રાજયભરમાં તા.૨૭ના યોજાશે ગરીબ કલ્યાણ મેળા: સરકારે કર્યા આદેશ

  • September 12, 2024 12:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


છેલ્લા દોઢ વર્ષ કરતાં પણ વધુ સમયથી રાજયભરની હજારો ગ્રામ પંચાયતો તાલુકા પંચાયતો નગરપાલિકાઓ અને બે જિલ્લા પંચાયતોમાં ચૂંટણી યોજી શકાય નથી. અનામતની ટકાવારીનો વિવાદ પૂરો થઈ ગયો છે અને ૨૭% ઓબીસી અનામત સાથે આગામી દિવસોમાં ગમે ત્યારે પંચાયતોની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થાય તેવી શકયતા છે. આવા વાતાવરણમાં રાય સરકારે આગામી તારીખ ૨૭ ના રોજ ગરીબ કલ્યાણ મેળાના આયોજન માટેના આદેશ તમામ જિલ્લા કલેકટરો, મ્યુનિસીપલ કમિશનરો અને જિલ્લા વિકાસ અધિકારીઓને કરી દીધા છે.
અત્યાર સુધીના ગરીબ કલ્યાણ મેળાઓમાં પોર્ટલ પર નોંધણી કરી અરજી મેળવી મેળાના દિવસે જે તે લાભાર્થીને લાભનું વિતરણ કરવામાં આવતું હતું. પરંતુ પંચાયતોની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકારે આ વખતે તે પેટર્નમાં ફેરફાર કરી દીધો છે અને લાભાર્થીઓની પસંદગીની કામગીરી શ કરી મંજૂરીની પ્રક્રિયા તાત્કાલિક પૂરી કરવી અને મેળાના આયોજન સુધી લાભ નહીં રોકવા માટે પણ ગુજરાત સરકારના વિકાસ કમિશનર કચેરી દ્રારા આદેશ કરવામાં આવ્યો છે. આદેશમાં જણાવ્યા મુજબ પોર્ટલ પર મેળા પહેલા, મેળા દરમિયાન અને મેળા બાદની એમ અલગ અલગ ડેટા એન્ટ્રી કરવા માટે સૂચના આપી છે.
રજીસ્ટ્રેશનની કામગીરીની જવાબદારી જે તે વિભાગની જિલ્લા અને તાલુકા પંચાયતની કચેરીઓને સોપવામાં આવી છે. લાભાર્થીઓની એન્ટ્રી સમયસર અને ચોકસાઈ પૂર્વક થાય તે માટે સૂચના આપવામાં આવી છે અને જિલ્લા કલેકટર તથા જિલ્લા વિકાસ અધિકારી સાથે સંકલનમાં રહીને કામ કરવા જણાવ્યું છે. લાભાર્થીઓની એન્ટ્રી પોર્ટલ પર કચેરીના ચાલુ કામકાજના દિવસો ઉપરાંત જો કામ બાકી રહે તો રજાના દિવસે અને કચેરીના કામકાજના કલાકો પૂરા થયા પછી પણ કરવાનો આદેશ વિકાસ કમિશનર કચેરીએ કર્યેા છે.
દરેક જિલ્લા અને મહાનગરોમાં ગરીબ કલ્યાણ મેળાઓ યોજવામાં આવતા હોય છે અને રાય કક્ષાનો પણ એક આવો મેળો યોજવામાં આવતો હોય છે.
રાય કક્ષાના મેળાની તારીખ અને સ્થળ હજુ ફાઈનલ થયા નથી પરંતુ આ કાર્યક્રમની વિગતો આગામી દિવસોમાં ફાઈનલ થઇ જશે. રાય અને જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળાના તમામ કાર્યક્રમમાં મંત્રીઓ ઉપસ્થિત રહેશે પરંતુ તેમના નામો પણ હજુ ફાઈનલ કરાયા નથી.
ગરીબ કલ્યાણ મેળાના આયોજન સંદર્ભે સરકાર તરફથી આદેશ આવી જતા તાલુકા પંચાયતો અને રેવન્યુ વિભાગમાં મોટાભાગની કામગીરી હાંસિયામાં ધકેલી દેવામાં આવી છે અને સમગ્ર તત્રં ગરીબ કલ્યાણ મેળા ના આયોજનમાં લાગી ગયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application