જામનગર જીલ્લા પંચાયતના ફાઇલો ચોરીમાં આખરે પોલીસ ફરીયાદ

  • June 01, 2023 10:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સસ્પેન્ડેડ કર્મચારી હરીસિંહ ગોહીલ ચાવીથી ઓફીસ ખોલી સાહિત્ય લઇ ગયો : ટ્રેકટર ટ્રોલીમાં અંદાજે ૧૫૮૨ ફાઇલ અને ૨૨૦ રજીસ્ટરની ચોરી : પંચાયત વર્તુળો સહિતમાં ભારે ચકચાર

જામનગર જીલ્લા પંચાયતના બહુચર્ચીત ફાઇલોની ચોરીના પ્રકરણમાં આખરે સસ્પેન્ડેડ કર્મચારી હરીસિંહ ગોહીલ સામે ગુનો દાખલ કરવામાં આવતા ચકચાર વ્યાપી છે, આશરે અઢી મહીના પહેલા પંચાયતની ઇલેકટ્રીક શાખાની ઓફીસમાંથી ફાઇલોનો જથ્થો ગાયબ થઇ ગયો હતો અને એ પછી વિગતો બહાર આવતા ડીડીઓ દ્વારા તપાસ અને પોલીસ ફરીયાદના આદેશો આપ્યા હતા, આ પ્રકરણમાં ફરીયાદના આધારે પોલીસે તપાસના ચક્રો ગતીમાન કર્યા છે, ફાઇલોની ચોરીમાં અન્ય કોણ સંડોવાયેલ છે એ સહિતની વિગતો તપાસ દરમ્યાન ખુલવા પામશે, સુત્રોના જણાવ્યા મુજબ પોટલા પ્રકરણમાં અનેકને છાંટા ઉડવાની શકયતાઓ રહેલી છે.
જામનગર જીલ્લા પંચાયતની ઇલેકટ્રીક શાખાની ઓફીસમાંથી આશરે બે અઢી મહીના પહેલા ભેદી રીતે ફાઇલો ગાયબ થઇ ગઇ હતી, એ પછી નાયબ કાર્યપાલ ઇજનરે કામસર કેટલીક ફાઇલો મંગાવી હતી પરંતુ રેકર્ડરુમમાંથી સંખ્યાબંધ ફાઇલો ગુમ થયાનું જાણમાં આવ્યુ હતું, જેથી સમગ્ર મામલો જીલ્લા વિકાસ અધિકારી સમક્ષ લઇ જવાયો હતો અને આ અંગે તપાસના આદેશ જારી કરવામાં આવ્યા હતા, પોલીસને પણ મૌખિક રજુઆત કરી હતી જેના પગલે જીલ્લા પંચાયત વર્તુળમાં ભારે હડકંપ મચી ગયો હતો. રાત્રીના સમયે વાહન લઇને આવેલા શખ્સો ફાઇલો ભરીને ચાલ્યા ગયા હોવાની વિગતો સામે આવી હતી.
ફાઇલોની ચોરીના બહુચર્ચીત પ્રકરણમાં આખરે પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવી છે જેની વિગત મુજબ જામનગર જીલ્લા પંચાયત માર્ગ મકાન પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર અને શરુ સેકશન રોડ પર અપુર્વ રેસીડેન્સી ખાતે રહેતા જયવીરસિંહ પ્રવિણસિંહ ચુડાસમા દ્વારા ગઇકાલે સીટી-એમાં હરીસિંહ પ્રતાપસિંહ ગોહીલ રહે. જામનગર તથા તપાસમાં જે ખુલે તેની સામે આઇપીસી કલમ ૩૮૧, ૪૫૭ મુજબ ફરીયાદ નોંધાવી હતી.
જેમાં જણાવ્યુ હતું કે, ગત તા. ૨૪-૫-૨૩ના આશરે બે અઢી માસ પહેલા રાત્રીના સુમારે આરોપી હરીસિંહ ગોહીલએ જામનગર જીલ્લા પંચાયત કચેરીની ઇલેકટ્રીક શાખાની ઓફીસમાં આવી પોતાની પાસે રહેલી ચાવી વડે ઓફીસ ખોલીને અંદાજે ૧૫૮૨ ફાઇલ તથા અંદાજે ૨૨૦ રજીસ્ટર મળી ફાઇલો અને રજીસ્ટરનો જથ્થો ટ્રેકટર ટ્રોલીમાં ભરીને કોઇને જાણ કર્યા વગર ચોરી કરીને લઇ ગયો હતો.
જીલ્લા પંચાયતના ઇલેકટ્રીક શાખાની ઓફીસમાંથી ફાઇલોની ચોરીમાં સસ્પેન્ડેડ કર્મચારી સામે ફરીયાદ દાખલ થતા આ અંગેની તપાસ સીટી-એ પીઆઇ ચાવડાની સુચનાથી પીએસઆઇ બી.એસ.વાળા અને સ્ટાફ દ્વારા ચલાવવામાં આવી રહી છે.
જામનગર જીલ્લા પંચાયતમાં ફાઇલ ગુમ થયાના પ્રકરણે ભારે હલચલ મચાવી છે, ૨૦૧૫ થી ૨૦૨૨ સુધીની કેટલીક ફાઇલો ખુબ જ મહત્વની હોય, આ સમગ્ર કાંડમાં કેટલાક અધિકારીઓ અને રાજકીય નેતાઓની પણ સંડોવણી બહાર આવે તેવી પણ શકયતા છે, સિકયુરીટી ગાર્ડના કહેવા મુજબ જે જે નામ આપ્યા છે તેમાં વિધિવત નામ જોગ ફરીયાદ થાય તો કેટલાકને મુશ્કેલી ઉભી થઇ શકે, ગઇકાલે ડીડીઓ વિકલ્પ ભારદ્વાજ અને એસપી પ્રેમસુખ ડેલુ વચ્ચે પણ વાતચીત થઇ હતી અને ડીડીઓએ મિટીંગ બોલાવી હતી, જેમાં આજને આજ ફરીયાદ નોંધાવવા આદેશ અપાયા બાદ ફરીયાદ નોંધી દેવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application