દ્વારકામાં જુની નગરપાલિકા વિસ્તારમાં રહેતી મીનાક્ષીબેન જેન્તીભાઈ તાવડીવાલા નામની ૩૨ વર્ષની અપરિણીત યુવતીએ અન્ય એક આસામી માલદેભાઈની પુત્રી સાથે મળીને ભાગીદારીમાં ગોમતીઘાટ વિસ્તારમાં ચા-પાણીની દુકાન રાખી હતી. અહીં કામ-ધંધો કરતી વખતે આ જ વિસ્તારમાં રહેતા ધર્મેશ વેજાભાઈ શુક્લ નામના શખ્સએ અહીં આવીને સિગરેટ ઉધાર લેતા આ શખ્સ પાસેથી મીનાક્ષીબેને સિગારેટના પૈસાની માંગણી કરી હતી. જેથી ઉશ્કેરાયેલા આરોપી ધર્મેશ શુક્લએ તેણીને બિભત્સ ગાળો કાઢી, નિર્લજ્જ હુમલો કરી, ઝપાઝપી કરી હતી. ઉપરાંત અન્ય સાહેદ માલદેભાઈ પાંડાવદરા તેઓ વચ્ચે પડતા તેમને પણ ઢીકા-પાટુનો માર મારી, પથ્થર મારવાની કોશિશ કરી હતી. આમ, આરોપી દ્વારા મીનાક્ષીબેન તાવડીવાલા તથા સાહેદ માલદેભાઈ પાંડાવદરાને ઇજાઓ કરી, જાનથી મારી નાખવાની ધમકી આપતા આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે આઈપીસી કલમ ૩૫૪ (બી), ૩૨૩, ૫૦૪ તથા ૫૦૬ (૨) મુજબ ગુનો નોંધી, આગળ કાર્યવાહી કરી હતી.
***
સામાન્ય બાબતે રાવલના યુવાનને માર પડ્યો: મારી નાખવાની ધમકી
કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા રાકેશભાઈ લાખાભાઈ સોલંકી નામના ૪૪ વર્ષના કોળી યુવાન લગ્ન પ્રસંગમાં કોળી સમાજની વાડીએ જમવા ગયા હતા. જમીને પરત ફર્યા બાદ પોતાનું મોટરસાયકલ લેવા જતા અહીં રહી રહેલા ભરત ઉર્ફે મુન્ના મોહન જમોડ, રાકેશ મોહન જમોડ, રાહુલ વજશી જમોડ અને કિશોર સાજણ જમોડ નામના શખ્સો તેમની પાછળ ઉભા હતા અને ફરિયાદી રાકેશે "પાછળ કેમ ઊભા છો?" તેમ કહેતા આરોપીઓએ તેમને "અહીં ક્યાં તારા બાપનું છે?" તેમ કહ્યું હતું. તેના જવાબમાં રાકેશે "તે તમારા બાપનું પણ નથી"- તેમ કહેતા મામલો બિચક્યો હતો અને આરોપીઓએ રાકેશ સોલંકીને બિભત્સ ગાળો ભાંડી હતી.
ગાળો કાઢવાની ના કહેતા આરોપીઓએ રાકેશને બેફામ માર મારી, જાનથી મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારી દીધી હોવાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે આઈપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨) તથા ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે.
***
ખંભાળિયાના યુવાનના ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપતા સાસુ: ફરિયાદ
ખંભાળિયાના ગાયત્રીનગર વિસ્તારમાં આવેલા એક મંદિરની પાછળના ભાગે રહેતા ભરતભાઈ સામરાભાઈ ધારાણી નામના ૨૫ વર્ષના યુવાનને તેની પત્ની સાથે બોલાચાલી થતા જામનગર જિલ્લાના સિક્કા ખાતે રહેતા નીતાબેન અરવિંદભાઈ ચાચપરા નામના મહિલા તેણીને તેડવા આવ્યા હતા. અહીં આવેલા નીતાબેને બોલાચાલી થયા બાદ ભરતભાઈને ટાંટિયા ભંગાવી નાખવાની ધમકી પણ આપી દીધી હોવાનું જાહેર થયું છે.
આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયા પોલીસે ભરત સામરાભાઈ ધારાણીની ફરિયાદ પરથી નીતાબેન અરવિંદભાઈ સામે આઈપીસી કલમ ૫૦૬ (૨) મુજબ ગુનો નોંધ્યો છે.
***
ધ્રોલમાં મેમણ જમાતના કબ્રસ્તાનમાં તોડફોડ કરી નુકસાન: ધમકી આપવા અંગે ત્રણ સામે પોલીસ ફરિયાદ
ધ્રોલમાં મેમણ સમાજના કબ્રસ્તાનમાં પેવર બ્લોકની ઈંટો વગેરે તોડી નાખી નુકસાન પહોંચાડવા અંગે જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે ધ્રોલના ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.
ધ્રોલમાં મેમણ જમાતનું કબ્રસ્તાન આવેલું છે, જેમાં પેવર બ્લોકના રોડ બનાવેલા હતા, જેની સાઈડમાં લગાવેલી ઈંટોને તોડી નાખી, બ્લોક ઉખેડી નાખ્યા હતા અને રૂપિયા ૫,૦૦૦નું નુકસાન પહોંચાડ્યું હતું.
જે અંગે મેમણ જમાતના અગ્રણી અને વેપારી ફિરોજભાઈ અબ્દુલભાઈ નાગાણીએ તેઓને સમજાવવા જતાં ત્રણેય આરોપીઓ ઉશ્કેરાયા હતા, અને મેમણ વેપારી તેમજ અન્ય સભ્યોને ત્રણેય આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી મામલો ધ્રોલ પોલીસ પથકમાં લઈ જવાયો છે, અને ત્રણેય આરોપીઓ યાકુબ અબ્દુલ ડોસાણી, આદમ સતાર ડોસાણીના બે છોકરાની સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
***
જામનગરમાં બે હજારની ઉઘરાણીના પ્રશ્ને યુવાન પર હુમલો
જામનગરમાં ગુલાબ નગર વિસ્તારમાં રહેતા અને માછીમારી કરતાં ઇબ્રાહીમ અકબરભાઈ લોઢળા નામના ૩૪ વર્ષના વાઘેર યુવાને બે હજાર રૂપિયાની ઉઘરાણી ના પ્રશ્ને પોતાના ઉપર હુમલો કરવા અંગે ઇમરાન ખેરાણી, કાસમ ખેરાણી, જાવીદ ઉર્ફે જસો, સમીર અને સેજુમન સહિત પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. જે મામલે સીટી બી. ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.
ફરીયાદીને બોલાવીને આરોપી ઇમરાને બે હજાર રુપીયા માંગ્યા હતા આથી ફરીયાદી તમારા બાકી રુપીયા આપી દીધા છે તેમ કહેતા આરોપીઓએ ઉશ્કેરાઇને અપશબ્દો બોલી ઢીકાપાટુનો માર માર્યો હતો આ વેળાએ ફરીયાદીના પત્ની છોડાવવા આવતા આરોપીઓ જતા રહયા હતા ત્યાર બાદ જી.જી. હોસ્પીટલ ખાતે સારવારમાં યુવાન જતા ટ્રોમા વોર્ડની બહાર બોલાવીને ઇબ્રાહીમને ઢીકાપાટુનો માર મારી એક શખ્સે છરીનો એક ઘા ઝીંકી દઇ ઇજા પહોચાડી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech