BREAKING NEWS

રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાયની કડક કાર્યવાહીથી પોલીસ બેડામાં સોપો, ખાખડાબેલા હત્યા પ્રકરણમાં બે PI સહિત ચાર પોલીસમેન સસ્પેન્ડ

  • May 22, 2026 04:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પડધરીના ખાખડાબેલામાં રહેતા અને રાજકોટમાં વાહન સીઝીંગના કામ સાથે સંકળાયેલા યુવરાજસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા (ઉ.વ.40) નામના યુવાનની બુધવારના રાત્રીના ખાખડાબેલા ગામ નજીક તેમની કાર પાસે છરીના ઘા ઝીંકી ઘાતકી હત્યા નીપજાવવામાં આવી હતી. આ હત્યા પ્રકરણમાં રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાયે આકરી કાર્યવાહી કરી પડધરીના તત્કાલીન પીઆઇ એસ.એન.પરમાર, હાલમાં આઇયુસીએડબલ્યુમાં ફરજ બજાવતા પીઆઇ એચ.એન.રાઠોડ, પીએસઆઇ જે.જે.વાળા અને એએસઆઇ બી.એમ.જાડેજાને સસ્પેન્ડ કરી દેતા પોલીસ બેડામાં સોપો પડી ગયો છે.


ખાખડાબેલામાં જ રહેતા ત્રણ શખસો વિરુદ્ધ અગાઉ મૃતકે દુષ્કર્મ અને પોકસોની ફરિયાદ નોંધાવી હોય જેમાં બે આરોપીઓ વોન્ટેડ છે. આ આરોપીઓ દ્વારા વારંવાર કેસમાં સમાધાન કરવા માટે મૃતકને કહ્યું હતું. પરંતુ મૃતક સમાધાન ન કરતા તેનો ખાર રાખી હત્યા કર્યાનુ સામે આવ્યું હતું. વોન્ટેડ આરોપીને પોલીસે જે તે સમયે ઝડપી લીધા હોત તો કદાચિત આ બનાવ બન્યો ન હોત. હત્યાનો બનાવ બન્યા બાદ પોલીસની આ ગંભીર બેદરકારી સામે આવતા રેન્જ આઇજીએ આકરી કાર્યવાહી કરી છે.

પડધરીના ખાખડાબેલા ગામે રહેતા અને રાજકોટમાં અયોધ્યા ચોક પાસે વાહન સીઝીંગનો વ્યવસાય કરનાર યુવરાજસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા (ઉ.વ. 40) નામના યુવાન પર બુધવારે રાત્રીના અજાણ્યા શખસોએ ખાખડાબેલા ગામ નજીક રોડ પર તેમની હેરિયર કાર પાસે છરીના આડેધડ ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી હતી.

હત્યાના આ બનાવને લઈ પડધરી પોલીસમાં મથકના સ્ટાફ ઉપરાંત રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી ચોંકાવનારી હકીકત સામે આવી હતી કે, મૃતક યુવરાજસિંહે વર્ષ 2024 માં પડધરી પોલીસ મથકમાં મહેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા અને યશપાલસિંહ રસિકસિંહ જાડેજા તથા અજયસિંહ વિરુદ્ધ દુષ્કર્મ- પોકસોની કલમ હેઠળ ફરિયાદ દાખલ કરાવી હતી. જે ગુનામાં હાલ અજયસિંહ જેલમાં છે જ્યારે મહેન્દ્રસિંહ અને યશપાલસિંહ બંને ફરાર છે.


ફરાર આરોપીઓ મહેન્દ્રસિંહ અને યશપાલસિંહ વખતોવખત મૃતક યુવાનને આ કેસમાં સમાધાન કરી લેવા માટે કહેતા હતા. પરંતુ યુવાન સમાધાન કરવા માટે તૈયાર ન હોય જે બાબતનો ખાર રાખી આરોપીઓએ યુવાનને છરીના ઘા ઝીંકી દઇ હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું.


આરોપી મહેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા અને યશપાલસિંહ રસિકસિંહ જાડેજા સામે વર્ષ 2024 માં દુષ્કર્મ ગંભીર ગુનો નોંધાયા ના બે વર્ષ બાદ પણ બંને નાસતા ફરતા હતા. જવાબદાર પોલીસ અધિકારી અને કર્મચારી દ્વારા જે તે સમયે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હોત તો કદાચિત હત્યાની આ ઘટના ન બની હોત જેથી આ બાબતે જવાબદાર અધિકારી અને કર્મચારીની ગંભીર બેદરકારી સામે આવતા રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાય દ્વારા પડધરીના તત્કાલીન પીઆઇ એસ.એન. પરમાર, દુષ્કર્મ અંગેનો ગુનો નોંધાયા બાદ જેને તપાસ સોંપવામાં આવી હતી અને હાલ આઇયુસીએડબલ્યુમાં ફરજ બજાવતા પીઆઇ એચ.એન. રાઠોડ, પીએસઆઇ જે.જે. વાળા અને ડી સ્ટાફના એએસઆઈ ભગીરથસિંહ માનસિંહ જાડેજાને તપાસમાં બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જેને લઈ પોલીસ બેડામાં સોપો પડી ગયો છે.


પીઆઈએસ પરમારને રિ-સસ્પેન્ડ કરાયા, કદાચિત આવી પહેલી ઘટના

રાજકોટ રેન્જ આઈજી દ્વારા પડધરીના ખાખડાબેલામાં થયેલી હત્યા પ્રકરણમાં બે પીઆઇ, પીએસઆઇ સહિત ચાર પોલીસમેનને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જેમાં પડધરીના તત્કાલીન પીઆઇ એસ.એન. પરમારનો પણ સમાવેશ થાય છે. તાજેતરમાં જ લોધીકા પોલીસ મથકની હદમાંથી ઝડપાયેલા દારૂ પ્રકરણમાં તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારે આ ઘટનામાં પણ તેમની બેદરકારી સામે આવતા તેમને ફરી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કોઈ અધિકારીને રિ-સસ્પેન્ડ કરવામાં આવ્યા હોય તેવી કદાચિત આ પ્રથમ ઘટના છે.


હત્યારાઓને ઝડપી લેવા એલસીબી, એસઓજી સહિતની ટીમ કામે લાગી

ખાખડાબેલામાં રહેતા યુવરાજસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા નામના યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. જે હત્યા પ્રકરણમાં આરોપી મહેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા અને યશપાલસિંહ રસિકસિંહ જાડેજા તેમજ ત્રણ અજાણ્યા શખસો સામેલ હતા. આરોપીઓને ઝડપી લેવા માટે સ્થાનિક પોલીસ ઉપરાંત એલસીબી પીઆઇ જે.પી. રાવની રાહબરી હેઠળ એલસીબીની ટીમ તથા એસઓજી પી.આઇ એફ.એ. પારગીની રાહબરી હેઠળ ટીમ તપાસમાં લાગી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application