વિકરાળ આગમાં લપેટાયેલ ગોપાલ નમકિનનું વાર્ષિક ટર્નઓવર 500 કરોડ, જાણો કંપની ચાલુ કરવા પાછળની રસપ્રદ વાત

  • December 11, 2024 04:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના મેટોડા જીઆઈડીસીમાં આવેલી રાજકોટની જાણિતી ગોપાલ નમકિનની ફેક્ટરીમાં વિકરાળ આગ લાગી છે. આથી ફાયરબ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. આ ભીષણ આગમાં ફેક્ટરીના તમામ યુનિટ આગની ઝપેટમાં આવ્યા છે અને 5 માળનું પ્રોડક્શન યુનિટ તો બળીને ખાખ થઈ ગયું છે. આગને કારણે ગોપાલ નમકિનને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચ્યું હોવાનો અંદાજ છે. ત્યારે તમને જણાવી દઈએ કે, ગોપાલ નમકિનનું વાર્ષિક ટર્નઓવર 500 કરોડ છે. 





1994માં 12 હજાર રૂપિયા ઉધાર લઈ ગોપાલ નમકિન શરૂ કર્યું
વર્ષ 1994માં 12 હજાર રૂપિયાના ઉધાર રો-મીટરિયલ્સ સાથે બિઝનેસ શરૂ કરનાર બિપીનભાઈ હદવાણીની ગોપાલ નમકીન આજે વર્ષે 500 કરોડથી વધારેનું ટર્નઓવર કરે છે. મૂળ જામકંડોરણા તાલુકાના ભાદરા ગામના વતની બિપીનભાઇ હદવાણી 1984માં પોતાના પિતા અને ભાઇઓ સાથે ગામડામાં ફરસાણની દુકાન ચલાવતા હતા. 1990માં રાજકોટ આવી પિતરાઇ સાથે રૂ.8500ના રોકાણ સાથે પાર્ટનરશિપમાં ‘ગણેશ’ બ્રાન્ડ સાથે વેપાર શરૂ કર્યો હતો અને સેવ, ગાંઠિયા, દાળમુઠ, ચણાની દાળ, વટાણાના પેકેટ વેચવાના શરૂ કર્યા હતા. 




22 વર્ષમાં બિઝનેસનું ટર્નઓવર રૂ.500 કરોડ પર પહોંચાડ્યું
ધંધો જામી જતા પિતરાઇ ભાઇએ પાર્ટનરશિપ છૂટી કરી ધંધો સંભાળી લીધો હતો. ભાગીદારી છૂટી જતા 1994ની સાલમાં પત્ની દક્ષાબેન અને બેન-બનેવીના સાથથી નાનામવા રોડ પર રાજનગર-4 ખાતે આવેલા રહેણાકમાં ઝીરો બેલેન્સ સાથે રૂ.12000નો ચણાનો લોટ(બેસન), તેલ અને મસાલાઓ ઉધાર લાવી ‘ગોપાલ’ બ્રાન્ડ શરૂ કરી. સાઇકલ પર ફરીને નમકીન વેચતા ફેરિયાઓને માલ આપી બિઝનેસના શ્રી ગણેશ કર્યા હતા. માત્ર બે વર્ષમાં ધંધો સેટલ થયો, 4 વર્ષ સુધી ઘેર બેઠા બિઝનેસ કર્યા બાદ હરિપરમાં કારખાનું શરૂ કર્યું અને ત્યારથી પ્રગતિ શરૂ થઇ જે સતત ચાલુ રહેતા માત્ર 22 વર્ષમાં બિઝનેસનું ટર્નઓવર રૂ.500 કરોડ પર પહોંચાડ્યું. 




ગોપાલ નમકિન આજે 20 હજાર સ્કવેર મીટર વિસ્તારમાં 
ગોપાલ નમકીન આજે 20 હજાર સ્કવેર મીટર વિસ્તારમાં અત્યાધુનિક ઓટોમેટેડ પ્લાન્ટ ધરાવે છે. એટલું જ નહીં એક સમયે એક બે પ્રોડક્ટ સાથે શરૂ થયેલી ગોપાલની સફર આજે અનેક પ્રોડક્ટ સુધી પહોંચી છે. થોડા મહિના પહેલા જ ગોપાલ સ્નેક્સ સ્ટોક માર્કેટમાં લિસ્ટ થઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application