જામજોધપુરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કાલરીયાએ કર્યા કેસરીયા

  • January 29, 2024 11:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત ભાજપના વડા મથક કમલમમાં પોતાના કાર્યકર્તાઓ સાથે ભાજપમાં પ્રવેશ કર્યો: ભૂતકાળમાં જામનગર જિલ્લાના કોંગીના બે ધારાસભ્ય અને એક પૂર્વ ધારાસભ્યને પ્રવેશ અપાયા બાદ વધુ એક પૂર્વ ધારાસભ્ય માટે બીછાવાઇ લાલ ઝાઝમ: લોકસભાની ચૂંટણી પહેલા ઓપરેશન કોંગ્રેસ ‘સુપડા સાફ’ વઘ્યું આગળ

જામજોધપુરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચીરાગ કાલરીયા આજે પોતાના સાથી કાર્યકરો સાથે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરી લીધો છે, કમલમ ખાતે એમને કેસરીયો ખેસ પહેરાવવામાં આવ્યો હતો, બપોરે ૧૨ વાગ્યા બાદ કાર્યક્રમ યોજાયો હતો, આમ જામનગર જિલ્લામાં ભૂતકાળના ઓપરેશનોને જોઇએ તો કોંગીના બે ધારાસભ્ય એક પૂર્વ ધારાસભ્ય બાદ વધુ એક પૂર્વ ધારાસભ્યની વિકેટ પાડવામાં ભાજપ સફળ થયું છે અને લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના સુપડા સાફ કરવાનું ઓપરેશન આગળ વઘ્યું છે.
૨૦૧૭ વિધાનસભાની ચૂંટણીમાં જામજોધપુરની બેઠક પર ચીરાગ કાલરીયા પૂર્વ મંત્રી ચીમનભાઇ સાપરીયાને પરાજીત કરીને જીતવામાં સફળ થયા હતાં અને તત્સમયે હાલારના બંને જિલ્લામાં મળીને કોંગીને વિધાનસભાની સાતમાંથી ત્રણ બેઠકો મળી હતી, કહેવાય છે કે એ સમયે હાર્દિક પટેલ ફેઇમ પાટીદાર અનામત આંદોલનની જામજોધપુર-લાલપુર વિધાનસભા મત વિસ્તારમાં સારી એવી અસર હતી અને એ કારણે જ ચીરાગ કાલરીયા જાયન્ટ કીલર બની શકયા હતાં, આ ઉપરાંત એ સમયે ચીમનભાઇ સામે પક્ષમાં જ આંતરીક વિખવાદ હોવાનું પણ પાછળથી સામે આવ્યું હતું.
૨૦૨૩ વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક પર કોંગીના ધારાસભ્ય ચીરાગ કાલરીયા, ભાજપના પૂર્વ મંત્રી ચીમનભાઇ સાપરીયા અને આમ આદમી પાર્ટીના હેમત ખવા વચ્ચે ત્રી-પાંખીયો જંગ ખેલાયો હતો જેમાં ભાજપ-કોંગીના કાંગરા ખરી ગયા હતાં અને ત્યારથી ચીરાગ કાલરીયા કોંગીના પૂર્વ ધારાસભ્ય તરીકે કાર્યરત હતાં.
જો કે વિધાનસભાની ગત ચૂંટણી વખતે પણ ચીરાગ કાલરીયા કેસરીયા કરી રહ્યા હોવાની વાત મોટાપાયે ઉઠી હતી પરંતુ કોઇપણ કારણે એ સમયે શકય બન્યું ન હતું, કહેવાય છે કે જે તે સમયે ટીકીટના મુદે વાત અટકી ગઇ હતી.
લોકસભાની ચૂંટણી નજીક આવતાની સાથે-સાથે ગુજરાતભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણીના મહામુકાબલા પહેલા જ કોંગ્રેસની છાવણીને સાફ કરી નાખવાની બનાવેલી યોજના અંતર્ગત સમયાંતરે રાજયમાં કોંગીના ધારાસભ્યો અથવા પૂર્વ ધારાસભ્યો ભાજપનો ખેસ પહેરી રહ્યાના અહેવાલો સામે આવી રહ્યા છે અને હવે તેમાં જામજોધપુરના પૂર્વ ધારાસભ્ય ચીરાગ કાલરીયાનો પણ સમાવેશ થઇ ગયો છે.
આજે બપોરે ૧૨ કલાક બાદ કમલમ ખાતે કેટલાક કોંગીજનોને ભાજપનો ખેસ પહેરાવીને પ્રવેશ આપવામાં આવ્યો હતો, આ જ સમયે ચીરાગ કાલરીયા એ પણ પોતાના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરી લીધો છે, એવું પણ જાણવા મળ્યું છે કે તેઓ ગત રાત્રે જ પોતાના કાફલા સાથે જામજોધપુરથી નિકળીને અમદાવાદ પહોંચી ગયા છે.
લોકસભાની ચૂંટણીની તારીખો ગમે ત્યારે જાહેર થઇ શકે તેમ છે, ગુજરાતમાં ૨૬ બેઠક જ નહીં પરંતુ ૫ લાખની લીડ સાથે જીતનો ટાર્ગેટ ભાજપે બનાવ્યો છે, જામનગર-દ્વારકાની લોકસભા બેઠક ભાજપ માટે આસાન જીત માનવામાં આવે છે એવા સમયમાં ચીરાગ કાલરીયાનો ભાજપમાં પ્રવેશ થવાથી કોંગીને વધુ નહીં તો થોડુ નુકશાન તો જશે.
અત્રે નોંધનીય છે કે, જામનગર જિલ્લામાં કોંગ્રેસનો સફાયો કરવાની ભાજપનું અભિયાન ભૂતકાળમાં પણ ચાલ્યું જ હતું, એક સમયે કોંગ્રેસના ધારાસભ્ય રહેલા રાઘવજીભાઇ પટેલ (આજના ભાજપના કૃષિ મંત્રી), ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા (ભાજપના પૂર્વ મંત્રી)નો જયારે ભાજપમાં પ્રવેશ થયો હતો ત્યારે કોંગ્રેસને મરણતોલ ફટકો લાગ્યો હતો. આ પૂર્વે જામજોધપુરમાં પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજા પણ કોંગેસનો ખેસ પહેરી ચૂકયા હતાં.
ટુંકમાં કહીએ તો દસકા દરમ્યાન ભાજપે જામનગર કોંગ્રેસના ઘણા મોટા માથાઓને પોતાના પક્ષમાં ખેંચી લઇને એક રીતે જામનગર જિલ્લામાં કોંગ્રેસને નેતા વિહોણી બનાવી દીધી છે, જે રીતે ધડાધડ કોંગીજનોનું ભાજપાગમન થઇ રહ્યું છે એ જોતા એવું લાગે છે કે, આવનારા સમયમાં કદાચ કોંગી પાસે એકાદ-બે ને બાદ કરતા કોઇ મોટા નેતાઓ રહેશે જ નહીં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application