GPFના લાભ 1982 પછીની સેવા માટે જ મળે, તેના પહેલાના સમય માટે નહીં

  • March 29, 2025 03:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત હાઇકોર્ટે રાજયના હજારો નિવૃત્ત સરકારી કર્મચારીઓને અસર કરતાં અને બહુ મોટા ઐતિહાસિક ચુકાદા મારફતે ઠરાવ્યું છે કે, જનરલ પ્રોવિડન્ટ ફંડ(GPF)ના લાભો માત્ર પહેલી એપ્રિલ 1982 પછીની નોકરીની સેવાના સમયગાળા માટે જ લાગુ પડશે. એટલે કે, સરકારે લાગુ કરેલી યોજના મુજબ જ જીપીએફના લાભો પહેલી એપ્રિલ 1982 પછીની સેવા માટે જ મળી શકે, તે પહેલાંના સમયગાળા માટે નહી. જસ્ટિસ એ.એસ.સુપહીયા અને જસ્ટિસ નિશા એમ.ઠાકોરની ખંડપીઠે નિવૃત્ત કર્મચારીઓને તેમની મૂળ ભરતી(નિમણૂંક) તારીખથી જીપીએફના લાભો આપવા અંગેના સીંગલ જજના હુકમને અયોગ્ય અને રદબાતલ ઠરાવ્યો હતો. હાઇકોર્ટના આ ચુકાદાને પગલે રાજ્ય સરકારના હજારો નિવૃત્ત કર્મચારીઓને અસર થશે.


ગુજરાત સરકાર દ્વારા કરાયેલી લેટર્સ પેટન્ટ અપીલ મંજૂર રાખતા હાઇકોર્ટે આ બહુ મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. નિવૃત્ત કર્મચારીઓને તેમની સંપૂર્ણ નોકરી દરમિયાન જનરલ પ્રોવીડન્ટ ફંડ(જીપીએફ)નો લાભ આપવા અંગેના એટલે કે, નિમણૂંક તારીખથી સળંગ નોકરી ગણી જીપીએફના લાભો આપવા અંગેના સિંગલ જજના હુકમને પડકારતી રાજ્ય સરકારની અપીલમાં હાઇકોર્ટ સમક્ષ બહુ મોટો કાયદાકીય પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. જેમાં હજારો નિવૃત્ત સરકારી કર્મચારીઓ જેઓ મોટાભાગે વર્ષ 2006 પહેલાં નિવૃત્ત થયા હતા, તેઓ તેમની મૂળ ભરતી(નિમણૂંક)ની તારીખથી જીપીએફના લાભો મેળવવા હકદાર ગણી શકાય કે નહીં?


કોર્ટનું એ મુદ્દે ખાસ ધ્યાન દોર્યું હતું કે, ઘણાં કર્મચારીઓએ 1982 પછી પ્રમોશન મળતાં તેઓએ તેમની નવી નિમણૂંક ગણવા માંગણી કરી હતી અને સરકારના ઠરાવની જોગવાઇનો લાભ મેળવી જીપીએફ યોજનામાં પ્રવેશ મેળવ્યો હતો. હવે આટલા વર્ષો પછી આ જ કર્મચારીઅઓ તેમનું વલણ બદલી એમ કહી રહ્યા છે કે,તેઓ પોતાની નોકરીની સેવાઓ શરૂઆતથી એટલે કે,નિમણૂંક તારીખથી જીપીએએફ હેઠળ ગણવા માંગે છે. જેમાં કેટલીક નોકરીઓની નિમણૂંક તારીખ તો છેક 1965 સુધી જાય છે. આ સંજોગોમાં નિવૃત્ત કર્મચારીઓની માંગણી અને પરિસ્થિતિ બિલકુલ વિરોધાભાસી, અન્યાયી અને ગેરવાજબી છે.


નિષ્ણાતો મતે, ગુજરાત હાઈકોર્ટના આ ઐતિહાસિક અને સીમાચિહ્નરૂપ ચુકાદાને પગલે રાજ્યની જાહેર તિજોરીના આશરે 600 કરોડ રૂપિયાથી વધુ રકમ બચશે. હાઈકોર્ટના આ ચુકાદાને પગલે સરકારના માથેથી બહુ મોટો આર્થિક બોજો ટળ્યો છે.


સરકારપક્ષ તરફથી મુખ્ય સરકારી વકીલ ગુરશરણસિંહ વિર્કએ આ કેસમાં ઉભી થયેલી દ્વિધાભરી પરિસ્થિતિના ઉકેલના ભાગરૂપે વર્ષ 2015ના હાઈકોર્ટના એક ચુકાદાને ટાંક્યો હતો. જણાવ્યું હતું કે, 'નિવૃત્ત કર્મચારીઓની માંગણી મુજબ, એક તરફથી તેમના પ્રમોશનને નવી નિમણૂંક માનવી અને બીજી તરફ સંપૂર્ણ સેવા અવધિ માટે પાછળથી જીપીએફનો લાભ માંગવો આ જટિલ પ્રશ્નનું નિરાકરણ 2015ના ચુકાદામાં પહેલેથી જ સ્પષ્ટ કરી દેવાયું છે. જીપીએફનો લાભ માત્ર 1982 પછીની નોકરીની સેવાઓ માટે ઉપલબ્ધ છે. જ્યારે તે પહેલાના સમયગાળાની નોકરીની સેવાઓ માત્ર પેન્શનની ગણતરી માટે ધ્યાનમાં લઈ શકાય. જે નિવૃત્ત કર્મચારીઓ પહેલાં જે આધાર પર જીપીએફના લાભ મેળવવા પાત્રતા કેળવી હતી, તે હવે તેમણે પસંદ કરેલા વિકલ્પનો અસ્વીકાર કરવા માંગે છે. હવે પોતાની નિમણૂંક તારીખથી જીપીએફ લાભ મેળવવા માંગે છે, જે અશકય અને કુદરતી ન્યાયના સિઘ્ધાંત વિરૂઘ્ધનું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application