જી.જી. હોસ્પિટલમાં ઘણા સ્થળે ફાયરના બોકસમાં સાધનો જ નથી

  • February 12, 2025 04:45 PM 


સૌરાષ્ટ્રની સૌથી મોટી જામનગરની સરકારી જીજી હોસ્પિટલ હંમેશા કોઈને કોઈ મુદ્દે ચર્ચામાં રહે છે. તેનું મુખ્ય કારણ નવી ઇમારત અને જૂની ઇમારતની વ્યવસ્થા વચ્ચેનો મોટો તફાવત છે. એક તરફ જામનગરના નવા બિલ્ડીંગમાં ચુસ્ત વ્યવસ્થા છે તો જુના બિલ્ડીંગમાં તંત્રના નામે માત્ર વાતો ચાલે છે. જી.જી.હોસ્પિટલનું જુનું બિલ્ડીંગ આગના ઢગલા પર ઉભું છે એમ કહીએ તો ખોટું નહીં હોય કારણ કે આ બિલ્ડીંગમાં ફાયરના સાધનો જ જગ્યા પર નથી અને જે થોડા છે તેની હાલત દયનીય છે.

જી.જી.હોસ્પિટલના જૂના બિલ્ડીંગમાં હજુ પણ મોટાભાગની ઓપીડી ચાલુ છે અને મોટાભાગના દર્દીઓ આ બિલ્ડીંગમાં સારવાર માટે આવે છે. અહી દરરોજ હજારો દર્દીઓ, ડોકટરો અને નર્સીંગ સ્ટાફની અવરજવર કરે છે, તેમ છતાં આ બિલ્ડીંગમાં ફાયરના સાધનોની હાલત ખરાબ છે. લગભગ એક મહિના પહેલા જીજીની ઉચ્ચ સત્તામંડળની બેઠકમાં આ વિષય પર ચર્ચા કરવામાં આવી હતી અને ફાયર સાધનોની સ્થિતિ જાણવા માટે સર્વે પણ કરવામાં આવ્યો હતો. પરંતુ હજી પણ બધું કામ હવામાં છે, આ મુદ્દે હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.

​​​​​​​

રાજકોટના પ્લેઝોનમાં જે રીતે ભીષણ આગની ઘટના બની હતી, તેવી જ રીતે જીજી હોસ્પિટલ પણ આવી જ મોટી ઘટના બનવાની રાહ જોઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. ભગવાન ના કરે, જો જીજીમાં આગ લાગવાની કોઈ ઘટના બને તો હોસ્પિટલની અંદર ફરજ બજાવતા ડોકટરો અને નર્સિંગ સ્ટાફની સાથે તેમની સારવાર માટે દાખલ દર્દીઓને કેવી રીતે બચાવી શકાય તે એક મોટો પ્રશ્ન છે !


એવો લાગે છે જેમ કે જીજીની જૂની બિલ્ડીંગને સાવકી માની ને વ્યવસ્થા કરવામાં આવી રહી છે કારણ કે તેનાથી વિપરીત જીજીની નવી બિલ્ડીંગમાં ફાયરના સાધનો નવા અને તેની જગ્યાએ છે. જાણે કે ત્યાંની વ્યવસ્થા તંત્ર દ્વારા મનથી સંભાળવામાં આવે છે. જી.જી.હોસ્પિટલના જુના બિલ્ડીંગમાં ભારે અવ્યવસ્થા જોવા મળી રહી છે અને ખામીયુક્ત અને ગુમ થયેલ ફાયર સાધનોની સમસ્યા તેમાંની એક છે, જે અંગે તંત્રને બધુ જ ખબર છે પરંતુ તેઓને સમસ્યા ઉકેલવામાં કોઈ રસ નથી. આવા સંજોગોમાં તંત્ર પર ભરોસો રાખીને અહીં કામ કરતા લોકો અને સારવાર માટે આવતા દર્દીઓ આગના ઢગલા પર બેઠા છે અને આગની કોઇ ઘટના બને તો બચાવ થશે નહીં.


માત્ર તેઓ જ જાણે છે કે જી.જી.નો વહીવટ ચલાવતા તંત્ર પાસે સમય નથી, ફંડ નથી કે અમુક રાજકારણ તેમના માટે સિસ્ટમ ચલાવવાનું મુશ્કેલ બનાવી રહ્યું છે, પરંતુ ગમે તે હોય, આ મુદ્દો એટલો સામાન્ય નથી કે તેની અવગણના કરી શકાય અને મોટી દુર્ઘટના થાય એની રાહ જોઈ શકાય.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application