દ્વારકામાં હનીટ્રેપ પ્રકરણમાં બે દંપતિ સહિત પાંચ ઝબ્બે

  • November 21, 2024 11:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

- જુદા જુદા બે પ્રકરણમાં પુરુષોને આપી હતી લાલચ -


દ્વારકા પંથકના એક વૃદ્ધ તથા એક યુવાનને વિવિધ રીતે પોતાની માયાજાળમાં ફસાવીને બે યુવતીઓ અને ત્રણ શખ્સો દ્વારા કરવામાં આવેલા હનીટ્રેપ કૌભાંડમાં દ્વારકા પોલીસે તાકીદની કાર્યવાહી કરી આ ગુનામાં સંડોવાયેલા બે દંપતિ તેમજ એક શખ્સને ઝડપી લીધા હતા.

દ્વારકામાં રહેતા 61 વર્ષના એક નિવૃત્ત બ્રાહ્મણ વૃદ્ધ મંગળવારે બપોરના સમયે ભડકેશ્વર મહાદેવના મંદિરેથી દર્શન કરીને નીકળતા માર્ગમાં બે અજાણી મહિલાઓ તેમને પોતે દ્વારકામાં કઈ જોયું નથી તેમ કહીને પટેલ સમાજ પાસે મૂકી જવાનું તેમને કહ્યું હતું. આ બહાને બંને સ્ત્રીઓ ફરિયાદી વિપ્ર વૃદ્ધના મોટરસાયકલ પર બેસી ગઈ હતી અને આગળ જતા તેમણે પટેલ સમાજ પાસે આવેલા ગાર્ડનમાં બેસીને ત્યારબાદ શરીર સુખની લાલચ આપી હતી.

અહીં હની ટ્રેપમાં ફસાઈ ગયેલા વૃદ્ધ પાસે ત્રણ અજાણ્યા યુવાનનો આવ્યા હતા અને બે યુવતીઓ સહિત આ પાંચેય વ્યક્તિઓએ એકસંપ કરીને ફરિયાદી વૃદ્ધને ગાળો કાઢી, ઢીકા-પાટુનો માર માર્યો હતો. આ પછી તેઓએ વૃદ્ધનો મોબાઈલ ઝૂંટવીને તેમનો ઓનલાઈન ટ્રાન્જેક્શનનો પાસવર્ડ જાણી લીધો હતો. ત્યાર બાદ તેમના મોબાઈલમાં એક પેટ્રોલ પંપના ક્યુ.આર. કોડ સ્કેન કરી અને તેમાં રૂપિયા 39,000 ટ્રાન્સફર કરી, ત્યાંથી ઉપરોક્ત રકમ ઉપાડીને આ પ્રકારે લૂંટ ચલાવી હતી.

આ જ રીતે અનિલકુમાર નામના એક આસામીને પણ લૂંટારૂ ટોળકીએ થોડા દિવસ પૂર્વે બિઝનેસ માટે થોડા દિવસ પૂર્વે અવાવરૂ સ્થળે બોલાવી અને આ પ્રકારે રૂપિયા 4,000 ની રોકડ રકમની લૂંટ ચલાવ્યાનો બનાવ બનવા પામ્યો હતો.

આ ચકચારી પ્રકરણમાં દ્વારકા વિપ્ર વૃદ્ધની ફરિયાદ પરથી બે અજાણી સ્ત્રીઓ તથા ત્રણ અજાણ્યા પુરુષો મળી કુલ પાંચ શખ્સો સામે નોંધાયેલી ફરિયાદમાં ડીવાયએસપી સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ પી.આઈ. ડી.એચ. ભટ્ટ તથા પી.એસ.આઈ. ચુડાસમા અને તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી.

પોલીસ તપાસમાં ફરિયાદી દ્વારા આપવામાં આવેલી કેટલીક વિગત તેમજ સીસી ટીવીના આધારે એક યુવાનની ઓળખ થયા બાદ પોલીસે કોમ્બિંગ તેમજ તપાસ અંગેની કામગીરી કરી, આ પ્રકરણમાં ગઈકાલે બુધવારે જ બે મહિલાઓ તેમજ ત્રણ પુરુષોની અટકાયત કરી હતી. જેમાં બે દંપતિનો સમાવેશ થાય છે.

ઝડપાયેલા આરોપીઓમાં દ્વારકાના ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતા રાહુલ જીલુભા ઉકરડાભા અને તેની પત્ની સોનલ તેમજ અન્ય એક દંપતિ રાપર-કચ્છના રહીશ રમેશ કાનજી સંઘાર અને તેની પત્ની સુનીતા તેમજ સુરતના પુના ગામ ખાતે રહેતો સુમિત જીતેન્દ્ર દુબેનો સમાવેશ થાય છે. ઝડપાયેલો સુમિત એક મહિલાનો ભાઈ થાય છે.

વૃદ્ધને લોભામણી લાલચ આપીને ધાડના આ બનાવમાં આરોપીઓને દ્વારકા પોલીસે ઝડપી લઇ, આગળની તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application