સોનું ગમે ત્યારે એક લાખને પાર જશે, ૨૪ કેરેટ સોનાનો ભાવ 99,700 રૂપિયાએ પહોંચ્યો

  • April 21, 2025 03:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં ફરી એક વખત સોનાના ભાવ ઐતિહાસિક સ્તરે પહોંચી ગયો છે. વૈશ્વિક બજારોની અસર દેશમાં સોનાના ભાવ પર જોવા મળી રહી છે. એમસીએક્સ અને સ્થાનિક બજારોમાં સોનાનો ભાવ ફરી એક વખત વધ્યો છે. આ સાથે જ સ્થાનિક બજારોમાં ૨૪ કેરેટ સોનાના ભાવ ૯૯,૭૦૦ પર પહોંચતા નવો રેકોર્ડ સર્જાયો છે તથા ગમે ત્યારે ૧ લાખને પાર થઇ શકે છે.


૨૨ કેરેટ સોનાનો ભાવ ૯૧,૨૦૦

સોનું રોકાણકારોની પ્રથમ પસંદગી બન્યું છે. કારણ કે, સોનાને રોકાણના સલામત સાધન તરીકે પણ જોવામાં આવી રહ્યું છે. જોકે સ્થાનિક તથા આંતરરાષ્ટ્ર્રીય પરિબળોના આધારે તેની કિંમત પણ નિયમિત રીતે વધઘટ થતી રહે છે. રાજકોટ ગોલ્ડ ડિલર એસો.ના પ્રમુખ ભાયાભાઈ સાહોલીયાએ જણાવ્યા પ્રમાણે  સ્થાનિક બજારમાં આજે સોનાનો ભાવ ૨૪ કેરેટ માટે ૯૯,૭૦૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૨ કેરેટ માટે ૯૧,૨૦૦ પ્રતિ ૧૦ ગ્રામ નોંધવામાં આવ્યો છે.​​​​​​​


અમેરિકા અને ચીન વચ્ચે વધી રહેલો તણાવ કારણભૂત

સોનાને લઈને સોની બજારના એક્સપર્ટના અનુમાન હવે પહેલાની સરખામણીએ બદલાઇ ગયા છે. છેલ્લા કેટલાક દિવસોમાં સોનાના ભાવ જે ગતિએ વધી રહ્યા છે તેને જોતા એવું માનવામાં આવી રહ્યું છે કે, આ આંકડો ટૂંક સમયમાં જ ૧ લાખને પાર કરી શકે છે. અમેરિકા અને ચીન વચ્ચે વધી રહેલા તણાવના કારણે સોનાના ભાવમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. 


સોનામાં હાલ, તેજીનો સીલસીલો યથાવત રહી શકે છે

સોનાના ભાવમાં આ વર્ષે ઘણો ઉછાળો જોવા મળ્યો છે. ૨૦૨૫ના ૪ મહિનામાં જ સોનાના ભાવમાં ૨૫ ટકાથી વધારે ભાવ વધી ચુક્યો છે. આ આંકડો શેર બજારની સરખામણીએ ઘણો સારો છે. વૈશ્વિક સ્તરે થઇ રહેલી ઉથલપાથલની અસર અહીંના ઇક્વિટી માર્કેટ પર જોવા મળી રહી છે. જ્યારે સોનાની ચમક વધતા રોકાણકારો સોના તરફ વળી રહ્યા છે. જેથી સોનામાં રોકાણ વધ્યું છે. કેટલાક એક્સપર્ટસના જણાવ્યા પ્રમાણે સોનામાં હાલ, તેજીનો સીલસીલો યથાવત રહી શકે છે. વચ્ચે ક્યારેક ઘટાડો જોવા મળી શકે છે. પરંતુ તેનું પ્રમાણ વધારે હોવાની સંભાવના નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application