જી.જી. માં ટ્રાફીક નિયમનનો સરેઆમ ભંગ: એમ્બ્યુલન્સ ફસાઇ

  • July 26, 2023 01:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લાજવાને બદલે ગાજતી સિક્યુરીટી વિભાગની સરેઆમ નિષ્ફળતા: હોસ્પિટલની અંદર રીક્ષાઓ અને વાહનોના રીતસર લાગે છે થપ્પા: કલેકટર રવિશંકરે કરેલી કામગીરી બધાને યાદ આવી

જામનગર શહેરમાં જી.જી. હોસ્પિટલમાં કેટલાક માથાભારે રીક્ષાધારકોનો અડીંગો અવારનવાર જોવા મળે છે, એટલું જ નહીં ટ્રાફીકના નિયમને ભંગ કરતી રીક્ષાઓ આમતેમ પાર્ક કરવામાં આવતી હોય, જેના લીધે ગંભીર પ્રકારના દર્દીઓને એમ્બ્યુલન્સ દ્વારા લાવવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે, ભૂતકાળમાં તે વખતના કલેકટર રવિશંકરે તમામ રીક્ષાચાલકોને હોસ્પિટલની બહાર ઉભા રાખવાની કાર્યવાહી કરી હતી અને વૃઘ્ધો કે સાવ અશક્ત લોકો માટે રીક્ષા હોસ્પિટલના કમ્પાઉન્ડ આવી શકે એવો આદેશ કરાયો હતો, પરંતુ હાલમાં નબળી સીક્યુરીટી હોવાના કારણે જામનગરની જી.જી. હોસ્પિટલનું મેદાન જાણે કે ધણી ધોરી વગરનું બની ગયું હોય તેવું લાગે છે, જિલ્લા કલેકટરે તાત્કાલિક અસરથી દર્દીઓ માટે અસુવિધા અંગે કડક પગલા લેવા જોઇએ.
જી.જી. હોસ્પિટલની અંદર દ્વિચક્રી અને રીક્ષાચાલકો પોતાના વાહનો પાર્ક કરે છે, ત્યારે સીક્યુરીટીના ગાર્ડ બહુ કોઇ ઘ્યાન આપતા નથી, જેના કારણે અવારનવાર ટ્રાફીક નિયમનનો ભંગ થાય છે અને ૧૦૮ જેવી એમ્બ્યુલન્સને પણ અંદર આવવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે, હોસ્પિટલના પાર્કીંગમાં વ્યવસ્થિત વાહનો રાખવા માટે સીક્યુરીટીનો લાખો રુપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ હાલમાં હાલત એ છે કે આ સીક્યુરીટી એજન્ટને કોઇ કહેવાવાળું નથી.
કેટલાક રીક્ષાચાલકોને કોઇ કામ ન હોય ત્યાં જ પોતાની રીક્ષા પાર્ક કરી દયે છે અને તેને રીક્ષા દૂર પાર્કીંગ કરવાનું કહેવામાં આવે તો અવારનવાર માથાકુટ કરે છે, એટલું જ નહીં પરંતુ રીપોર્ટીંગ માટે અને ફોટા પાડેલા આવેલા ફોટોગ્રાફરો અને રીપોર્ટરો સાથે પણ ઉઘ્ધત વર્તન કરે છે. જિલ્લા કલેકટરે તાત્કાલિક અસરથી સીક્યુરીટીના સંચાલકો સાથે યોગ્ય વાતચીત કરીને હોસ્પિટલના મેદાનની ટ્રાફીક વ્યવસ્થા નિયમન યોગ્ય રીતે જળવાઇ તેવા આદેશ આપવા જોઇએ.
ભૂતકાળમાં ૩-૪ વર્ષ પહેલા તે વખતના કલેકટર રવિશંકરે ટ્રાફીક સમસ્યાનો હાથ માં લઇને રીક્ષાચાલકોને પોતાનું વાહન બહાર ઉભું રાખવા માટે આદેશ બહાર પાડયો હતો અને ગંભીર કેસમાં કોઇ અશક્ત માણસ હોય તેના માટે હોસ્પિટલમાં છૂટછાટ આપી હતી, હવે જ્યારે પરિસ્થિતિ દિન પ્રતિદિન બગડતી જાય છે, ગંભીર દર્દીને લાવતી ૧૦૮ એમ્બ્યુલન્સ પણ અવારનવાર ફસાઇ જાય છે, જેથી તાત્કાલિક અસરથી મેદાનમાં એમ્બ્યુલન્સની અવરજવર થઇ શકે તે માટે વ્યવસ્થા ગોઠવવી જોઇએ, આમ કેટલીક વખત તો ખુદ ડોકટરો સાથે પણ સીકયુરીટીના જવાનો સાથે તોછડું વતર્ન કરતું આવ્યું હોવાની વિગત બહાર આવી છે, આ તમામ પ્રશ્ર્નોને ઉકેલવા માટે જિલ્લા કલેકટરે સીક્યુરીટીના સંચાલકોને બોલાવીને આ પ્રશ્ર્નને અગ્રતા આપીને ઉકેલવો જોઇએ તેવી માંગ દર્દીઓના સગા કરી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application