સાગઠિયા સહિત ચાર કૌભાંડીના આજે મગાશે રિમાન્ડ

  • May 31, 2024 12:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અિકાંડમાં ફરજ બેદરકાર એવા રાજકોટ મહાનગરપાલિકાના ભ્રષ્ટ્ર પૂર્વ ટાઉન પ્લાનર (ટીપીઓ) મનસુખ ડી. સાગઠિયા સામે અંતે કાયદાનો સિકંજો કસાયો છે. છેલ્લા બે દિવસથી નજરકેદ કરાયેલા આ પૂર્વ ટીપીઓ એમ.ડી.સાગઠિયાને મોતના માચડામાં જવાબદાર અને પાપના ભાગીદાર એવા અન્ય સાથી એટીપી મુકેશ મકવાણા, ગૌતમ જોષી તેમજ ફાયર બ્રિગેડના ઓફિસર રોહિત વિગોરાની ગઇકાલે ક્રાઇમબ્રાંચે ધરપકડ કરી છે. આ ચારેય સરકારી બાબુઓને આજે રિમાન્ડની માગણી સાથે અદાલતમાં રજૂ કરવામાં આવશે.

ગત શનિવારે ગેમ ઝોનમાં ભભૂકેલી આગ અને આ લાક્ષાગૃહ સમા બની બેઠેલા ગેમ ઝોનમાં ૨૭થી વધુ નિર્દેાષ માનવજીંદગીઓનો ભોગ લેવાયો હતો. ૨૦૨૧ના આરંભથી આ ગેમ ઝોનમાં સરકારી નિયમોની સરકારી બાબુઓ કે કોઇ રાજકીય માથાઓની ઓથ હોય તે રીતે કાંઇપણ કાયદાકીય હતું નહીં અને આ ગેમ ઝોન ત્રણ વર્ષ સુધી ગેરકાયદે રીતે રોજીંદી કાળી કમાણી કરતો હતો. અંતે અધિકારીઓના પાપના કારણે આ ગેમ ઝોન ગત શનિવારે તા.૨૫ના રોજ સળગી ઉઠયો હતો. જેમાં અનેક પરિવારના નિર્દેાષ ભૂલકાઓ, ઘરના મોભીઓ, મહિલાઓના ભોગ લેવાઇ ગયા હતાં.
સરકારનો સરકારી વહીવટી તંત્રો ઉપર કોઇ કાબૂ ન હોય અને આવી ઘટના બને પછી જાગતી હોય તે રીતે રાજકોટ ગેમ ઝોન અગ્નિ કાંડમાં પણ પણ તપાસ ચાલુ કરી છે. અમદાવાદથી આવેલી એસીબીની ટીમો દ્રારા ગઇકાલે મોડી સાંજ બાદ મહાપાલિકામાં ટીપીઓની ઓફિસમાં તપાસ કરવામાં આવી હતી ત્યાં એકાદ કલાકના સર્ચ પછી એસીબીની ટીમે યુનિવર્સિટી રોડ ઉપર સાગઠિયાના હાલના નિવાસસ્થાન અલખ ધણી નામની સાગઠિયાના સસરાના નામના આવેલા પાંચ માળના એપાર્ટમેન્ટ ઉપર પહોંચી હતી.

સાગઠિયાના ફલેટની તલાશી લેવામાં આવી હતી. એસીબીના અંગત સૂત્રોમાંથી એવું જાણવા મળી રહ્યું છે કે, ફલેટ પરથી એવા કોઇ મજબૂત કે ઠોસ દસ્તાવેજી પુરાવાઓ મળ્યા નથી જે વસ્તુઓ અને દસ્તાવેજો મળ્યા તે બક્ષીસ અથવા ભેટમાં મળેલી અકસ્યામતોના છે. આમ સાગઠિયા અતિ ચબરાક હોવાથી એસીબીને હજુ સુધી ખાસ કાંઇ હાથ લાગ્યુ નથી. હવે સાગઠિયાના તેના પરિવારજનોના બેન્ક એકાઉન્ટો, લોકરની તપાસ થશે. એવી પણ વાત છે કે સાગઠિયાના સસરા પૂર્વ પીઆઇ હોવાથી તેઓ પણ પોલીસની અને એસીબીની કામગીરી જાણતા હોય શકે. એસીબીએ સાગઠિયા સાથે અન્ય ત્રણ સસ્પેન્ડેડ આરોપી એટીપી મકવાણા, જોષી અને ફાયર ઓફિસર વિગોરાને ત્યાં પણ તપાસ કરી હતી. તેઓના નોકરીના કાયદેસરના પગારની આવક અને વર્તમાન મિલકતોનો તાળામેળ આરંભ્યો છે

ચારેયના બેદરકારીના શું હતા રોલ?
ધરપકડ કરાયેલા પૂર્વ ટીપીઓ સાગઠિયાને આ બાંધકામ ગેરકાયદેસર છે તે ખ્યાલ હતો. આ ઉપરાંત તેની નીચે આવતા બે આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર મુકેશ મકવાણા અને ગૌતમ જોષી પણ ગેરકાયદે બાંધકામ વિશે જાણતા હતાં. કદાચ ટીપીઓ સાગઠિયાની સૂચનાના કારણે તે બન્ને ગેરકાયદે બાંધકામ તોડી પાડવા માટે કોઇ કાર્યવાહી કરી શકયા નહીં હોય. આવી જ રીતે કાલાવડ રોડ ફાયર સ્ટેશનના ઓફિસર રોહિત વિગોરાએ આ ગેમ ઝોનમાં ગત વર્ષે સપ્ટેમ્બર માસમાં આગ લાગી હતી ત્યારે આગ બૂઝાવવા માટેની કામગીરી કરી હતી પરંતુ તેમને આ ગેમ ઝોનમાં ફાયર એનઓસી છે કે કેમ તે જોવાની જરા પણ દરકાર લીધી ન હતી. આ બધુ કૌભાંડ નોટોના વજનથી ભ્રષ્ટ્ર સરકારી બાબુઓએ ચાલવા દીધું હતું કે, પછી કોઇની શેહ શરમના કારણે આખં આડા કાન કરતા હતાં ? તે સવાલો ઉભા થયા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application