મોટા આસોટામાં જુના મન-દુઃખનો ખાર રાખીને કાકા-ભત્રીજા પર જીવલેણ હુમલો

  • September 23, 2024 11:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા ગામે રહેતા નાગાજણભાઈ રણમલભાઈ સંધીયા નામના 56 વર્ષના પ્રૌઢ તેમજ તેમના ભત્રીજા સાહેદ જેસાભાઈ વેજાણંદભાઈ સંધીયા ઉપર આ જ ગામના ખેંગાર વીરપાલ જોગણી અને પૂંજા વિરપાલ જોગણી નામના બે શખ્સોએ ધારિયાના હાથા તેમજ કુહાડાના હાથા વડે હુમલો કરી, ઈજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ધોરણસર ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

આજથી આશરે ચારેક વર્ષ પૂર્વે ફરિયાદી નાગાજણભાઈના ભત્રીજાએ આરોપી પરિવારની એક પુત્રી સાથે પ્રેમ લગ્ન કર્યા હોય, જેના મનદુઃખમાં એક હત્યા પણ થવા પામી હતી. આ રીતે ચાલ્યા આવતા જુના મનદુઃખના કારણે ઉપરોક્ત બનાવ બન્યો હોવાનું ગઢવી નાગાજણભાઈ સંધીયાની આ ફરિયાદમાં જાહેર થયું છે. જે અંગે પોલીસે બંને શખ્સો સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, જરૂરી કાર્યવાહી કરી હતી.


ખંભાળિયામાં મહિલાનો મોબાઈલ ચોરાયો

ખંભાળિયામાં નગર ગેઈટ વિસ્તારમાં આવેલા એક પેટ્રોલ પંપ પાસે રહેતા ભીનીબેન ખીમાભાઈ ચાવડા નામના મહિલાનો રૂપિયા 4,000 ની કિંમતનો વિવો કંપનીનો મોબાઈલ ફોન ગત તારીખ 19 મીના રોજ કોઈ તસ્કર ચોરી કરીને લઈ ગયો હોવાની ફરિયાદ ખંભાળિયા પોલીસમાં નોંધાઈ છે.


મીઠાપુરમાં જુગાર રમતા મહિલા સહિત પાંચ ઝડપાયા

મીઠાપુર તાબેના સુરજકરાડી વિસ્તારમાંથી પોલીસે મોડી રાત્રિના સમયે જાહેરમાં ગંજીપત્તા વડે તીનપતિ નામનો જુગાર રમી રહેલા સંજય બીજલભાઈ વાલ્મિકી, પાલા કરસન વારસાકીયા, મનોજ ઉર્ફે સુનિલ ઈશ્વર સરધારા, આદિત્ય સંજય રાઠોડ અને રાણીબેન તેજાભાઈ વારસાકીયાને ઝડપી લઈ, કુલ રૂપિયા 15,840 નો મુદ્દામાલ કબજે કરીને જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.


કલ્યાણપુરમાં વિદેશી દારૂ અંગે ત્રણ સ્થળે કાર્યવાહી: બે ઝડપાયા, એક ફરાર

કલ્યાણપુર તાલુકાના સુઈનેસ ગામે રહેતા મેરુ જેઠા ચાવડા નામના શખ્સના રહેણાંક મકાનમાં સ્થાનિક પોલીસે દરોડો પાડી, આ સ્થળેથી રૂપિયા 39,520 ની કિંમતની જુદી જુદી બ્રાન્ડની 76 બોટલ વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો. જો કે આ સ્થળે આરોપી શખ્સ મળી ન આવતા તેને હાલ ફરાર જાહેર કરી, કલ્યાણપુર પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

અન્ય એક દરોડામાં કલ્યાણપુર તાલુકાના ગોરાણા ગામના વાડી વિસ્તારમાં રહેતા સૂકા રાજા ગોરાણીયા નામના 43 વર્ષના શખ્સને રૂપિયા 2,600 ની કિંમતની વિદેશી દારૂની છ બોટલ સાથે તેમજ કેનેડી ગામના હરીશ જેરામ ખાણધર નામના દલવાડી શખ્સને વિદેશી દારૂની એક બોટલ સાથે પોલીસે ઝડપી લઈ, ગુનો નોંધ્યો હતો.


ખંભાળિયા, મીઠાપુરમાં પીધેલા વાહન ચાલકો સામે કાર્યવાહી

ખંભાળિયા નજીકના નેશનલ હાઈવે પરથી પોલીસે કેફી પીણું હાલતમાં રૂપિયા બે લાખની કિંમતની આઈ-20 મોટરકાર લઈને નીકળેલા પરોડીયા ગામના વાલા જીવા ભાચકન (ઉ.વ. 23) ને ઝડપી લઇ, ગુનો નોંધ્યો હતો. આ ઉપરાંત ટ્રાફિક પોલીસે માંઝા ગામના મહેશ ઉર્ફે ભાવેશ કાયા કારીયા નામના 24 વર્ષના ગઢવી શખ્સને રૂપિયા 30,000 ની કિંમતના હોન્ડા સાઈન મોટરસાયકલ પર કેફી પીણું પીધેલી હાલતમાં નીકળતા ઝડપી લીધો હતો.

મીઠાપુર પોલીસે પોરબંદરના મૂળ રહીશ અને હાલ દ્વારકામાં રહેતા શકીલ સુમાર હિંગોરા (ઉ.વ. 40) ને રૂપિયા 20,000 ની કિંમતના મોટરસાયકલ પરથી પીધેલી હાલતમાં ઝડપી લીધો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application