લા વહીવટી તંત્ર વાહકોને સૂચન કર્યું હતું. રોજિંદી વહીવટી કામગીરીમાં કે વિવિધ પ્રક્રિયાઓમાં ક્યાંક અર્થઘટનના પ્રશ્નો કે કોઈ સમજ ફેરના પ્રશ્નો થતા હોય ત્યારે તેનું સામૂહિક ચિંતન કરીને, આવા પ્રશ્નો ઉકેલવાની દિશામાં ચિંતન શિબિરો દિશાદર્શક બની છે તેમ તેમણે જણાવ્યું હતું.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવા માટેનું લક્ષ્ય નિર્ધારીત કર્યું છે ત્યારે વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે સતત ચિંતન કરતા રહીને ગુજરાતને વિકાસમાં અગ્રેસર બનાવવા તેમણે આહ્વાન કર્યું હતું. ચિંતન એ માત્ર શિબિર નહીં પણ નિયમિત અને વ્યક્તિગત જીવનની પ્રક્રિયાનો ભાગ હોવો જોઈએ એમ પણ તેમણે ઉમેર્યું હતું.
આ તકે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ ચિંતન શિબિરના સફળ આયોજન માટે જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન આપ્યા હતા. તેમજ ચિંતન શિબિરના માઘ્યમથી પ્રાપ્ત થયેલ નૂતન વિચારોને કાર્ય સિદ્ધિ સુધી પહોંચાડવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
રાજ્યકક્ષાની ૧૧મી ચિંતન શિબિરની આભાર વિધિ કરતા સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી કમલ દયાનીએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીમંડળના સર્વે સદસ્યશ્રીઓ, વરિષ્ઠ સચિવશ્રીઓ અને જિલ્લા કલેક્ટરશ્રીઓ અને ડીડીઓશ્રીઓ જુદા જુદા વિષયો પરની જૂથ ચર્ચામાં સક્રિયપણે સહભાગી થવા અને ઉપયોગી ભલામણો આપવાનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે, સરકારના જુદા જુદા વિભાગો વચ્ચે અને જિલ્લા કક્ષાએ સુધી જુદી જુદી કચેરીઓ વચ્ચે યોગ્ય સંકલન સહકારથી વધુ શ્રેષ્ઠ પરિણામો મેળવી શકાશે.
આ શિબિરના માધ્યમથી મેળવેલા નવા અભિગમ અને નવા વિચારોને આત્મસાત કરી આગળ વધવા માટે પણ જણાવ્યું હતું. ઉપરાંત તેમણે ચિંતન શિબિરના સમગ્ર આયોજન માટે સામાન્ય વહીવટ વિભાગના અગ્ર સચિવ શ્રી હારિત શુક્લ અને ગીર સોમનાથ જિલ્લા કલેકટર અને સમગ્ર વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.
ચિંતન શિબિરના સમાપન સમારોહમાં નાણાં અને ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સહિત રાજ્ય મંત્રી મંડળના મંત્રીશ્રીઓ, મુખ્યમંત્રીશ્રીના અગ્ર મુખ્ય સલાહકાર શ્રી ડૉ હસમુખ અઢિયા, મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, રાજ્ય સરકારના અધિક મુખ્ય સચિવશ્રીઓ, અગ્ર સચિવશ્રીઓ, સચિવશ્રીઓ અને જિલ્લા કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech