BREAKING NEWS

ITR વહેલું ભરવું પડી શકે છે ભારે! ટેક્સ નિષ્ણાતોએ કેમ આપી 15 જૂન સુધી રાહ જોવાની ચેતવણી? જાણી લો નુકસાન

  • May 24, 2026 07:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આકારણી વર્ષ (Assessment Year) 2026-27 માટે ઇનકમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. આઇટીઆર-૧ અને આઇટીઆર-૪ યુટિલિટી ઉપલબ્ધ થતાંની સાથે જ ઘણા નોકરિયાત વર્ગના લોકો વહેલી તકે રિટર્ન ભરવાની તૈયારી કરી રહ્યા છે. લોકો સામાન્ય રીતે વહેલું રિફંડ મેળવવા અને છેલ્લી ઘડીની દોડધામથી બચવા માટે ઉતાવળ કરતા હોય છે. જોકે, ટેક્સ નિષ્ણાતો અત્યારે વહેલું આઇટીઆર ન ભરવાની અને ૧૫ જૂન સુધી રાહ જોવાની ખાસ સલાહ આપી રહ્યા છે.


આજના સમયમાં ઇનકમ ટેક્સ રિટર્ન માત્ર તમારા દ્વારા આપવામાં આવેલી માહિતી પર નિર્ભર નથી હોતું. આવકવેરા વિભાગ તમારા રિટર્નની સરખામણી તમારી કંપની (નિયોક્તા), બેંક, મ્યુચ્યુઅલ ફંડ અને બ્રોકર્સ પાસેથી મળેલા ડેટા સાથે કરે છે. આથી, અધૂરી વિગતો સાથે વહેલું આઇટીઆર ફાઇલ કરવાથી ભવિષ્યમાં મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે.


ફોર્મ ઉપલબ્ધ છે, પણ ડેટા હજી અધૂરો
ઘણા કરદાતાઓ એવું માની લે છે કે આઇટીઆર ફોર્મ ઓનલાઇન આવી ગયું એટલે તેમનો બધો ડેટા પણ અપડેટ થઈ ગયો હશે, પરંતુ વાસ્તવિકતામાં એવું નથી હોતું. નાણાકીય વર્ષ 2025-26 ના છેલ્લા ક્વાર્ટર (ત્રિમાસિક ગાળા) ના ઘણા મહત્વના ટેક્સ અપડેટ્સ મે મહિનાના અંત સુધીમાં સબમિટ થતા હોય છે. આથી, શરૂઆતમાં એઆઇએસ (AIS) અને ફોર્મ ૨૬એએસ (Form 26AS) માં બધી વિગતો દેખાતી નથી. ખાસ કરીને જેમને સેલેરી સિવાય વ્યાજ, ભાડું, ડિવિડન્ડ કે કેપિટલ ગેઇન જેવી અન્ય આવક હોય, તેમણે ઉતાવળ ન કરવી જોઈએ.


૧૫ જૂન સુધી કેમ રાહ જોવી શ્રેષ્ઠ છે?

કંપનીઓ અને અન્ય સંસ્થાઓ માટે ટેક્સ અને ટીડીએસ (TDS) નો ડેટા સબમિટ કરવાની સમયમર્યાદા નીચે મુજબ હોય છે:


TDS રિટર્નની છેલ્લી તારીખ: કંપનીઓએ માર્ચ ૨૦૨૬ ના ક્વાર્ટરની ટીડીએસ વિગતો ૩૧ મે ૨૦૨૬ સુધીમાં જમા કરાવવાની હોય છે. ત્યારબાદ જ કર્મચારીઓનો પૂરો સેલેરી ડેટા સિસ્ટમમાં અપડેટ થાય છે.


ફોર્મ ૧૬ ની સમયમર્યાદા: કંપનીઓ દ્વારા કર્મચારીઓને ફોર્મ ૧૬ (Form 16) અને ફોર્મ ૧૬એ (Form 16A) ઇશ્યૂ કરવાની છેલ્લી તારીખ ૧૫ જૂન ૨૦૨૬ છે. આ દસ્તાવેજ મળ્યા પછી જ કર્મચારીઓ પોતાની સેલેરી અને કપાત થયેલા ટેક્સનું સાચું મિલાન કરી શકે છે.


ઉતાવળમાં આઇટીઆર ભરવાથી થતી મુશ્કેલીઓ
જો તમે ડેટા અપડેટ થયા પહેલા જ રિટર્ન ભરી દેશો, તો નીચે મુજબની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે:

TDS ક્રેડિટમાં ભૂલ: કપાયેલો ટેક્સ તમારા ખાતામાં પૂરો દેખાશે નહીં.

ઇનકમ ટેક્સ નોટિસ: સરકારી ડેટા અને તમારા રિટર્નમાં તફાવત આવતા ટેક્સ વિભાગ તરફથી નોટિસ આવી શકે છે.

રિફંડમાં વિલંબ: માહિતી મેચ ન થવાને કારણે રિફંડ અટકી શકે છે.

વધારાના ટેક્સની માંગ: ડેટા મિસમેચના લીધે પેનલ્ટી કે વધારાનો ટેક્સ ભરવો પડી શકે છે.

રિવાઇઝ્ડ રિટર્ન: ભૂલ સુધારવા માટે ફરીથી સુધારેલું રિટર્ન (Revised ITR) ભરવાની મગજમારી કરવી પડશે.


​​​​​​​સમજદારીભર્યો રસ્તો કયો?

ટેક્સ નિષ્ણાતોના મતે નોકરિયાત વર્ગ માટે જૂનના મધ્ય સુધી રાહ જોવી એ જ સૌથી શ્રેષ્ઠ વ્યૂહરચના છે. ૧૫ જૂન સુધીમાં ફોર્મ ૧૬ હાથમાં આવી જશે, એઆઇએસ (AIS) અને ફોર્મ ૨૬એએસ (Form 26AS) સંપૂર્ણ અપડેટ થઈ જશે અને ટીડીએસ ક્રેડિટ પણ સાચી દેખાવા લાગશે. પરિણામે, ડેટા મિસમેચ થવાની શક્યતા નહિવત થઈ જાય છે. યાદ રાખો કે, ટેક્સ ફાઇલિંગમાં વહેલા કરતા સાચી રીતે રિટર્ન ભરવું વધુ મહત્ત્વનું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application