BREAKING NEWS

દીવના નાગવા રોડ પર બે કાર ધડાકાભેર અથડાઈ, વેપારી પિતા-પુત્રનું કમકમાટીભર્યું મોત, માતા અને ભત્રીજો ગંભીર

  • May 18, 2026 11:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના પ્રખ્યાત નાગવા રોડ પર ગત મોડી રાત્રે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલી સુરત પાસિંગની એક કારે સામેથી આવી રહેલી પ્રવાસી પરિવારની કારને જોરદાર ધડાકાભેર ટક્કર મારી હતી. આ કાળમુખા અકસ્માતમાં મધ્યપ્રદેશના ગ્વાલિયરથી દીવ ફરવા આવેલા સિંધી પરિવારના પિતા અને સગીર પુત્રનું ઘટનાસ્થળે જ લોહીલુહાણ હાલતમાં કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે પરિવારના અન્ય બે સભ્યોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.


ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો

મળતી વિગતો અનુસાર, મૂળ મધ્યપ્રદેશના ગ્વાલિયરના રહેવાસી પૃથ્વી હુનદરાજ વાધવાની (ઉંમર ૫૦ વર્ષ)ના મોટાભાઈ ગિરધારીલાલે જૂનાગઢ નજીક તલની એક નવી ફેક્ટરી શરૂ કરી છે. આ શુભ પ્રસંગે અને ફેક્ટરીના ઓપનિંગમાં હાજરી આપવા માટે પૃથ્વીભાઈ તેમના પરિવાર સાથે ગ્વાલિયરથી જૂનાગઢ આવ્યા હતા. બપોરે પ્રસંગ પતાવ્યા બાદ, બંને ભાઈઓ પોતાના પરિવાર સાથે દીવ પ્રવાસે નીકળ્યા હતા. અહીં ફર્યા બાદ તેઓ સોમનાથ મહાદેવના દર્શને જવાનું આયોજન ધરાવતા હતા, પરંતુ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું.


ડિનર માટે જઈ રહેલા પરિવાર પર નાગવા રોડ પર કાળ ત્રાટક્યો

રાત્રિના સમયે આખો પરિવાર સ્વિમિંગ પૂલની મજા માણીને નાગવા નજીક આવેલી એક હોટેલમાં રાત્રિ ભોજન (ડિનર) કરવા માટે પોતાની કારમાં જઈ રહ્યો હતો. આ કારમાં પૃથ્વીભાઈ, તેમનો ૧૬ વર્ષનો પુત્ર અનિકેત, પત્ની નીતુબેન અને ભત્રીજો ઓમેશ ગિરધારીભાઈ વાધવાની સવાર હતા. તેઓ જ્યારે નાગવા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે સામેથી મોતની ઝડપે ધસી આવેલી સુરત પાસિંગની કારે તેમની કારના ફુરચેફુરચા ઉડાવી દીધા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે, ૧૬ વર્ષના માસૂમ અનિકેત અને તેના પિતા પૃથ્વીભાઈનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. પોતાની નજર સામે જ પતિ અને પુત્રને દમ તોડતા જોઈ માતા નીતુબેન પર આભ તૂટી પડ્યું હતું. ગંભીર રીતે ઘવાયેલા નીતુબેન અને ભત્રીજા ઓમેશને તાત્કાલિક ઉનાની ખાનગી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે.


દીવ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે,  RTO રેકોર્ડ અનુસાર આ કાર સુરતના યોગી ચોક, સ્વસ્તિક પ્લાઝા પાસે આવેલા '૧૦૨ ક્રિષ્ના રો-હાઉસ'ના રહેવાસી મિહિર નામના વ્યક્તિની હોવાનું ખૂલ્યું છે. અકસ્માત સમયે આ કારમાં કુલ ૬ લોકો સવાર હતા.


ઘટનાની જાણ થતાં જ દીવ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને કારચાલક સહિત ૩ શખસોને ઘટનાસ્થળેથી જ દબોચી લીધા હતા. જ્યારે અન્ય ૩ શખસો રાત્રિના અંધારાનો લાભ લઈ ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા. દીવ પોલીસની એક ખાસ ટીમ આ ફરાર ત્રણેય શખસોને પકડવા માટે છેક ઉના સુધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


પરિવાર અને ગ્વાલિયરના સિંધી સમાજમાં આક્રંદ

આ ગમખ્વાર અકસ્માતની ખબર વાયુવેગે ફેલાતા દીવ પંથકમાં અને ગ્વાલિયર સ્થિત સિંધી સમાજમાં ભારે અરેરાટી અને શોકનું મોજું ફરી વળ્યું છે. અત્યંત ચોંકાવનારી અને દુઃખદ બાબત એ છે કે, હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતી માતા નીતુબેન અને ગ્વાલિયર ખાતે રહેતા પરિવારના અન્ય સભ્યોને હજી સુધી એ પણ ખબર નથી કે આ અકસ્માતમાં પિતા-પુત્ર બંને કાળનો કોળિયો બની ગયા છે. હાલ દીવ પોલીસ દ્વારા આ મામલે કાયદેસરનો ગુનો નોંધી, લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application