માસુમ બાળકો સહિત સાત વ્યક્તિઓના મૃત્યુ: 15 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત: ખાનગી બસ, સ્વીફ્ટ અને ઈક્કો કાર વચ્ચે સર્જાયો અકસ્માત : રક્તરંજિત બનેલો દ્વારકા ધોરીમાર્ગ મરણ ચીસોથી ગુંજી ઉઠ્યો
દેવભૂમિ દ્વારકાના પાદરમાં શનિવારે ઢળતી સાંજે એક ખાનગી બસ તથા સ્વિફ્ટ અને ઈક્કો મોટરકાર વચ્ચે સર્જાયેલા ત્રિપલ જીવલેણ એવા અકસ્માતમાં સાત જેટલા મુસાફરોના કમકમાટીભર્યા મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે એક ડઝનથી વધુ મુસાફરોને નાની મોટી ઈજાઓ થવા પામી છે. ઘટનાના પગલે સમગ્ર જિલ્લાની રેસ્ક્યુ ટીમ, ડોક્ટરો, સેવાભાવી, કાર્યકરો ઘટના સ્થળે દોડી ગયા હતા અને ઇજાગ્રસ્તો માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.
આ કરુણ બનાવની જાણવા મળતી વિગત મુજબ દ્વારકા-ખંભાળિયા ધોરીમાર્ગ પણ દ્વારકાથી આશરે 7 કિલોમીટર દૂર બરડીયા ગામ પાસે આવેલી એક હોટલ પાસેથી શનિવારે રાત્રે આશરે 7:30 વાગ્યાના સમયે પસાર થઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સની એક બસ નંબર એન.એલ. 01 બી. 2207 આડે કોઈ પશુ ઉતરતા તેને બચાવવા માટે બસના ચાલકે કાવો માર્યો હતો. જેના કારણે આ બસ ડીવાઈડર ટપીને રોડની એક તરફ પલટી ખાઈ ગઈ હતી. આ પછી સામેની તરફથી દ્વારકા તરફ આવી રહેલી એક સ્વીફ્ટ મોટરકાર નંબર જી.જે. 11 બી એચ 8988 અને તેની સાથે એક ઈક્કો મોટરકાર નંબર જી.જે. 18 બી.એલ. 3159 વચ્ચે ત્રિપલ અકસ્માત બાદ પાછળ આવી રહેલું એક મોટરસાયકલ પણ આ અકસ્માતગ્રસ્ત વાહન સાથે ટકરાયું હતું. આ વચ્ચે વધુમાં ચર્ચાતી વિગત મુજબ અન્ય એક રાહદારી પણ આ અકસ્માતની અડફેટે ચડી ગયા હતા.
આ ત્રિપલ અકસ્માતમાં ઈક્કો કારમાં સવાર સહિત કુલ સાત મુસાફરોના મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય આશરે 15 થી 17 જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ થતાં દ્વારકાની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ ખંભાળિયા સ્થિત ડીસ્ટ્રીક્ટ જનરલ હોસ્પિટલ ખાતે તમામને ખસેડવામાં આવ્યા હતા.
આ ગંભીર અકસ્માતમાં ઈક્કો મોટરકારમાં જઈ રહેલા એક જ પરિવારના બે બાળકો સહિત સાત મુસાફરો કાળનો કોળિયો બની ગયા હતા. જે અંગે ઈક્કો મોટરકારમાં જઈ રહેલા મહેશભાઈ કેશવજી ઠાકોર (ઉ.વ. 37, રહે. ટીટોડા ગામ (પરૂ, તા. ગાંધીનગર) એ દ્વારકા પોલીસ મથકમાં જાહેર કરેલી વિગત મુજબ ફરિયાદી મહેશભાઈ ઠાકોર તેમજ તેમના પરિવારજનો શનિવારે દ્વારકા ખાતે જગત મંદિરે દર્શન કરવા નીકળ્યા હતા ત્યારે દ્વારકા પહોંચે તે પહેલા બરડીયા નજીક સામેથી આવી રહેલી એન.એલ. 01 બી. 2207 નંબરના ખાનગી બસના ચાલકે પોતાની બસના સ્ટેરિંગ પરનો ગુમાવી દેતા રોંગ સાઈડમાં જઈ અને આ બસ પલટી ખાઈને તેઓની ઈક્કો મોટરકાર ઉપર પડી હતી. જેના કારણે ફરિયાદી મહેશજી કેશાજીના ધર્મપત્ની ભાવનાબેન (ઉ.વ. 35), તેમની પુત્રી પ્રિયાંશી (ઉ.વ. 13) તેમના સાળા અર્જુનજી ઠાકોરના પત્ની હેતલબેન અર્જુનજી ઠાકોર (ઉ.વ. 28, રહે પલસાણા કલોલ), તેમની પુત્રી તાનિયા અર્જુનજી ઠાકોર (ઉ.વ. 2), અન્ય એક સાળા કિશનજીની પુત્રી રિયાંશી (ઉ.વ. 3) અને તેમનો દીકરો વિરાન કિશનજી ઠાકોર (ઉ.વ. 6) ના કમકમાટીભર્યા મૃત્યુ નીપજ્યા હતા. આ અકસ્માતમાં આ માર્ગ પર જઈ રહેલા અન્ય એક યુવાન ચિરાગ રાણાભાઈ ચાસીયા (રહે. બરડીયા, તા. દ્વારકા) નું પણ મૃત્યુ નીપજ્યું હતું.
આ અકસ્માતમાં અન્ય મુસાફરો એવા ફરિયાદી મહેશજી કેશાજી ઠાકોર તેમના પુત્ર હિમેશ, હેતલબેન કિશનભાઈ ઠાકોર અને કિશનભાઈ રમણજી ઠાકોર વિગેરેને પણ નાની મોટી ઈજાઓ થતા વધુ સારવાર અર્થે દ્વારકાથી ખંભાળિયા ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવના પગલે જિલ્લાના જુદા જુદા વિસ્તારમાંથી 108 એમ્બ્યુલન્સ તેમજ સરકારી હોસ્પિટલ તેમજ ખાનગી વાહનોમાં ઘવાયેલાઓને હોસ્પિટલ તેમજ ખંભાળિયા ખસેડવાની તાકીદની વ્યવસ્થા કરવામાં આવી હતી. આટલું જ નહીં, આ ગમખ્વાર અકસ્માત થતા અહીંના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ વિગેરે પણ ઘટના સ્થળે દોડી જઈ, અને જરૂરી વ્યવસ્થાઓ કરવામાં મદદરૂપ થયા હતા ખંભાળિયાની સરકારી હોસ્પિટલોમાં ઘવાયેલા ઓને તાકીદે તમામ સારવાર મળી રહે તે માટે જામનગરથી જી.જી. હોસ્પિટલના ડોક્ટરોની ટીમનું પણ આગમન થયું હતું.
આ બનાવે ભારે કરુણતા પ્રસરાવી છે. આ અકસ્માતના પગલે અહીંના ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા હાર્દિક પ્રજાપતિ તેમજ દ્વારકાના ડી.વાય.એસ.પી. સાગર રાઠોડની ટીમે હાઈવે માર્ગ પર જરૂરી બંદોબસ્ત ગોઠવી, વાહન વ્યવહાર તેમજ ઘવાયેલાઓ માટે વ્યવસ્થાઓ કરી હતી.
અકસ્માત સર્જીને આરોપી બસનો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ગમખ્વાર અકસ્માતના આ બનાવ સંદર્ભે દ્વારકા પોલીસે મહેશજી કેશાજી ઠાકોરની ફરિયાદ પરથી ખાનગી બસના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસના ડી.વાય.એસ.પી. સાગર રાઠોડના વડપણ હેઠળ પી.એસ.આઈ. ડી.એચ. ભટ્ટ દ્વારા હાથ ધરવામાં આવી છે.
આ અકસ્માતમાં મૃતક હતભાગીઓના પોસ્ટમોર્ટમ ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં કરવામાં આવ્યા હતા. આ બનાવ બનતા અહીંના પ્રાંત અધિકારી મામલતદાર પણ ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં દોડી ગયા હતા. અને મૃતક તથા ઈજાગ્રસ્તોના પરિવારજનોને શક્ય તેટલી તમામ સહાય માટે મદદરૂપ બન્યા હતા.
દ્વારકાના બરડીયા નજીક ગમખ્વાર અકસ્માત: જામનગરથી રાહત કામગીરી માટે ટીમ રવાના
દ્વારકાના બરડીયા નજીક ગઈકાલે થયેલા ગમખ્વાર અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા હતા, તેમજ સાત વ્યક્તિએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ દુર્ઘટનાની જાણ થતાં જ જામનગર જિલ્લાનું વહીવટી તંત્ર દોડતું થયું હતું. જામનગરની જી.જી. હોસ્પિટલના અનુભવી ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ અને અત્યાવશ્યક દવાઓ સાથે બે એમ્બ્યુલન્સ તાત્કાલિક ખંભાળિયા સિવિલ હોસ્પિટલ ખાતે રવાના કરવામાં આવી હતી. ઘાયલોને તાત્કાલિક સારવાર મળી રહે, તે માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત, જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષક પણ સ્થળ પર પહોંચીને રાહત કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ અને ધારાસભ્ય પબુભા માણેક સહિતના આગેવાનો પણ સ્થળ પર દોડી ગયા હતા, અને ઘાયલોની સારવાર માટે મદદ કરી ને તંત્રને જરૂરી સૂચનાઓ આપી હતી. આ અકસ્માતમાં ૭ માનવીઓએ જીવ ગુમાવ્યા ઉપરાંત અન્ય ૧૬ લોકો ઘાયલ થયા હતા, જે તમામની સઘન સારવાર માટે સમગ્ર ટીમ જોડાઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ની ભારતની મેચ દુબઈમાં યોજાશે, પીસીબીએ કયુ કન્ફર્મ
December 23, 2024 03:51 PMકોલ્ડવેવ: તાવ–શરદી–ઉધરસ, ઝાડા–ઊલટીના ૨૦૬૭ કેસ
December 23, 2024 03:49 PMરૈયારોડ પર પાસે દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો: ૩.૭૭ લાખનો મુદ્દામાલ કબજે
December 23, 2024 03:48 PMટેકાના ભાવે ખરીદી કેન્દ્રની તુલનાએ રાજકોટ માર્કેટ યાર્ડમાં પાંચ ગણી વધુ મગફળી આવી
December 23, 2024 03:47 PMરાજકોટ જિલ્લામાં રેશનિંગ જથ્થો સપ્લાય ન કરનાર એજન્સીને ૧૮.૨૫ લાખનો દડં
December 23, 2024 03:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech